14 જૂને રાજ્યભરમાં પોલીસ ભરતીની લેખિત પરીક્ષા:6.36 લાખમાંથી 2.63 લાખ ઉમેદવારો ક્વોલિફાય થયા, રાજ્યની 849 સ્કૂલો-કોલેજોમાં પરીક્ષા યોજાશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં વધુ એક મહત્વપૂર્ણ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી શારીરિક કસોટીમાં ભાગ લેનારા આશરે 6.36 લાખ ઉમેદવારોમાંથી 2,63,345 ઉમેદવારો લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. આ લેખિત પરીક્ષા આગામી 14 જૂનના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ શહેરોની 849 શાળા-કોલેજોમાં યોજાશે. 200 ગુણની MCQ આધારિત પ્રશ્નપત્ર પદ્ધતિથી પરીક્ષા
પોલીસ ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર પરીક્ષા સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધી યોજાશે અને 200 ગુણની MCQ આધારિત પ્રશ્નપત્ર પદ્ધતિ અપનાવવામાં આવશે. પરીક્ષાના કોલલેટર 6 જૂનથી ડાઉનલોડ કરવાનું શરૂ થયું છે. ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ગેરરીતિમુક્ત બનાવવા માટે 9 હજાર જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ અને 17,000 જેટલા શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓને પરીક્ષા કામગીરીમાં જોડવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર PI/PSI કક્ષાના અધિકારીને નિયુક્ત
દરેક પરીક્ષા કેન્દ્ર પર PI/PSI કક્ષાના અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ઉમેદવારોની ઓળખની ખાતરી કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન, ફેશિયલ રેકોગ્નિશન ટેક્નોલોજી અને AI આધારિત વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષા સામગ્રી લઈ જતાં તમામ વાહનોનું GPS મારફતે રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરાશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા ખાસ બસની વ્યવસ્થા
પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રેન્જ વડાઓના સુપરવિઝન હેઠળ IGP, DIG અને SP કક્ષાના અધિકારીઓ દેખરેખ રાખશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ બસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ભરતી બોર્ડે તમામ ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની અપીલ કરી છે.
Read Original Article →