સ્કૂલોમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા ગુજરાત પોલીસ મેદાને:'ઓપરેશન ચાઈલ્ડહુડ ફ્રીડમ'થી બાળમજૂરી સામે રાજ્યવ્યાપી જંગ

Gujarat6/10/2026, 12:51:04 PM
સ્કૂલોમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા ગુજરાત પોલીસ મેદાને:'ઓપરેશન ચાઈલ્ડહુડ ફ્રીડમ'થી બાળમજૂરી સામે રાજ્યવ્યાપી જંગ
ગુજરાતમાં શાળાઓમાં વધતા ડ્રોપઆઉટ રેશિયોને લઈને ચિંતા વચ્ચે હવે બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા ગુજરાત પોલીસે અનોખી પહેલ હાથ ધરી છે. સીઆઈડી ક્રાઈમ (વુમન સેલ)ના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન ચાઈલ્ડહુડ ફ્રીડમ’ નામની એક મહિનાની વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાળમજૂરીમાં ફસાયેલા બાળકોને મુક્ત કરાવી તેમનું પુનર્વસન કરી શાળામાં પ્રવેશ અપાવવાનો છે. રમકડાં વેચતી એક મહિલા સાથે રહેલા ત્રણ બાળકોની પૂછપરછ ગાંધીનગરમાં આ અભિયાનની અસરકારક કામગીરીનું ચિત્ર જોવા મળ્યું હતું. મહિલા પોલીસ સ્ટેશનની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધરી હતી. ગાંધીનગર-સરખેજ હાઈવે નજીક રમકડાં વેચતી એક મહિલા સાથે રહેલા ત્રણ બાળકોની પૂછપરછ કરી તેમને મહિલા પોલીસ મથકે લઈ જવાયા હતા. લાંબી તપાસ બાદ બાળકોની સ્થિતિ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારબાદ બે બાળકોને સેક્ટર-17 સ્થિત બાળ વિકાસ ગૃહમાં અને બાળકીને સિવિલ હોસ્પિટલના સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. હોટસ્પોટ મેપિંગ અને ડ્રોપઆઉટ બાળકોનો ડેટા એકત્રિત કરાશે સીઆઈડી ક્રાઈમ અને રેલવે (વુમન સેલ)ના એડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, ડીજીપીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ચાર તબક્કામાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં હોટસ્પોટ મેપિંગ અને ડ્રોપઆઉટ બાળકોનો ડેટા એકત્રિત કરવામાં આવશે, બીજા તબક્કામાં દરોડા પાડી બાળકોને રેસ્ક્યુ કરવામાં આવશે, ત્રીજા તબક્કામાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂઆત કરી પુનર્વસન અને શાળામાં પ્રવેશ અપાશે, જ્યારે ચોથા તબક્કામાં બાળમજૂરી કરાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 5 હજારથી વધુ બાળમજૂરોને મુક્ત કરાવવાનો લક્ષ્યાંક રાજ્યવ્યાપી આ અભિયાન હેઠળ 5 હજારથી વધુ બાળમજૂરોને મુક્ત કરાવવાનો, 50 હજારથી વધુ શંકાસ્પદ સ્થળોની તપાસ કરવાનો તેમજ 10 હજારથી વધુ ગુપ્ત માહિતીઓ એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. હાઈટેક ટેક્નોલોજીના ઉપયોગથી ઇન્ટેલિજન્સ મેપિંગ પણ કરવામાં આવશે. વેપારીઓ, કારખાનાના માલિકો અને ધાબા-રેસ્ટોરન્ટ સંચાલકોને બાળમજૂરી કાયદેસર ગુનો હોવાનું સમજાવી બાળકોને શિક્ષણ તરફ વાળવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસનું માનવું છે કે બાળમજૂરી રોકાશે તો જ ડ્રોપઆઉટ રેશિયો ઘટશે અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનશે.
Read Original Article →