19 વર્ષથી ગુમ 701 લોકોને પોલીસે AIની મદદથી શોધી કાઢ્યા:15 પોઈન્ટની ખાસ SOP બનાવી, આશ્રમોથી લઈ ટ્રાન્સપોર્ટ હબ સુધી તપાસ કરી
ગુજરાત પોલીસે માત્ર બે અઠવાડિયામાં 2007થી ગુમ થયેલા 701 લોકો અને બાળકોને શોધી કાઢ્યા, પરંતુ આ સફળતા પાછળ માત્ર સામાન્ય તપાસ નહીં, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ફિલ્ડ ઇન્ટેલિજન્સ અને દેશવ્યાપી ઓપરેશનનો મોટો રોલ રહ્યો હતો. પોલીસે 15 પોઈન્ટની ખાસ SOP તૈયાર કરી
મહિલા સેલના A.D.G.P. અજય ચૌધરીએ જણાવ્યું કે, ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટે પોલીસ દ્વારા ખાસ 15 પોઈન્ટની SOP તૈયાર કરવામાં આવી હતી. આ SOP માત્ર કાગળ પરની ગાઈડલાઈન નહોતી, પરંતુ દરેક કેસમાં લોજિકલ અને ઇન્ટેલિજન્સ આધારિત તપાસનો રોડમૅપ બની હતી. દરેક કેસમાં ડિજિટલ ફૂટપ્રિન્ટ ખંગાળાયા
તપાસ દરમિયાન મોબાઈલ CDR, લોકેશન ટ્રેકિંગ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ચૌધરીએ જણાવ્યું કે, આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ડિજિટલ ફૂટપ્રિન્ટ છોડી જાય છે. કોઈ ફેસબુક પોસ્ટ, ઈન્સ્ટાગ્રામ ફોટો અથવા સામાજિક કાર્યક્રમમાં હાજરી જેવી બાબતો પણ તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. AI અને LLMએ બતાવ્યો તપાસનો રસ્તો
પોલીસે ઓપન AI અને લાર્જ લેંગ્વેજ મોડેલ (LLM) જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મિસિંગ પર્સન કેસોમાં ક્રાઈમ પેટર્ન અને સંભાવનાઓનું વિશ્લેષણ કર્યું હતું. પોલીસે ક્રાઈમ ઈન ગુજરાત, પોક્સો પોર્ટલ, ઈ-ગુજકોસ્ટ, ડેમોગ્રાફી અને મિશન વાત્સલ્ય પોર્ટલ સહિતના ડેટાને એકસાથે સ્ટડી કરીને એઆઈ આધારિત મોડલ તૈયાર કર્યું હતું. આ સિસ્ટમથી કયા પ્રકારના કેસમાં કઈ દિશામાં તપાસ કરવી તે અંગે ટાર્ગેટેડ ઇનપુટ મળતા હતા. આશ્રમોથી લઈને ટ્રાન્સપોર્ટ હબ સુધી તપાસ
મિસિંગ લોકોની શોધખોળ માટે માત્ર ટેક્નિકલ તપાસ પૂરતી રાખવામાં આવી નહોતી. પોલીસ ટીમોએ શેલ્ટર હોમ, આશ્રમો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધાર્મિક સ્થળો સુધી તપાસ ચલાવી હતી. સાથે જ બિનવારસી મૃતદેહોની માહિતી પણ ચકાસવામાં આવી હતી. ગુજરાત બહાર સુધી દોડી પોલીસ
ઘણા કેસોમાં ગુમ થયેલા લોકો ગુજરાતની બહાર મળી આવ્યા હતા. પોલીસ ટીમો યુપી, દિલ્હી અને મહારાષ્ટ્રના નાગપુર સુધી પહોંચી હતી. ખાસ કરીને અન્ય રાજ્યોમાં તપાસ દરમિયાન સ્થાનિક માહિતી મેળવવી, ઓળખ પુષ્ટિ કરવી અને પરિવાર સાથે સંકલન કરવું સૌથી મોટો પડકાર રહ્યો હતો. 2007ની ફાઈલ હવે કેમ ખુલી?
ચૌધરીએ જણાવ્યું કે, પોલીસ પાસે 2007થી મિસિંગ વ્યક્તિઓનો ડેટા ઉપલબ્ધ હતો. નવી ટેક્નોલોજી અને AI આધારિત એનાલિસિસના કારણે જૂના કેસોને ફરી ખંગાળવામાં આવ્યા અને ઘણા કેસોમાં નવા ક્લૂ મળતા લોકો સુધી પહોંચવું શક્ય બન્યું.
Read Original Article →