38 લાખ બાળકોના પોષણ પર સંકટ!:કઠોળ-દાળની અછત વચ્ચે PM પોષણ અને CM અલ્પાહાર યોજના બંધ કરવાની ચેતવણી, વિભાગો વચ્ચે જવાબદારીની ફેંકાફેંકી
રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ચાલી રહેલી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના ગંભીર સંકટમાં મુકાઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે મહિનાથી કઠોળ, દાળ અને રસોઈ ખર્ચ માટેની ગ્રાન્ટ ઉપલબ્ધ ન થતાં રાજ્યભરની હજારો શાળાઓમાં બાળકોને પોષણયુક્ત ભોજન પૂરું પાડવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. તાત્કાલીક ગ્રાન્ટ ન મળે તો નાસ્તો બંધ થઈ શકે- રાજેન્દ્રસિંહ
પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો તાત્કાલિક ધોરણે બાકી ગ્રાન્ટ ચૂકવવામાં નહીં આવે અને કઠોળ-દાળનો પુરવઠો શરૂ નહીં કરવામાં આવે તો યોજનાના સંચાલકોને ભોજન અને નાસ્તાની સેવા બંધ કરવાની ફરજ પડશે. સંઘના જણાવ્યા અનુસાર હાલમાં અનેક શાળાઓમાં તિથિ ભોજન અને દાતાઓના સહયોગથી બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. જોકે તુવેર દાળ અને ચણાની અછતને કારણે અંદાજે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓને જરૂરી પ્રોટીનયુક્ત આહાર મળતો નથી. પરિણામે અનેક શાળાઓમાં ખાલી ભાત અથવા મર્યાદિત મેનૂ પર નિર્ભર રહેવાની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી અલ્પાહાર યોજના પણ ગ્રાન્ટના અભાવે અસરગ્રસ્ત બની હોવાનું જણાવાયું છે. રાજ્યની આશરે 29 હજાર શાળાઓમાં પૌવા, ઉપમા સહિતના અલ્પાહાર માટે DBT મારફતે એડવાન્સ ગ્રાન્ટ આપવાની જોગવાઈ હોવા છતાં છેલ્લા બે મહિનાથી રકમ જમા થઈ નથી. ત્રણ મહિનાથી કઠોળની ખરીદી માટે ટેન્ડર જ બહાર ન પડાયું હોવાનો આક્ષેપ
સંઘે આક્ષેપ કર્યો છે કે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી કઠોળ ખરીદી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. જેના કારણે શાળાઓમાં કઠોળનો જથ્થો ખૂટી ગયો છે અને બાળકોના પોષણ પર સીધી અસર પડી રહી છે. રાજ્યની આશરે 32 હજાર શાળાઓમાં આ યોજનાઓ અમલમાં છે, પરંતુ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં પૂરતું કઠોળ ઉપલબ્ધ હોવાનું અને અન્ય શાળાઓમાં અછત હોવાનું પણ સંઘે જણાવ્યું છે. જવાબદારી મુદ્દે શિક્ષણ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગની ફેંકાફેંકી
આ સમગ્ર મુદ્દે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, "આ મુદ્દો અમારા વિભાગ હેઠળ આવતો નથી, આ શિક્ષણ વિભાગનો વિષય છે." બીજી તરફ શિક્ષણ વિભાગના સૂત્રો આ મામલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી હોવાનું જણાવી રહ્યા છે. પરિણામે કઠોળ અને ગ્રાન્ટના પ્રશ્ને બંને વિભાગો વચ્ચે જવાબદારીનો દોર જોવા મળી રહ્યો છે, જ્યારે તેની સીધી અસર લાખો વિદ્યાર્થીઓના પોષણ પર પડી રહી છે. સંઘે દાવો કર્યો છે કે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી માર્ચ અને એપ્રિલ મહિનાની બાકી ગ્રાન્ટ તેમજ કઠોળ-દાળનો પુરવઠો તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો રાજ્યભરમાં પીએમ પોષણ યોજના અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળનું ભોજન અને નાસ્તાનું વિતરણ બંધ કરવાની ફરજ પડશે. મહત્વનું છે કે જો આ ચેતવણી અમલમાં આવે તો રાજ્યના આશરે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓના દૈનિક પોષણ પર સીધી અસર પડી શકે છે.
Read Original Article →