દારૂબંધીના કેસોથી ગુજરાતનો ક્રાઈમ રેટ વધ્યો!:NCRB રિપોર્ટમાં સરકારે ગણાવ્યું ‘આંકડાનું સત્ય’, મહિલાઓ વિરુદ્ધના ગુનામાં રાજ્ય 33મા ક્રમે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા “ક્રાઈમ ઇન ઇન્ડિયા-2024” રિપોર્ટ બાદ ગુજરાત સરકાર તરફથી એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે સત્તાવાર આંકડાઓ સાથે દાવો કર્યો છે કે, ગુજરાતમાં દારૂબંધીના અત્યંત કડક અમલને કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રોહિબિશનના કેસ નોંધાય છે, જેના લીધે રાજ્યનો કુલ ક્રાઈમ રેટ ઊંચો જોવા મળી રહ્યો છે. જો આ કેસોને અલગ રાખવામાં આવે, તો મહિલા-બાળકો વિરૂદ્ધના ગુના અને હિંસાત્મક ગુનાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી સુરક્ષિત રાજ્યોમાં અગ્રેસર છે. રાષ્ટ્રીય સરેરાશ અને ગુજરાતની સ્થિતિ
વર્ષ 2024ના અહેવાલ મુજબ, સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ 252.3 રહ્યો હતો, જેની સરખામણીએ ગુજરાતનો કુલ ક્રાઈમ રેટ 227.7 નોંધાયો છે. આ દર સાથે દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે. સરકારના જણાવ્યા મુજબ, રાજ્યમાં દારૂ ગાળવા, વેચવા, હેરફેર કરવા કે પીવા સંબંધિત ગુનાઓમાં પોલીસ દ્વારા સ્વતઃ સંજ્ઞાન (Sua Sponte) લઈને કડક કાર્યવાહી કરાય છે. NCRBના ડેટામાં જ્યારે કુલ ગુનાઓની ગણતરી થાય છે, ત્યારે આ પ્રોહિબિશન હેઠળ નોંધાયેલા 'સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ' (SLL) ના કેસો પણ તેમાં ઉમેરાય છે, જેને કારણે કુલ ગુનાખોરીનો આંકડો ઊંચો દેખાય છે. મહિલા અને બાળકો વિરૂદ્ધના ગુનામાં ગુજરાત ઘણું આગળ
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, પરંપરાગત ગુનાઓમાં ગુજરાતની સ્થિતિ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી વધુ સારી છે: મહિલાઓ વિરૂદ્ધના ગુના: રાષ્ટ્રીય સ્તરે ક્રાઈમ રેટ 64.6 છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર 22.0 છે. આ કેટેગરીમાં ગુજરાત દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 33મા સ્થાને (નીચેથી ચોથા ક્રમે) છે. બાળકો વિરૂદ્ધના ગુના: રાષ્ટ્રીય સરેરાશ 42.3 ની સામે ગુજરાતનો ક્રાઈમ રેટ 25.8 છે અને ગુજરાત દેશમાં 29મા ક્રમે છે. ગંભીર અને હિંસાત્મક ગુનાઓ પર મોટો અંકુશ ખૂન, લૂંટફાટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓની ટકાવારીમાં પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશથી ઘણું પાછળ છે, જે રાજ્યની મજબૂત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દર્શાવે છે: હિંસાત્મક ગુના (ખૂન, બળાત્કાર, અપહરણ, ધાડ): દેશની સરેરાશ 52.9 ની સામે ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર 16.5 નોંધાયો છે, જેમાં ગુજરાત 31મા સ્થાને છે. શરીર વિરૂદ્ધના ગુના: રાષ્ટ્રીય ક્રાઈમ રેટ 62.1 ની સરખામણીએ ગુજરાતમાં આ દર 24.7 છે અને રાજ્ય 31મા ક્રમે છે. મિલકત વિરૂદ્ધના ગુના (ચોરી, ઘરફોડ): દેશનો સરેરાશ રેટ 57.9 છે, જ્યારે ગુજરાતનો રેટ 30.4 નોંધાયો છે, જેમાં ગુજરાત 23મા સ્થાને છે. મુખ્ય ગુનાવાર ક્રાઈમ રેટની સરખામણી (વર્ષ 2024) ટેક્નોલોજી અને સક્રિય પોલીસિંગનું પરિણામ
સરકારના મતે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવતી કડક અને આયોજનબદ્ધ કામગીરી, આધુનિક ટેક્નોલોજી આધારિત મોનીટરીંગ અને પ્રોહિબિશન એક્ટના ચુસ્ત અમલના કારણે રાજ્યમાં ગંભીર પ્રકારના ગુનાઓ પર સંપૂર્ણ નિયંત્રણ જળવાઈ રહ્યું છે. પ્રોહિબિશનના કેસોની મોટી સંખ્યા એ પોલીસની સક્રિયતા દર્શાવે છે, નહીં કે રાજ્યની નબળી કાયદો અને વ્યવસ્થા. વાસ્તવિક ચિત્ર એ છે કે, પરંપરાગત ગુનાઓની દ્રષ્ટિએ ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં સ્થાન ધરાવે છે.
Read Original Article →