ભાજપના 24માંથી 18 મંત્રીઓએ પીએમ મોદીની અપીલનો ઉલાળિયો કર્યો:રીવાબા, મોઢવાડિયા અને ઋષિકેશ પટેલ એકલા જ કારમાં આવ્યા, નેતાઓને સરકારી કારનો મોહ છૂટતો નથી
મીડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિના કારણે ક્રુડની સપ્લાય ચેનને ભારે અસર પડી છે. ક્રુડના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને કરકસરપૂર્વક પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરવા અપીલ કરી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કારપુલિંગનો ઉપયોગ કરવા અપીલ કરી છે. પીએમની અપીલની ગુજરાતના મત્રીઓ પર કેવી અસર થઈ છે તેનું ભાસ્કરે રિયાલિટી ચેક કરતા કારપુલિંગની અપીલનો ઉલાળિયો થતો જોવા મળ્યો હતો. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડીયા, કુવંરજી બાવળિયા, ઋષિકેશ પટેલ સહિતના 18 નેતાઓ કારમાં એકલા જ આવ્યા હતા. વડોદરાની મુલાકાત સમયે પીએમ મોદીએ પેટ્રોલ-ડીઝલ બચાવવા અપીલ કરી હતી
વડોદરામાં સરદાર ધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા પીએમ મોદીએ કહ્યું હતં કે,પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતો તણાવની અસર દુનિયા પર પડી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટુ સંકટ હતું. તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું. આ તમામ વિપરિત પરિસ્થિતિની સામાન્ય લોકો પર ઓછામાં ઓછી અસર થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. અત્યારે દેશને જનભાગીદારીની શક્તિની જરુર છે. આપણે ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ દેશ યુદ્ધની કે અન્ય સંકટમાંથી પસાર થયો છે ત્યારે સરકારની અપીલ પર દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવી છે. આજે પણ જરુર છે કે આપણે સૌ સાથે મળીને આપણી જવાબદારી નિભાવીએ.દેશના સંશાધનો પર પડી રહેલા બોજને ઓછો કરીએ. પીએમની આ અપીલ બાદ થોડા દિવસ જાણા ફોટો સેશન ચાલ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
CM સહિત 6 મંત્રીઓ અને નેતાઓએ PMની અપીલ બાદ કાફલો ઘટાડ્યો
PM મોદીની અપીલની ગુજરાતના મંત્રીઓ અને નેતાઓ પર કેવી અસર થઈ છે તેનું દિવ્ય ભાસ્કરે રિયાલિટી ચેક કરતા પીએમની અપીલનો ઉલાળિયો થતો જોવા મળ્યો. ગાધીનગરમાં મળેલી કેબીનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ઘટાડી દેવાયેલા કાફલા સાથે આવ્યા હતા. જ્યારે હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા પુલિંગ કારમાં આવ્યા હતા. ઉપરાંત પ્રવીણ માળી, પ્રદ્યુમન વાજા અને સંજયસિંહ મહિડા ઇલેક્ટ્રિક કારમાં પહોંચ્યા હતા. આ પગલાંને PMની અપીલનું વાસ્તવિક અનુસરણ માનવામાં આવી રહ્યું છે. માત્ર 3 કિમીના અંતર માટે અલગ-અલગ કારમાં મંત્રી પહોંચ્યા
ગાંધીનગરમાં મંત્રી નિવાસથી સ્વર્ણિમ સંકુલ વચ્ચે અંદાજે માત્ર 3 કિલોમીટરનું અંતર હોવા છતાં મોટા ભાગના મંત્રીઓએ કાર પુલિંગનો વિકલ્પ અપનાવ્યો નહોતો. ખાસ કરીને સોમવારથી બુધવાર દરમિયાન મોટાભાગના મંત્રીઓ ગાંધીનગર સ્થિત મંત્રી નિવાસમાં જ રોકાતા હોય છે અને તમામ મંત્રીઓના બંગલા નજીક-નજીક આવેલા હોવા છતાં તેઓ અલગ-અલગ સરકારી અથવા ખાનગી ગાડીઓમાં એકલાં જ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. વડાપ્રધાન દ્વારા ઇંધણ બચત અને કાર પુલિંગ માટે કરવામાં આવેલી અપીલ બાદ પણ રાજ્ય સરકારના મંત્રીઓમાં તેનો અસરકારક અમલ જોવા મળ્યો નહીં. જેના કારણે ઇંધણ બચતના સંદેશ સામે જ સરકારના વલણ અંગે સવાલો ઊભા થયા છે. રાજ્યપાલે ટ્રેન અને એસટી બસમાં મુસાફરી કરી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગનું વધુ એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.તેઓ હાલોલની મુલાકાતે જવાના હતા ત્યારે તેઓ ગાંધીનગરથી ટ્રેન મારફતે વડોદરા અને વડોદરાથી એસટી બસ મારફતે હાલોલ જવા રવાના થયા હતા. છેલ્લા 5 વર્ષમાં ગુજરાત સરકારના 12 વિભાગોએ સરકારી વાહનોમાં ઈંધણ પાછળ 847 કરોડ ખર્ચ્યા
છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતના સરકારના 12 વિભાગોએ સરકારી વાહનોમાં પેટ્રોલ-ડીઝલ પાછળ 847 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, એટલે કે મહિને સરેરાશ 14.12 કરોડ અને રોજનું 47 લાખ રૂપિયાના પેટ્રોલ-ડીઝલનો વપરાશ. મંત્રીથી લઇ અધિકારીઓને 15 પ્રકારની કાર અપાય છે
મંત્રીઓ, મુખ્ય સચિવ, બંધારણીય સંસ્થા-બોર્ડ-કોર્પોરેશન-કમિશનના ચેરમેન-સભ્ય, અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, બોર્ડ કોર્પોરેશનના એમડી, સીઇઓ અને સચિવ કક્ષાના વડાને 7 સીટર ટોયોટા ઇનોવા, હ્યુડાઇની એલાન્ટ્રા ગાડી અપાય છે. કલેક્ટર, એસપી, ડીડીઓ, જિલ્લા જજને પણ ઇનોવા, ટાટા સફારી ફાળવાય છે. આ ઉપરાંત અન્ય અધિકારીઓને પણ સિઆઝ, ક્રેટા, મહિન્દ્રા એક્સયુવી, બોલેરો, મારુતિ એક્સએલ-6, અર્ટિગા, ડિઝાયર, ટાટા ટિગોર ફાળવવામાં આવે છે.
Read Original Article →