સાહેબ મીટિંગમાં છે:પૂર્વ મંત્રીઓના વિશ્વાસુઓને વર્તમાન મંત્રીઓ ટાર્ગેટ કરતા હોવાની ચર્ચા, પ્રમોશનની રાહ જોતા PI માટે ગુડ ન્યૂઝ; 'RFO બદલીકાંડ'માં કડાકાભડાકાના એંધાણ

Gujarat5/25/2026, 12:30:00 AM
સાહેબ મીટિંગમાં છે:પૂર્વ મંત્રીઓના વિશ્વાસુઓને વર્તમાન મંત્રીઓ ટાર્ગેટ કરતા હોવાની ચર્ચા, પ્રમોશનની રાહ જોતા PI માટે ગુડ ન્યૂઝ; 'RFO બદલીકાંડ'માં કડાકાભડાકાના એંધાણ
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... વિદેશ પ્રવાસ પર બ્રેકથી IAS લોબીમાં નિરાશા, હવે “જરૂર હોય તો જ ટૂર”નો માહોલ ગુજરાત સરકાર દ્વારા ઇંધણ બચત અને વધતા આર્થિક દબાણોને ધ્યાનમાં રાખીને ખર્ચ નિયંત્રણના પગલાં વધુ કડક બનાવાતા હવે વરિષ્ઠ અધિકારીઓના વિદેશ પ્રવાસો પર પણ બ્રેક લાગી ગઈ છે. ખાસ કરીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલા યોજાતા વિદેશી રોડ-શો અને રોકાણકાર મીટિંગ્સ માટે આ વર્ષની મધ્યથી શરૂ થનારા પ્રવાસો હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા હોવાનું સચિવાલય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસો જ નહીં, હવે આંતરજિલ્લા પ્રવાસો પર પણ નિયંત્રણો વધારવામાં આવ્યા છે. અનેક વિભાગોમાં “અત્યંત જરૂરી હોય તો જ પ્રવાસ”નો સંદેશો અનૌપચારિક રીતે પહોંચાડાયો હોવાનું કહેવાય છે. પરિણામે, સતત ડેલિગેશન અને મીટિંગ્સ માટે જાણીતા કેટલાક અધિકારીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે મજાકમાં એવી ટિપ્પણીઓ પણ થઈ રહી છે કે “હવે વાઈબ્રન્ટની તૈયારી ફાઇલ અને પ્રેઝન્ટેશનથી જ કરવી પડશે!” કેટલાક અધિકારીઓ મધ્ય પૂર્વમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બને તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે જેથી ફરી વિદેશ પ્રવાસોની ગતિ શરૂ થઈ શકે. અમુક કેબિનેટ મંત્રી પૂર્વ મંત્રીઓના સગા વહાલાઓ-વિશ્વાસુ અધિકારીઓને ટાર્ગેટ કરતા હોવાની ચર્ચા ભુપેન્દ્ર પટેલની સરકારમાં પ્રથમ વખત મંત્રી બનેલા અમુક કેબિનટ મંત્રીઓ પૂર્વ મંત્રીઓના સગા વહાલા કે તેમના વિશ્વાસુ ગણાતા હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓને હેરાન પરેશાન કરી રહ્યા હોવાની ચર્ચા છે.. આ સંદર્ભમાં એક પૂર્વ મંત્રીએ સચિવાલયમાં કોઈ બળાપો કાઢ્યો હતો. જેમાં તેઓએ એવુ કહ્યુ કે, મારી પુત્રવધુ સરકારી વિભાગમાં જ ફરજ બજાવતી હતી. પરંતુ નવા મંત્રીએ હવે તેમની જાણી જોઈને બદલી કરી નાખી છે. એ સિવાય પણ મારા કેટલાક વિશ્વાસુ માણસોને સાઈડલાઈન કરી દીધા છે. મારા ઉપરાંત અન્ય એક પૂર્વ મંત્રી સાથે પણ આ પ્રકારનો જ વ્યવહાર થઈ રહ્યો છે. આ મંત્રી ભાજપના નેતાઓ કરતા કોંગ્રેસના નેતાઓને વધુ મહ્તવ આપી રહ્યા છે. તેઓ એવી સ્થિતિનુ નિર્માણ કરી રહ્યા છે કે, જેથી અમારા માણસો કોઈ સચિવાલયમાં રહે જ નહી. આ સ્થિતિ ગંભીર છે. દિલ્હી સુધી આ વાત પહોંચાડાશે એવુ પણ પૂર્વ મંત્રીઓ કહી રહ્યા છે. ડીવાયએસપીના પ્રમોશની રાહ જોતા PI માટે ગુડ ન્યૂઝ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત પોલીસમાં ઉચ્ચ અધિકારીઓનો બદલીઓનો દોર ટૂંક સમયમાં જ શરૂ થશે. છેલ્લા કેટલાય સમયથી DySP ના પ્રમોશન અને બદલીઓ અટકી રહી છે. ચૂંટણી પૂરી થતાની સાથે પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવશે. જેમાં ડીવાયએસપીની બદલીઓ અને પ્રમોશન કરવામાં આવનાર છે. કેટલાક જિલ્લામાં મૂકવામાં આવેલા પ્રોબેશનરી IPS અધિકારીઓને પણ નિમણૂક આપવામાં આવે એવી ચર્ચા જાગી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગર સહિતના પીઆઇના DYSP તરીકેના પ્રમોશન થવાના છે ત્યારે ટૂંક જ સમયમાં તમામને સારા સમાચાર મળશે. CBIની ટોચની ખુરશી માટે મનોજ શશીધરની આશા હજુ યથાવત્ ગુજરાત કેડરના 1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરનું નામ ફરી એકવાર બ્યુરોક્રેટિક અને પોલીસ વર્તુળોમાં ચર્ચામાં આવ્યું છે. હાલમાં તેઓ CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને થોડા સમય પહેલા સુધી તેઓ આગામી CBI ડાયરેક્ટર માટે મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. જોકે કેન્દ્ર સરકારે હાલના CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવતા હવે મે-2027 સુધી આ પદ પર કોઈ ફેરફાર થવાની શક્યતા ઘટી ગઈ છે. તેમ છતાં દિલ્હી સુધી એવી ચર્ચા ચાલી રહી છે કે, મનોજ શશીધર માટે રેસ હજુ પૂર્ણ થઈ નથી. પોલીસ વર્તુળોમાં એવી ચર્ચા છે કે CBIના ટોચના પદ સુધી પહોંચવા માટે માત્ર સિનિયોરિટી પૂરતી નથી, પરંતુ કેન્દ્ર સરકારનો વિશ્વાસ અને મજબૂત સપોર્ટ પણ એટલો જ મહત્વનો બને છે. શશીધર 2030માં નિવૃત્ત થવાના હોવાથી ભવિષ્યમાં ફરી તક ઊભી થઈ શકે તેવી અટકળો હજુ જીવંત છે. RFO બદલી કાંડમાં કરોડોના સેટિંગની ચર્ચા! રાજ્યના વન વિભાગમાં આર.એફ.ઓ. બદલી પ્રક્રિયાને લઈને હવે મોટો વિવાદ ઊભો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મનગમતી પોસ્ટિંગ મેળવવા માટે લાખો રૂપિયાના વહીવટ થયા હોવાની શંકા વચ્ચે સરકાર દ્વારા ગુપ્ત રીતે ‘ઓપરેશન ગંગાજળ’ શરૂ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન વિવિધ આંગડિયા પેઢીઓમાંથી શંકાસ્પદ લેવડદેવડની લિંક મળતા મામલો વધુ ગંભીર બન્યો છે. કેટલાક અધિકારીઓ, વચેટિયાઓ અને વિભાગ સાથે જોડાયેલા લોકોની ભૂમિકા પણ તપાસના ઘેરામાં આવી હોવાનું કહેવાય છે. સમગ્ર મામલો ગાંધીનગરથી લઈને વન વિભાગની કચેરીઓ સુધી ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને આગામી દિવસોમાં મોટા પગલાં લેવાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. IAS નીતિન સાંગવાન અને વિવાદ એક સિક્કાની બે બાજુ જેવા, ફરીથી નવો વિવાદ ઉભો કર્યો IAS નીતિન સાંગવાન અને વિવાદ એક સિક્કાની બે બાજુ જેવા છે.2022માં તેઓ અમદાવાદ કોર્પોરેશનમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે સરકારે સિંગલ ઓર્ડર કરીને તેમની બદલી મત્સ્ય ઉધોગ નિયામક તરીકે કરી હતી. 2023માં ધરોઈ ડેમના જળાશયમાં અપાતી સબસિડી હેઠળ ચાલતા ફિશરીઝ પ્રોજેક્ટનુ ઇન્સ્પેક્શન કરવા ગયા ત્યારે કોન્ટ્રાક્ટર બાબુ પરમાર સાથે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી.કોન્ટ્રાક્ટરે સાંગવાનને ઘૂંટણ પાસે બચકું ભર્યુ હતુ. તેઓએ 2020માં સોશિયલ મીડિયા પર પોતાની ધોરણ 12ની માર્કશીટ શેર કરી હતી, જેમાં કેમિસ્ટ્રીમાં માત્ર 24 માર્કસ મળ્યા હતા. યુવાનોને પ્રેરણા આપવા લખ્યું હતું કે, માર્ક્સ બધું જ નથી હોતા, નાસીપાસ થયા વગર મહેનત કરો તો પણ IAS બની શકાય.હવે ફરીથી તેઓએ પોતાની બદલી થયા બાદ ચાર્જ છોડતા પહેલા રોજગાર તાલીમ મંડળના પ્રમુખ અને ગુજરાત કર્મચારી મહામંડળના ઉપ પ્રમુખની બદલી કરી નાખતા સમગ્ર મામલો CM સુધી પહોંચ્યો છે. કર્મચારીઓ સાંગવાનના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર માટે સાંગવાન જાણે અમુક ટાઈમે મુશ્કેલીઓ ઉભી કરતા હોય તેવુ લાગી રહ્યુ છે. ભાજપના મહિલા નેતાના પતિ ચર્ચાનું કેન્દ્ર બન્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થયા બાદ દરેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરવાની પ્રક્રિયાના દિવસે જિલ્લા ભાજપના અનેક નેતાઓ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતા ત્યારે કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ભાજપના એક મહિલા નેતાના પતિ પણ હાજર રહ્યા હતા. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પોતાના ઘર ભેગા કરનાર મહિલા નેતાના પતિ ભાજપના હોદ્દેદારોને મળવા માટે આવ્યા હતા જેને લઈ ચર્ચા જાગી છે કે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા બાદ હજી પણ ભાજપના નેતાઓ આવા કૌભાંડીઓ હજી પણ પાર્ટીમાં રાખવામાં આવ્યા છે અને નેતાઓની આગળ પાછળ ફરી રહ્યા છે. પેટ્રોલની બચતની પીએમની શિખામણને નેતાઓને વધાવી, પણ તે વાતોના વડા અને આરંભે શૂરા સાબિત થઈ પેટ્રોલની બચત કરવા માટે વડાપ્રધાન મોદીએ શિખામણ આપી હતી. જેને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના નેતાઓએ તુરંત જ વધાવી લીધી હતી તેમજ તેનો અમલ પણ શરુ કરી દીધો હતો. પોતાની ગાડીઓનો કાફલો ઘટાડ્યો હતો. જેના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર મુક્યા હતા.એટલુ જ નહી, કેબિનેટની મીટીંગમાં પણ ગંભીર ચર્ચા થઈ હતી. જેમાં ખાસ કરીને સરકારી અધિકારીઓ અને મંત્રીઓના પ્રવાસ પર નિયંત્રણ મુકવાની તેમજ વર્ક ફ્રોમ હોમની વિચારણા કરાઈ હતી. કરકસર માટે 16 મુદ્દાની માર્ગદર્શિકા પણ તૈયાર કરી હતી. એકથી વધુ હવાલો ધરાવતા અધિકારીઓ પાસેથી વધારાના વાહનો જમા લેવાનુ નક્કી કરાયુ હતુ. ઉપરાંત મંત્રીઓના કારના કાફલાને પણ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો. શરુઆતના થોડા દિવસો સુધી તેનો અમલ પણ થયો ત્યાર બાદ આરંભે શૂરા અને વાતોના વડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અત્યારે પણ કારના કાફલા સાથે જ મંત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે.સરકારી બાબુઓ અને મંત્રીઓનો દંભ ખુલ્લો પડી ગયો છે. જનતાએ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોનો ચૂંટ્યા, કામ પતિદેવ સંભાળતા હોવાની ચર્ચા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમદાવાદના કોટ વિસ્તારમાં ભાજપનો સફાયો થયો અને કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરોને પ્રતિનિધિ તરીકે ચુંટ્યા છે પરંતુ સોશિયલ મીડિયામાં મહિલા કોર્પોરેટરોના પતિને લઈને ચર્ચા જાગી છે કે તેમના પતિના મોબાઈલ નંબરો પ્રજાને આપવામાં આવ્યા છે. પ્રજાને કોઈપણ તકલીફ હોય તો ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર નહીં પરંતુ તેમના પતિને ફોન કરવો પડે છે. કોટ વિસ્તારમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો ચુંટાતાની સાથે તેમના પતિ સક્રિય થઈ ગયા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમના પત્નીની જગ્યાએ પોતે અધિકારીઓ સાથે કામ બાબતે ચર્ચા અને વહીવટો કરતા થયા હોવા અંગેની ચર્ચા છે. અધિકારીઓ સાથે મહિલા કોર્પોરેટર પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ તેમના પતિ પ્રતિનિધિ તરીકે સુચનાઓ આપે છે અને અધિકારીઓ પણ તેમની જ વાત સાંભળી રહ્યા છે. આગામી દિવસોમાં મહિલા કોર્પોરેટરો અને તેમના પતિની ફરિયાદો કોંગ્રેસના પ્રદેશના નેતાઓ સુધી જાય તો નવાઈ નહીં. પેન્ટ-શર્ટમાં સજ્જ મંત્રીજી કબડ્ડીના મેદાનમાં ઉતરી ગયા તાજેતરમાં જ એક મંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને આ મંત્રી રમતગમતમાં ખૂબ સારો રસ ધરાવે છે. ત્યારે એક કબડ્ડીની સ્પર્ધામાં મંત્રીજી પહોંચ્યા હતા. કબડ્ડીની મેચ ચાલી રહી હતી જે જોઈને મંત્રીજી પોતે ખૂબ ઉત્સાહમાં આવી ગયા હતા અને રમવા માટે ઉતરી પડ્યા હતા. પેન્ટ-શર્ટમાં તૈયાર થઈને આવેલા મંત્રીજી ખૂબ જ ઉત્સાહિત બની ગયા હતા. સૂટ- બુટમાં તૈયાર થયેલા મંત્રી કબડી કબડી કરતા કરતા મેચ રમવા લાગ્યા હતા. મંત્રીજી 15 સેકન્ડમાં જ એક ખેલાડીને કબડીમાં આઉટ કરી દીધા હતા. ફિટ રહેતા અને રહેવાનો સંદેશો આપનારા મંત્રીજી કબડ્ડી રમતા જોઈને ખેલાડીઓ પણ ઉત્સાહમાં આવી ગયા હતા. 30થી વધુ અધિકારીઓના પ્રમોશન 20 વર્ષથી અટકેલા હતા, મહિલા IASએ આખરે ન્યાય અપાવ્યો જીએસપીસી- ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશનમાં છેલ્લા 20 વર્ષથી કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશનો મળતા નહોતા. જીએસપીસીમાં એમડી મિલિંદ તોરવણની બદલી થઈ તે પહેલા કંપનીના કેટલાક ટોચના હોદેદારોએ ચાંપલુસી કરીને પોતાના પ્રમોશનો કરાવી લીધા હતા. જ્યારે અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ફરીથી લટકી પડ્યા હતા. તેમની જગ્યાએ અવંતિકા સિંઘ આવ્યા છે. અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની સમક્ષ રજૂઆત કરી કે અમને બે દાયકાથી અન્યાય થઈ રહ્યો છે. સિંઘે તેમની વાત શાંતિથી સાંભળી હતી ત્યારબાદ ક્રોસ વેરીફિકેશન કરતા તેઓ સાચા હોવાનુ લાગ્યુ હતુ. આથી તેઓએ બાકી રહેલા આવા અધિકારીઓ અને કર્મચારીઓના પણ પ્રમોશનો કરવાનો આદેશ આપતા જીએસપીસીમાં દિવાળી જેવો માહોલ ઉભો થયો હતો તેમજ મહિલા અધિકારીની હિંમતભર્યા નિર્ણય માટે સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે.
Read Original Article →