મતદાન મથકો આસપાસ 100 મીટર સુધી આ બાબતો પર પ્રતિબંધ:ડિજિટલ ડિવાઇસથી લઈને વાહનો સુધીના નિયમો, ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર કડક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) 2023ની કલમ-163 હેઠળ ખાસ પ્રતિબંધાત્મક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. 100 મીટરની પરિસરમાં ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ
આ નિયમો મુજબ, દરેક મતદાન મથકથી 100 મીટરની પરિસરમાં કોઈપણ પ્રકારના ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મતદારો પર કોઈપણ પ્રકારનો પ્રભાવ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ મતદાન મથકની અંદર મોબાઇલ ફોન સહિત કોઈપણ ડિજિટલ ડિવાઇસ લાવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. મતદાન મથક વિસ્તારની અંદર વાહનો લાવવાની મનાઈ
ચૂંટણીલક્ષી ચિહ્નો અથવા પોસ્ટર, બેનર જેવી નોટિસો પણ મતદાન મથક નજીક પ્રદર્શિત કરી શકાશે નહીં. આ ઉપરાંત મતદાન મથક વિસ્તારની અંદર વાહનો લાવવાની પણ મનાઈ રાખવામાં આવી છે, જેથી ભીડભાડ અને અવ્યવસ્થા ટાળી શકાય. જો કે, અપંગ અને અશક્ત મતદારોને સુવિધા માટે વિશેષ છૂટછાટ આપવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થશે
ચૂંટણી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય.
Read Original Article →