‘વર્ક ફ્રોમ હોમ’ મોડલ પર વિચારણા:બાવળિયાએ કહ્યું- ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે પણ બેઠક યોજીશું; પેટ્રોલ-ડીઝલ બચાવવા સરકાર સક્રિય

Gujarat5/13/2026, 10:02:11 AM
‘વર્ક ફ્રોમ હોમ’ મોડલ પર વિચારણા:બાવળિયાએ કહ્યું- ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે પણ બેઠક યોજીશું; પેટ્રોલ-ડીઝલ બચાવવા સરકાર સક્રિય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરતી પરથી પેટ્રોલ-ડીઝલ બચાવવા અને કાર પૂલિંગ કરવા અને મેટ્રો વાપરવા અપીલ કરતાં જ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર વર્ક ફ્રોમ હોમ મોડલ પર વિચારણા કરી રહ્યું છે. આ સૂચક નિવેદન આપતા શ્રમ અને રોજગાર મંત્રી કુવરજી બાવળિયાએ કહ્યું કે આ અંગે ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે પણ બેઠક યોજીશું. મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના આઉટડોર સરકારી કાર્યક્રમો હવે વધુ પ્રમાણમાં વર્ચ્યુઅલ રીતે યોજાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને હેલિકોપ્ટરના ઉપયોગમાં ઘટાડો કરીને પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ફ્યુઅલની બચત કરવાનો સરકારનો પ્રયાસ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સરકારી કાર્યક્રમોને ડિજિટલ માધ્યમથી આયોજિત કરવા અંગે ઉચ્ચ સ્તરે ચર્ચા ચાલી રહી છે, જેથી સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થઈ શકે. ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવા પ્રયાસ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશ વચ્ચે હવે સરકાર વિવિધ સ્તરે બચત માટે નવા વિકલ્પો પર વિચારણા કરી રહી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોર્પોરેટ સેક્ટરમાં શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલે કાફલામાં કર્યો ધરખમ ઘટાડો ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે બેઠક યોજીને ચર્ચા કરાશે મંત્રીએ જણાવ્યું કે, અનેક ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે બેઠક યોજીને આ અંગે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને મોટા શહેરોમાં રોજિંદા ઓફિસ જવા-આવવાના કારણે પેટ્રોલ અને ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે, જેને ઘટાડવા માટે ઓનલાઈન કાર્ય પદ્ધતિ અસરકારક બની શકે છે. સરકારી-ખાનગી ક્ષેત્રે શક્ય હોય ત્યાં ડિજિટલ માધ્યમથી કામકાજ વધારવા ભાર મુકાશે તેમણે વધુમાં કહ્યું કે, સરકાર દ્વારા ઈંધણ બચત માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે અને વિવિધ વિભાગોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. સરકારી અને ખાનગી ક્ષેત્રે શક્ય હોય ત્યાં ડિજિટલ માધ્યમથી કામકાજ વધારવા પર ભાર મુકવામાં આવશે. તમામ નિર્ણયોમાં પ્રોટોકોલ અને વહીવટી નિયમોનું સંપૂર્ણ પાલન કરાશે શ્રમ અને રોજગાર મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, તમામ નિર્ણયોમાં પ્રોટોકોલ અને વહીવટી નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. સાથે જ ઉદ્યોગો અને કર્મચારીઓ બંનેને અનુકૂળ રહે તે રીતે આયોજન કરવામાં આવશે. સરકારના આ સંકેતોને કારણે આગામી સમયમાં કોર્પોરેટ ક્ષેત્રમાં ફરી એકવાર ‘વર્ક ફ્રોમ હોમ’ મોડલને પ્રોત્સાહન મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હાલ વર્ક ફ્રોમ હોમની કોઈ વ્યવસ્તા નથી: કુલપતિ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમની કોઈ વ્યવસ્તા નથી. પરંતુ કાર પુલિંગનો નિર્ણય છે જે અંગે સત્તાવાર પરિપત્ર પણ કર્યો છે. યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, જે પણ કર્મચારી અધિકારી કાર લઈને આવતા હોય તે તેમની સાથે નજીકમાં કે આસપાસ રહેતા કર્મચારી અને અધિકારીને સાથે લઈને આવે જેનાથી વાહનનો વપરાશ ઘટે તો ઇંધણની પણ બચત થઈ શકશે. દાયકાનું સૌથી મોટુ સંકટ, પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડો: PM PM મોદીએ 11 મેના રોજ વડોદરામાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની વાત કરી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ન કરવા અપીલ કરી હતી. સરદાર ધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતં કે,પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતો તણાવની અસર દુનિયા પર પડી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટુ સંકટ હતું. તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું. ‘શક્ય હોય ત્યાં મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો’ ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે વિસ્તારમાંથી દુનિયાને ક્રુડ મળે છે તે જ ક્ષેત્રમાં આજે યુદ્ધની સ્થિતિ છે. એટલે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે તમામે મળીને નાના નાના સંકલ્પો કરવા પડશે. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે, જ્યાં સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરે. મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. જેની પાસે કાર છે તેઓ અન્ય લોકોને સાથે લઈ ચાલે. જરુરી છે કે, સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટીંગ અને વર્કફ્રોમ હોમને પ્રાથમિકતા આપવામાં આવે. હું શાળાને પણ આગ્રહ કરું છું કે, થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસ માટે વ્યવસ્થા કરે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
Read Original Article →