ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર:બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદીના જથ્થાની મર્યાદામાં વધારો કર્યો, જાણો હવે કેટલો જથ્થો ખરીદાશે?

Gujarat6/10/2026, 10:49:59 AM
ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર:બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદીના જથ્થાની મર્યાદામાં વધારો કર્યો, જાણો હવે કેટલો જથ્થો ખરીદાશે?
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદીના જથ્થામાં વધારો કરાયો નવી જાહેરાત મુજબ હવે પ્રતિ ખેડૂત બાજરીની ખરીદી મર્યાદા 2,000 કિલોથી વધારી 3,500 કિલો (175 મણ) કરવામાં આવી છે. તે જ રીતે મકાઈની ખરીદી મર્યાદા 1,500 કિલોથી વધારી 2,500 કિલો (125 મણ) અને જુવારની ખરીદી મર્યાદા 1,000 કિલોથી વધારી 1,700 કિલો (85 મણ) કરવામાં આવી છે. એટલે કે બાજરીમાં 1,500 કિલો, મકાઈમાં 1,000 કિલો અને જુવારમાં 700 કિલોનો વધારો કરવામાં આવ્યો છે. નવી મર્યાદા મુજબ હવે ખરીદી કરાશે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોની માંગ અને લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હવે નવી મર્યાદા મુજબ ખરીદી પ્રક્રિયા હાથ ધરશે. સરકારના આ નિર્ણયથી હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા વધારાયેલા ટેકાના ભાવના લાભને વધુ અસરકારક બનાવવા અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે ખરીદી મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂત કલ્યાણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું આ વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
Read Original Article →