ગુજરાત વન વિભાગમાં ધરખમ ઉથલપાથલ:એ.પી. સિંઘને ‘હેડ ઓફ ફોરેસ્ટ’ના પદ પરથી હટાવી જયપાલસિંઘને વધારાનો ચાર્જ સોંપાયો
ગુજરાતના વન વિભાગમાં રાજ્ય સરકારે મોટા પાયે વહીવટી ફેરફારો કરતા તંત્રમાં હલચલ મચી ગઈ છે. લાંબા સમયથી ટોચના પદ પર કાર્યરત અધિકારીઓની અચાનક બદલીના આદેશો બહાર પડતા સચિવાલયના ગલિયારાઓમાં ચર્ચાઓ તેજ બની છે. એ.પી. સિંઘની ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં નિમણૂક
વન વિભાગના મુખ્ય વન સંરક્ષક તેમજ ‘હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ’ તરીકે ફરજ બજાવતા એ.પી. સિંઘને તેમના પદ પરથી હટાવીને ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણયને વન વિભાગના માળખામાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે. નાયબ સચિવ આસવ ગઢવીની ભાવનગર બદલી
એ.પી. સિંઘની બદલી બાદ હવે વન વિભાગના વડા તરીકેનો વધારાનો ચાર્જ જયપાલસિંઘને સોંપવામાં આવ્યો છે, જે વિભાગના કામકાજ માટે મહત્વપૂર્ણ જવાબદારી માનવામાં આવે છે. માત્ર ટોચના સ્તરે જ નહીં, પરંતુ સચિવાલયના અન્ય અધિકારીઓમાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે. વન વિભાગના નાયબ સચિવ આસવ ગઢવીની બદલી ભાવનગર ખાતે ‘ડેપ્યુટી કન્ટ્રોલર સિવિલ ડિફેન્સ’ તરીકે કરવામાં આવી છે, જેને સાઈડ પોસ્ટિંગ તરીકે જોવામાં આવી રહી છે. વન વિભાગના વડાને કોર્પોરેશનમાં મોકલવાને લઈ ચર્ચા
તે જ રીતે, ઉપ સચિવ હિમાંશુ ગોહિલને પણ વન વિભાગમાંથી મુક્ત કરી સરકારી વકીલની કચેરીમાં ઉપ સચિવ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ એકાએક થયેલા ફેરફારોને કારણે વહીવટી તંત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વન વિભાગના વડાને કોર્પોરેશનમાં મોકલવાના અને અન્ય અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ આપવાના નિર્ણય પાછળના કારણોને લઈને અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. આ ફેરફારો પાછળ શા માટેનો વ્યૂહરચનાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા ભલે ન થઈ હોય, પરંતુ તંત્રમાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
Read Original Article →