'ડીઝલ બચાવવા IPL અને ડાયરાઓ બંધ કરવા પડે તો કરો':સિઝન સમયે જ ખેડૂતોને ટ્રેકટર માટે પૂરતું ડીઝલ ન મળતી હોવાની બૂમ, કિસાન સંઘે કહ્યું લોકો-સરકાર ખેડૂતોની ચિંતા કરે

Gujarat5/22/2026, 10:37:16 AM
'ડીઝલ બચાવવા IPL અને ડાયરાઓ બંધ કરવા પડે તો કરો':સિઝન સમયે જ ખેડૂતોને ટ્રેકટર માટે પૂરતું ડીઝલ ન મળતી હોવાની બૂમ, કિસાન સંઘે કહ્યું લોકો-સરકાર ખેડૂતોની ચિંતા કરે
ચોમાસા પૂર્વે ખેતરો તૈયાર કરવામાં ખેડૂતો વ્યસ્ત બન્યા છે. જમીન તૈયાર કરવા માટે હાલ ટ્રેકટરની જરુરિયાત રહેતી હોય ડીઝલની ડીમાન્ડ વધી છે. તો બીજી તરફ ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવના કારણે ડીઝલની અછત સર્જાઈ છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખેતીના બદલે પેટ્રોલ પંપ પર બેરલ લઈને લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કિસાન સંઘે રજૂઆત કરતા કહ્યું છે કે, જરુર પડે તો IPL, લોકડાયરા અને મેળાવડાઓ બંધ કરવામાં આવે. ખેડૂતોને ટ્રેકટર માટે પૂરતું ડીઝલ ન મળતું હોવાની રજૂઆત ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના મહામંત્રી આર.કે. પટેલએ ઈરાન-અમેરિકા વચ્ચે સર્જાયેલા તણાવની અસર ભારતના સામાન્ય લોકો અને ખાસ કરીને ખેડૂતો પર પડી રહી હોવાનું કહી સરકાર અને સમાજને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે હાલ ખેતી માટેની મહત્વની સીઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને ટ્રેક્ટર માટે પૂરતું ડીઝલ પણ મળી રહ્યું નથી અને અનેક જગ્યાએ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. આર.કે. પટેલે જણાવ્યું કે “જગતનો તાત” ગણાતા ખેડૂતને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. ખેતીના કામ માટે સતત ડીઝલની જરૂર રહેતી હોય છે, પરંતુ પુરવઠાની અછત અને વધતા દબાણને કારણે ખેડૂતો પર સંકટ ઊભું થયું છે. તેમણે સરકારને વધુ કડકાઈથી પગલાં લેવા અપીલ કરી હતી. જાહેર પ્રવૃતિઓ પર નિયંત્રણ લાવવાની માગ તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અને વડાપ્રધાન પોતાનાં કાફલા ઘટાડીને સંદેશ આપી રહ્યા છે, પરંતુ હવે સમાજના દરેક વર્ગે જવાબદારી લેવાની જરૂર છે. અનાવશ્યક પ્રવાસ ટાળવા, ઓછી એવરેજ આપતી ગાડીઓનો ઉપયોગ ઓછો કરવા અને એકથી વધુ વાહનોના બદલે કાર પૂલિંગ અપનાવવા અપીલ કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘે મોટી જાહેર પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ લાવવાની માંગ કરી છે. આર.કે. પટેલે કહ્યું કે જરૂર પડે તો IPL જેવી મોટી ઇવેન્ટ્સ પણ તાત્કાલિક બંધ કરવી જોઈએ. સાથે જ લોક સાહિત્યકારોને ડાયરા અને મોટા મેળાવડા બંધ રાખવા અપીલ કરી હતી. મંત્રીઓએ પણ અલગ-અલગ ગાડીઓમાં ફરવાને બદલે એક જ વાહનમાં મુસાફરી કરવી જોઈએ તેવી માંગ ઉઠાવી હતી. તેમણે અંતમાં સમાજના સંતો-મહંતો અને આગેવાનોને પણ આગળ આવી પ્રજાને ઈંધણ બચત અને સંયમ માટે અપીલ કરવાની જરૂર હોવાનું જણાવ્યું.
Read Original Article →