રાજ્યમાં ચૂંટણીનો જબરદસ્ત માહોલ:મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં કુલ 1000થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા
રાજ્યભરમાં યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. વિવિધ સ્તરે મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે આગામી સમયમાં અનેક બેઠકો પર રસાકસીભરી જંગ જામવાની શક્યતા છે. મોરબીમાં સૌથી વધુ 31 ફોર્મ નોંધાયા
મહાનગરપાલિકાઓની વાત કરીએ તો મોરબીમાં સૌથી વધુ 31 ફોર્મ નોંધાયા છે, જ્યારે નડિયાદમાં 16, અમદાવાદમાં 15 અને જામનગરમાં 14 ફોર્મ ભરાતા સ્પર્ધા કઠિન બની છે. જોકે, પોરબંદરમાં એકપણ ફોર્મ ન ભરાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. નગરપાલિકા સ્તરે પંચમહાલના ગોધરામાં 31 અને શહેરામાં 30 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત ગાંધીનગરના કલોલમાં 22 અને નર્મદાના રાજપીપળામાં 12 ફોર્મ ભરાયા છે. સાબરકાંઠા અને અમરેલીમાં 17-17 ફોર્મ નોંધાયા
જિલ્લા પંચાયતોમાં જૂનાગઢ 25 ફોર્મ સાથે મોખરે છે, જ્યારે ગાંધીનગર, સાબરકાંઠા અને અમરેલીમાં 17-17 ફોર્મ નોંધાયા છે. બીજી તરફ, કચ્છ જિલ્લામાં ઉમેદવારી ફોર્મની સંખ્યા શૂન્ય રહેતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ખેડબ્રહ્મામાં 32 અને પોશીનામાં 28 ફોર્મ ભરાયા
તાલુકા પંચાયત સ્તરે સૌથી વધુ રસાકસી જોવા મળી રહી છે, જેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 32 અને પોશીનામાં 28 ફોર્મ ભરાયા છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 30 અને જૂનાગઢના માણાવદરમાં 29 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યભરમાં ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ છે. કેટલાક વિસ્તારોમાં ભારે ટક્કર તો કેટલાક વિસ્તારોમાં એકતરફી જીતની સંભાવનાઓ વચ્ચે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની છે. મહાનગરપાલિકામાં ફોર્મ ભરાયા નગરપાલિકામાં ફોર્મ ભરાયા જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરાયા તાલુકા પંચાયતમાં ફોર્મ ભરાયા
Read Original Article →