નાગરિકોને હવે કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે:નવી ‘CM-IGSMS’ સિસ્ટમ, એક જ ટોલ-ફ્રી નંબર પર તમામ વિભાગોની સેવા; CM યુનિફાઇડ પોર્ટલથી ફરિયાદોના ઝડપી નિકાલનો દાવો
નાગરિકોની ફરિયાદોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર ટૂંક સમયમાં ‘સી.એમ. યુનિફાઇડ પોર્ટલ’ એટલે કે CM-IGSMS (Chief Minister Integrated Grievance and Service Management System) શરૂ કરવા જઈ રહી છે. આ નવી વ્યવસ્થાથી નાગરિકોને અલગ-અલગ વિભાગોમાં ફરીને ફરિયાદ નોંધાવવાની જરૂર રહેશે નહીં અને એક જ પ્લેટફોર્મ પરથી તમામ રજૂઆતોનો નિકાલ શક્ય બનશે. એક ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકશે
નવી સિસ્ટમ હેઠળ રાજ્યવ્યાપી એક ટોલ-ફ્રી મુખ્યમંત્રી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવશે. નાગરિકો ફોન દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ નોંધાતાની સાથે જ પોર્ટલ મારફતે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારી સુધી રજૂઆત ઓનલાઇન પહોંચાડવામાં આવશે. ફરિયાદના નિકાલની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ હોવાથી અરજદાર પોતાની ફરિયાદની સ્થિતિ પણ ટ્રેક કરી શકશે. દરેક વિભાગમાં ખાસ ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂક કરાશે
સરકારે આ પોર્ટલને વધુ અસરકારક બનાવવા માટે દરેક વિભાગ અને બોર્ડ-નિગમમાં ખાસ ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષક અધિકારીઓ પણ સતત મોનિટરિંગ કરશે જેથી સમયમર્યાદામાં ફરિયાદોનો ઉકેલ આવે. તમામ વિભાગીય વડાઓને સૂચના અપાઈ
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 14 મેના રોજ સચિવાલયના તમામ વિભાગીય વડાઓને આ અંગે જરૂરી સૂચનાઓ પણ જારી કરી દેવામાં આવી છે. હાલ કાર્યરત મુખ્યમંત્રી હેલ્પલાઇન વ્યવસ્થાને વધુ આધુનિક અને વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. નાગરિકોને હવે કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે
સરકારના મતે આ નવી વ્યવસ્થાથી સામાન્ય નાગરિકોને નાની-મોટી સમસ્યાઓ માટે સરકારી કચેરીઓ સુધી લાંબા ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. ટેકનોલોજીના ઉપયોગથી વહીવટી તંત્રને વધુ જવાબદાર અને લોકકેન્દ્રિત બનાવવાનો સરકારનો પ્રયાસ છે. આગામી સમયમાં આ પોર્ટલ રાજ્યની સરકારી સેવાઓમાં મોટા પરિવર્તન લાવશે તેવી ચર્ચા છે.
Read Original Article →