વર્ક ફ્રોમ હોમ ચકાસવા CMના નિર્દેશ:ઓનલાઈન મિટિંગ કરવા સૂચના, આવતીકાલથી 300 નવી ST બસો દોડશે; કેબિનેટમાં નિર્ણય

Gujarat5/15/2026, 7:13:41 AM
વર્ક ફ્રોમ હોમ ચકાસવા CMના નિર્દેશ:ઓનલાઈન મિટિંગ કરવા સૂચના, આવતીકાલથી 300 નવી ST બસો દોડશે; કેબિનેટમાં નિર્ણય
ગાંધીનગરમાં આજે 15મેના મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં ખર્ચ ઘટાડવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના વપરાશ અને સરકારી ખર્ચ ઘટાડવા માટે તાકીદ કરવામાં આવી હતી. જ્યારે દરેક વિભાગને ઓનલાઈન મિંટિગ કરવા સૂચના આપી અને વર્ક ફ્રોમ હોમ ચકાસવા CMએ નિર્દેશ આપ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલથી રાજ્યમાં જાહેર પરિવહન વધુ મજબૂત બનાવવા માટે 300 નવી ST બસો સીધી સેવામાં મૂકવામાં આવશે. કોઈપણ સમારોહ વિના બસોને સીધા સેન્ટર પરથી દોડતી કરવામાં આવશે જેથી સામાન્ય નાગરિકોને વધુ સગવડ મળી શકે. વર્ચ્યુઅલ માધ્યમથી મિટિંગ અને ‘વર્ક ફ્રોમ હોમ’ની શક્યતા મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને પોતાના વિભાગમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની શક્યતાઓ ચકાસવા માટે પણ આદેશ આપ્યા છે. જ્યાં શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ માધ્યમથી મિટિંગ અને કામગીરી વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાતી બેઠકોમાં હવે સરકારી કર્મચારીઓને બિનજરૂરી બોલાવવામાં નહીં આવે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મંત્રીઓને લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમોમાં જવાની મંજૂરી આપી છે, પરંતુ આવા કાર્યક્રમોમાં લાંબા સુરક્ષા કાફલા નહીં લઈ જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ કારપૂલિંગની સૂચના હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડીઝલ અને પેટ્રોલ બચાવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ કારપૂલિંગ અંગે સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને રાજ્યની જનતાએ પ્રેમપૂર્વક સ્વીકારી છે અને હવે એકથી વધુ કારના બદલે એક જ કારનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મંત્રીઓ માટેની પાયલોટિંગ કારની સંખ્યામાં ઘટાડો કેબિનેટ બેઠક પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના કાફલામાં માત્ર ત્રણ ગાડીઓ સાથે બેઠકમાં પહોંચ્યા હતા. સરકાર દ્વારા મંત્રીઓ માટે પાયલોટિંગ કારની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યના અનેક મંત્રીઓ કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને સચિવાલય પહોંચ્યા હતા. આ પણ વાંચો: બાવળિયાએ કહ્યું- ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે પણ બેઠક યોજીશું મંત્રીઓ ઇવી વાહન લઈને સચિવાલય પહોંચ્યા પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક સ્કુટી પર બેઠકમાં પહોંચ્યા હતા. ડૉ. પ્રદ્યુમન વાજા અને સંજયસિંહ મહીડા પણ ઇવી વાહન સાથે કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા. પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્ય સરકાર ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું કે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરમાં ઈવી હવે શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યા છે અને તેઓ પોતે પણ ઇવી તથા સાયકલનો ઉપયોગ કરે છે. કેબિનેટમાં આ બાબતો પર ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત, ઇવી વાહનોના ઉપયોગ, સરકારી ખર્ચમાં ઘટાડો, વર્ચ્યુઅલ ગવર્નન્સ અને જાહેર પરિવહન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જીતુ વાઘાણીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો PM નરેન્દ્ર મોદીની વિદેશ પ્રવાસ ટાળવાની અપીલને માન આપીને, ગુજરાતના સહકાર મંત્રી જીતુ વાઘાણીએ તેમનો આગામી અમેરિકા પ્રવાસ સ્વૈચ્છિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ મે મહિનાના અંતમાં ન્યૂયોર્ક ખાતે UNના મુખ્યાલયમાં આયોજિત વૈશ્વિક સહકારી સંમેલનમાં વિશેષ વક્તા તરીકે હાજરી આપવાના હતા. આ પણ વાંચો CM ભૂપેન્દ્ર પટેલે કાફલામાં કર્યો ધરખમ ઘટાડો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણનો જરૂર પૂરતો ઉપયોગ કરવા આપવામાં આવેલા સંદેશ બાદ 2 દિવસ પહેલાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા હવે માત્ર CM અને DyCMને જ કોન્વોય સુવિધા આપવામાં આવશે, જ્યારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સાથે જ રાજ્યપાલ પણ હવે પોતાની દરેક યાત્રા ST બસ અને ટ્રેનમાં કરશે. તો આવો જાણીએ કોન્વોય સિવાય કયા નેતા-મંત્રીઓની કઈ સુવિધાઓમાં ફેરકાર કે ઘટાડો થયો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: રાજસ્થાનના CMના કાફલામાં ગાડીઓ ઓછી થઈ: મંત્રી-અધિકારીઓને પણ નિર્દેશ દાયકાનું સૌથી મોટુ સંકટ, પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડો: PM PM મોદીએ 11 મેના રોજ વડોદરામાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની વાત કરી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ન કરવા અપીલ કરી હતી. સરદાર ધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતં કે,પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતો તણાવની અસર દુનિયા પર પડી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટુ સંકટ હતું. તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું. ‘શક્ય હોય ત્યાં મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો’ ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે વિસ્તારમાંથી દુનિયાને ક્રુડ મળે છે તે જ ક્ષેત્રમાં આજે યુદ્ધની સ્થિતિ છે. એટલે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે તમામે મળીને નાના નાના સંકલ્પો કરવા પડશે. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે, જ્યાં સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરે. મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. જેની પાસે કાર છે તેઓ અન્ય લોકોને સાથે લઈ ચાલે. જરુરી છે કે, સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટીંગ અને વર્કફ્રોમ હોમને પ્રાથમિકતા આપવામાં આવે. હું શાળાને પણ આગ્રહ કરું છું કે, થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસ માટે વ્યવસ્થા કરે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
Read Original Article →