'કોંગ્રેસ પ્રમુખને ખબર નથી, આપણે ભણેલા-ગણેલા છીએ':ભાજપના સ્થાપના દિવસે CMએ કહ્યું- 'ખડગેના નિવેદને 6.5 કરોડ ગુજરાતીઓ અને ગાંધી-સરદારની ભૂમિની ગરિમા લજવી છે'
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની રેલીમાં ગુજરાતીઓને 'અભણ' ગણાવતા ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ખડગેએ રવિવારે આપેલા નિવેદનને લઈ મુખ્યમંત્રીએ રવિવારે રાત્રે જ તીખી પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી સમયે પણ ગુજરાતીઓને લઈ આપેલા નિવેદનને વખોડી કાઢ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાતના લોકોના સંદર્ભમા ખડગેએ આપેલું નિવેદન અતિ આપતિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રકારની ટીપ્પણી ફક્ત 6 કરોડ ગુજરાતવાસીઓનું જ અપમાન નથી. પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિની ગરિમાને પણ ઠેંસ પહોંચાડનારું છે. વધુમાં કટાક્ષ કરતા કહ્યું હતું કે, “આપણે બધા ભણેલા-ગણેલા છીએ એ તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખબર નથી.” બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આકરા પ્રહાર કરતાં ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” અને “ગુજરાતીઓ પ્રત્યે નફરત” તરીકે વર્ણવ્યું હતું. તેમણે કોંગ્રેસને જાહેર માફી માગવાની માંગ કરી છે અને કહ્યું છે કે, આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે. ગુજરાતની અસ્મિતા અને 6 કરોડ ગુજરાતીઓના ગૌરવ પર પ્રહાર સમાન
આ સાથે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત અંગેના નિવેદન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક પ્રતિક્રિયા આપતા ટ્વીટ કરીને પણ જણાવ્યું કે, આ પ્રકારની ટિપ્પણીઓ સમગ્ર ગુજરાતની અસ્મિતા અને 6 કરોડ ગુજરાતીઓના ગૌરવ પર પ્રહાર સમાન છે. તેમણે ઉમેર્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ની પવિત્ર ધરતી પર આવા શબ્દો અસ્વીકાર્ય છે. ગુજરાત હંમેશા દેશના વિકાસ અને એકતામાં અગ્રણીઓમાં રહ્યું છે અને નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને મળતું જનસમર્થન જોઈ કોંગ્રેસ ગભરાઈ ગઈ છે, પરંતુ ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે. 'ભલે બે સીટ આવી હોય તો પણ અમે હલબલ્યા નથી'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને જુસ્સો અને સંયમ જાળવીને આગળ વધવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, ભલે બે સીટ આવી હોય તો પણ અમે હલબલ્યા નથી. અમારો જુસ્સો અને વિચારધારા અમારો મૂળ આધાર છે. કાર્યકર્તાઓ સાથે મજાક કરતાં તેમણે કહ્યું કે, સામે બેઠેલા માત્ર કાર્યકર્તાઓ નથી, અમે પણ કાર્યકર્તાઓ જ છીએ અને આપણે કોઈને ઓર્ડર આપી દઈએ કે પોસ્ટર લગાવી દે જો અને પોસ્ટર લાગી પણ જાય છે. અહીંયા બેઠેલા બધા એટલા માટે હસે છે કે પહેલા તપેલું લઈને જતા અને પછી પોસ્ટર લગાડતા એટલે એ આનંદ જુદો હતો. પાછું નાસ્તાના પૈસા ના હોય એટલે કોઈના ઘરેથી મમરા વઘાર્યા હોય, સીંગ-દાળીયા લઈને રાત્રિના સમયે કામ કરતા અને ત્રણ-ચાર જણા સાથે ખાઈને રાત્રે 2-3 વાગે પોસ્ટરો લગાડતા. 'લોકો ખોટા વાયદા કરીને કશું કરતાં નથી'
વિરોધ પક્ષ પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું કે, જેમ-જેમ લોકોને ખબર પડતી જાય છે કે લોકો ખોટા વાયદા કરીને કશું કરતાં નથી ત્યારે જે લોકો બુમો પાડે છે, તે ખામીઓ શોધવામાં લાગી જાય છે. ખામીઓ શોધીને તેમાંથી આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખામીઓ કેવી રીતે થાય? કામ કરીએ તો ખામીઓ થવાની જ ને અને કામ ના કરીએ તો ખામીઓ કેવી રીતે થાય? એટલે તેમની ખામીઓ નથી કેમ કે તેઓ કામ જ નથી કરતા અને આપણી ખામીઓ લઈને દોડે છે. 'આપણે બધા ભણેલા-ગણેલા છીએ એ કોંગ્રેસ પ્રમુખને ખબર નથી'
બહેનો કાર્યકર્તાઓની મોટી ભીડ જોઈને રમૂજ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે 33 ટકા અનામત લાવ્યા છે તેનો લાભ બહેનો લઈ રહી છે અને તે અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે એટલે તમારી સક્રિયતા વાજબી છે. અહીંયા આવો તો હા પાડવા થાય ને કે હા મેં જોયા છે, દરેક વખતે આવે છે એવું કહેવાનું થાય ને આપણે બધાને પ્રેક્ટિસ હોય છે. આપણે બધા ભણેલા-ગણેલા છીએ અને એ તો કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ને ખબર નથી. આપણે કેટલાય લોકોની હાજરી પુરાવી દીધી છે, કોલેજમાં મિત્રો માટે હાજરી આપી છે, એકબીજાનું સાચવીએ છીએ. ભલે પક્ષમાં પ્રમુખ તરીકે આપણું નામ ના આવે તો ઝઘડીએ એ વાત જુદી છે, એ તો આપણી વચ્ચેનો હક્ક છે જેમ ઘરમાં પણ થતો હોય છે. 'હાલ એવો સમય નથી કે રાજકારણ થાય'
વધુમાં તેઓએ જણાવ્યું કે, અત્યારે વૈશ્વિક સંકટની પરિસ્થિતિ છે, છતાં આપણી પાસે સારું નેતૃત્વ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપણી પરિસ્થિતિ પર પુરતું ધ્યાન રાખે છે અને તેના આધારે અમને પણ રાહત મળે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધે તે માટે એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને ધ્યાન આપવામાં આવ્યું છે. હવે ધીરજ રાખવાનો સમય છે અને કોઈપણ પરિસ્થિતિમાં આપણો સંયમ ગુમાવવો નહીં, કારણ કે અફવા ફેલાવીને પણ આપણને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ થાય છે અને એ લોકો હજુ સમજ નથી કે, હાલ એવો સમય નથી કે રાજકારણ થાય છતાં પણ રાજકારણ કરે છે. વધુમાં જણાવ્યું કે, હમણાં વિપક્ષના ધારાસભ્યો મળવા આવ્યા હતા અને સરકાર તરફથી હેરાનગતિ થાય છે એવી રજુઆત કરી હતી. ત્યારે મેં તેમને કહ્યું કે અન્ય રાજ્યોમાં જ્યાં તમારું શાસન છે ત્યાં ભાજપ સાથે કેવી વર્તણૂક થાય છે તે જોયું છે ખરા? તમે થોડા લોકો ભેગા થઈને મંડ્યા છો અને તમને લાગે છે કે, અમે 162 લોકો એમને એમ બેસી રહીશું? સરકાર તો સરકાર જ રહે, ભૂપેન્દ્રભાઈ ખમવાની તાકાત વધારે હોય તો બે ઝટકા વધારે ખાધા પછી સરકાર થાય પરંતુ, સરકારમાં આઘું-પાછું કંઈ ચાલતું નથી, અંતે સરકાર પોતાનો દમ બતાવે જ છે. કોંગ્રેસના DNAમાં ગુજરાતીઓ પ્રત્યે નફરત ભરેલી છે
આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” ગણાવી અને કહ્યું કે, કોંગ્રેસના DNAમાં ગુજરાતીઓ પ્રત્યે નફરત ભરેલી છે. આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે અને રાજ્યની જનતાએ આવા નિવેદનોથી ડરવાની જરૂર નથી. તેમણે કોંગ્રેસને પડકાર આપ્યો કે, તેઓ ગુજરાતીઓ પ્રત્યેની નફરત વિશે સ્પષ્ટતા કરે અને માફી માગે. ભાજપે સવાલ ઉઠાવ્યો કે ખડગેનું આ નિવેદન તેમના પોતાના વિચારો છે કે પછી રાહુલ ગાંધી અથવા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તૈયાર કરાવ્યું છે. આ સાથે જ રાજ્યની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કોંગ્રેસને જાહેર માફી માંગવાની માંગ ઉઠી રહી છે. રાજકીય માહોલ ગરમ બનતા ભાજપે ચેતવણી આપી છે કે, આવનારી ચૂંટણીઓમાં જનતા કોંગ્રેસને યોગ્ય જવાબ આપશે.
Read Original Article →