પેટ્રોલ-ડીઝલ અછત મુદ્દે સરકાર સતર્ક, સંગ્રહખોરી ન કરવા અપીલ:કેબિનેટ બેઠકમાં વતન પ્રેમ યોજના, અટલ વાડી, ચાર્જિંગ સ્ટેશન અને વિકાસકાર્યો અંગે મહત્વના નિર્ણયો

Gujarat5/20/2026, 12:59:22 PM
પેટ્રોલ-ડીઝલ અછત મુદ્દે સરકાર સતર્ક, સંગ્રહખોરી ન કરવા અપીલ:કેબિનેટ બેઠકમાં વતન પ્રેમ યોજના, અટલ વાડી, ચાર્જિંગ સ્ટેશન અને વિકાસકાર્યો અંગે મહત્વના નિર્ણયો
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા ને સંબોધતા જણાવ્યું હતું કે “વન નેશન વન ઈલેક્શન” મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ગુજરાત આવી છે અને વિવિધ રાજકીય પક્ષો, સંસ્થાઓ, અધિકારીઓ તથા જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે. રાજ્ય સરકારે પણ સમિતિ સમક્ષ પોતાનો પક્ષ અને પ્રેઝન્ટેશન રજૂ કર્યું હોવાનું તેમણે જણાવ્યું. જીતુ વાઘાણીએ કહ્યું કે વારંવાર યોજાતી ચૂંટણીઓના કારણે વિકાસ કાર્યો અને વહીવટી પ્રક્રિયાઓ પર અસર પડે છે. ચૂંટણી આચાર સંહિતા ભલે બે મહિના માટે લાગુ પડે, પરંતુ ચૂંટણીનો માહોલ વર્ષો પહેલાંથી શરૂ થઈ જાય છે, જેના કારણે સમય અને સંસાધનોનો વ્યાપક વ્યય થાય છે. તેથી દેશહિતમાં એકસાથે ચૂંટણી યોજાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. ઇંધણ સંગ્રહખોરીથી સરકારી પંપો પર 35 થી 40 ટકા જેટલી માંગ વધી: વાઘાણી પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ચીફ સેક્રેટરી દ્વારા સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં જ્યાં મુશ્કેલી જણાય છે ત્યાં તાત્કાલિક પેટ્રોલ-ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કેટલીક ખાનગી કંપનીઓએ ભાવ વધાર્યા હોવાના કારણે અને લોકો દ્વારા જરૂરિયાત કરતાં વધુ ઇંધણ સંગ્રહ કરવામાં આવતા સરકારી પંપો પર 35 થી 40 ટકા જેટલી વધારાની માંગ નોંધાઈ છે. એકાદ જગ્યાએ અછત જેવી સ્થિતિ સર્જાઈ હોય તો તેનો અર્થ સમગ્ર રાજ્યમાં સમસ્યા છે એવું નથી. લોકોને અફવાઓથી દૂર રહી ગભરાયા વગર જરૂરિયાત મુજબ જ ઇંધણ લેવા અપીલ પણ તેમણે કરી હતી. ‘ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની દિશામાં પણ સરકાર કાર્યરત’ રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની દિશામાં પણ સરકાર કાર્યરત હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું. વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર લાંબા ગાળાની યોજના પર કામ કરી રહી છે અને મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા છે. “વતન પ્રેમ યોજના”ના રેશિયોની નવી જોગવાઈ કેબિનેટ બેઠકમાં પંચાયત વિભાગના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અને ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. “વતન પ્રેમ યોજના” હેઠળ હવે સરકારી શાળાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, લાઈબ્રેરી રૂમ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, મધ્યાહન ભોજન કેન્દ્ર, દૂધ મંડળીઓ તથા પશુ દવાખાનાં જેવા વિકાસકાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોજના હેઠળ 60-40ના અનુપાતની નવી જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં 60 ટકા રકમ દાતા આપે તો કામગીરી પોતે કરી શકશે અને 60 ટકા સરકાર આપે તો સરકારની એજન્સી મારફતે કામગીરી હાથ ધરાશે. “અટલ વાડી” યોજના માટે 267 કરોડની જોગવાઈનો ઠરાવ મંજૂર રાજ્ય સરકારે “અટલ વાડી” યોજના માટે 267 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે મહત્વપૂર્ણ ઠરાવ મંજૂર કર્યો છે. ગામોમાં કોમ્યુનિટી હોલ અને અન્ય સામાજિક સુવિધાઓ ઉભી કરવા અટલ વાડી યોજના અમલમાં મૂકવામાં આવશે. ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી માટે આવાસ નિર્માણનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. વિકાસકાર્યોમાં વિલંબ ઘટાડવા માટે ફોરેસ્ટ જમીન અને અન્ય સરકારી જમીન સંબંધિત પ્રક્રિયાઓ સરળ બનાવવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હાઈવે અને શહેરોના રસ્તાઓ પાસે આવેલી ફોરેસ્ટ જમીન અંગે એનઓસી મેળવવામાં થતો વિલંબ દૂર કરવા માટે જરૂરી જમીન સંબંધિત વિભાગને હસ્તાંતરિત કરવામાં આવશે અને તેના બદલામાં સરકાર વન વિભાગને સમકક્ષ જમીન આપશે. ઉપરાંત જે વિભાગને તાત્કાલિક જમીનની જરૂર હશે તેને જંત્રીના દરે ઝડપથી જમીન ફાળવવામાં આવશે, જેથી વિકાસકાર્યોમાં વિલંબ ન થાય અને પ્રોજેક્ટ ખર્ચમાં વધારો અટકે.
Read Original Article →