ગુજરાત પોલીસ રેન્જમાં ફેરફાર:નવી બનાસકાંઠા રેન્જની રચના, મોરબીને રાજકોટ રેન્જમાંથી કાઢીને કચ્છમાં ભેળવાયું
ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યના સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની સૌથી મોટી અને સંવેદનશીલ ગણાતી બોર્ડર રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જ બનાવવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન સરહદ પર વધુ અસરકારક દેખરેખ, ઝડપી પ્રતિસાદ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પરિપત્રમાં જણાવાયું છે. 550 કિલોમીટરથી વધુ વિસ્તારનું સંચાલન બન્યું પડકારરૂપ
હાલની બોર્ડર રેન્જ હેઠળ કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓ આવરી લેવાતા હતા. આ વિસ્તારમાં પાકિસ્તાન સાથે જોડાયેલી આશરે 406.87 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ 238 કિલોમીટર જેટલો દરિયાઈ વિસ્તાર સામેલ હોવાથી કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત કામગીરીનું અસરકારક સંચાલન પડકારરૂપ બનતું હતું. સરકારે નોંધ્યું કે આટલા વિશાળ ભૌગોલિક વિસ્તારને એક જ રેન્જ હેઠળ સંભાળવાથી મોનિટરિંગ અને સંકલનમાં મુશ્કેલીઓ ઉભી થતી હતી. તેથી રેન્જનું પુનર્ગઠન કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી રચાયેલી બનાસકાંઠા રેન્જ હેઠળ ત્રણ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે: બોર્ડર રેન્જમાં અગાઉ સમાવિષ્ટ પાટણ અને બનાસકાંઠાને અલગ કરીને આ નવી રેન્જમાં સામેલ કરવામાં આવ્યા છે. 1.બનાસકાંઠા (પાલનપુર)
2.પાટણ
3.વાવ-થરાદ જ્યારે બોર્ડર રેન્જમાં મોરબીને ભેળવવામાં આવ્યું છે. કચ્છ બોર્ડર રેન્જ આ પ્રમાણે રહેશે. 1.કચ્છ પૂર્વ-ગાંધીધમ
2.કચ્છ પશ્ચિમ-ભુજ
3. મોરબી વિભાજન બાદ રાજકોટ રેન્જમાંથી મોરબીને અલગ કરી દેવાયું છે. નવી રાજકોટ રેન્જ આ પ્રમાણે રહેશે. 1.રાજકોટ ગ્રામ્ય
2.જામનગર
3.દેવભૂમિ દ્વારકા
4. સુરેન્દ્રનગર ભારત-પાકિસ્તાન બોર્ડર પર રહેશે વધુ કડક નજર
ગૃહ વિભાગના આ નિર્ણયથી સરહદી વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓનું સંકલન વધુ અસરકારક બનશે. બોર્ડર વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ, ઘૂસણખોરી, સ્મગલિંગ અને અન્ય સુરક્ષા પડકારો સામે ઝડપી કાર્યવાહી શક્ય બનશે. ખાસ કરીને ભારત-પાકિસ્તાન સરહદ અને દરિયાઈ પટ્ટી પર દેખરેખ વધુ મજબૂત બનવાની અપેક્ષા છે. રાજ્ય સરકારનો સુરક્ષા કેન્દ્રિત નિર્ણય
તાજેતરમાં સરહદી સુરક્ષા અને આંતરિક સલામતીને લઈને વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કર્યો છે. નવી બનાસકાંઠા રેન્જ કાર્યરત થતાં સ્થાનિક સ્તરે મોનિટરિંગ, કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થામાં વધુ કાર્યક્ષમતા આવશે.
Read Original Article →