PM મોદીના ગુજરાત પ્રવાસ બાદ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ:સૌરાષ્ટ્રથી વડોદરા સુધીના નામો પર ચર્ચા, ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા મંથન
PM મોદીના ગુજરાત પ્રવાસ બાદ ફરીથી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાતા રાજકીય વર્તુળોમાં ચહલપહલ વધી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં પાર્ટીના ટોચના નેતાઓ અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વડોદરા વિસ્તારના નેતાઓના નામો પર ચર્ચા
મળતી માહિતી મુજબ, આગામી સમયમાં સંગઠન અને સત્તા વચ્ચે વધુ સશક્ત સંકલન રહે તે માટે વિવિધ વિસ્તારોમાંથી યોગ્ય ચહેરાઓ અંગે મંથન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક પ્રભાવશાળી નામો પર ગંભીર ચર્ચા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. સાથે જ વડોદરા વિસ્તારના નેતાઓના નામો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. પાર્ટી અંદર ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. લાંબા સમય બાદ પાર્લામેન્ટ્રી બોર્ડ સક્રિય થતાં આગામી દિવસોમાં સંગઠનાત્મક ફેરફારો અથવા નવી જવાબદારીઓની જાહેરાત થઈ શકે તેવી અટકળો પણ તેજ બની છે. રાજકીય અને સામાજિક સમીકરણો પર ધ્યાન
સૂત્રોનું માનવું છે કે પાર્ટી આગામી રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને પ્રદેશવાર મજબૂત નેતૃત્વ ઉભું કરવા માગે છે. બેઠકમાં પ્રદેશના રાજકીય અને સામાજિક સમીકરણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Read Original Article →