CM નિવાસ સ્થાને ભાજપની બેઠક પૂર્ણ:બેઠક બાદ ઉમેદવારોને લઈ મોટો નિર્ણય, C-D નગરપાલિકાઓ માટે અલગ વ્યૂહરચના
રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિસ્તૃત ચર્ચા બાદ ઉમેદવારોની પસંદગી અંગે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બેઠકમાં મનપા (મ્યુનિસિપલ કોર્પોરેશન)ની બેઠકોને કેન્દ્રમાં રાખીને ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં જીતની સંભાવનાઓ, સ્થાનિક ફીડબેક અને મજબૂત ઉમેદવારોને ધ્યાનમાં રાખીને માઈક્રો લેવલ સુધી મંથન થયું હતું. ત્યારબાદ A અને B વર્ગની નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. C અને D વર્ગની નગરપાલિકાઓ માટે અલગ વ્યૂહરચના
ખાસ કરીને C અને D વર્ગની નગરપાલિકાઓ માટે અલગ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ નગરપાલિકાઓ માટે સ્થાનિક સ્તરે જ મંથન કરીને ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેથી સ્થાનિક સામાજિક અને રાજકીય સમીકરણોને વધુ સારી રીતે સંતુલિત કરી શકાય. જિલ્લાવાર આંકડા મુજબ C અને D વર્ગની નગરપાલિકાઓને લઈ પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમરેલીમાં 3 C અને 1 D, અમદાવાદમાં 1 C, અરવલ્લીમાં 1 D, આણંદમાં 2 C અને 1 D, કચ્છમાં 1 C, ખેડામાં 1 C અને 2 D, ગીર સોમનાથમાં 2 C, છોટાઉદેપુરમાં 1 C, જામનગરમાં 1 C, દેવભૂમિ દ્વારકામાં 1 C, નવસારીમાં 1 D, પંચમહાલમાં 1 C, બનાસકાંઠામાં 1 C, બોટાદમાં 1 D, ભરૂચમાં 1 D, ભાવનગરમાં 1 D, મહેસાણામાં 2 C, મોરબીમાં 1 C અને 1 D, વડોદરામાં 2 C, વલસાડમાં 1 C, વાવ-થરાદમાં 1 C, સાબરકાંઠામાં 1 C, સુરતમાં 3 C અને સુરેન્દ્રનગરમાં 1 D વર્ગની નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. બેઠકમાં મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ ઝોનવાઈઝ સૂચનો આપ્યા હતા અને ઉમેદવારોના નામોને લગભગ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થવાની શક્યતા છે. ઉમેદવારોની પસંદગીના માપદંડ નક્કી કરવામાં આવ્યા
આ સાથે જ પાર્ટીએ 60 વર્ષની ઉંમર મર્યાદાનો કડક અમલ, થ્રી-ટર્મ ફોર્મ્યુલા લાગુ કરવો તેમજ પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ ન આપવાના મહત્વપૂર્ણ નિર્ણયો પણ સ્વીકાર્યા છે. આ નિર્ણયોથી અનેક વર્તમાન નેતાઓ માટે પડકાર ઊભો થવાનો છે અને નવી પેઢીને તક મળવાની શક્યતા વધી છે. ભાજપની આ વ્યૂહાત્મક મથામણ અને કડક નિયમો સાથે આવનારી ચૂંટણીમાં માત્ર ઉમેદવારોની પસંદગી જ નહીં પરંતુ રાજ્યના રાજકીય સમીકરણોમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે.
Read Original Article →