પનીરના નામે છેતરપિંડી કરનાર સામે કડક કાર્યવાહી:રાજ્યભરમાં 2527 એકમોની તપાસ, 18 સીલ; 2.48 લાખનો દંડ વસૂલાયો

Gujarat4/9/2026, 3:40:25 PM
પનીરના નામે છેતરપિંડી કરનાર સામે કડક કાર્યવાહી:રાજ્યભરમાં 2527 એકમોની તપાસ, 18 સીલ; 2.48 લાખનો દંડ વસૂલાયો
ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા 4 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન પનીર અને તેના એનાલોગ ઉત્પાદનોના વપરાશ અંગે રાજ્યવ્યાપી તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત કુલ 2,527 હોટલ-રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોની તપાસ કરી, નિયમોના ભંગ બદલ 18 એકમોને સીલ કરવામાં આવ્યા હતા અને ₹2.48 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં શંકાસ્પદ જથ્થાનો નાશ કરી કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી. 210 એકમોને વહીવટી નોટિસો પાઠવી આ વિશેષ તપાસ અભિયાન દરમિયાન તંત્ર દ્વારા કુલ 210 એકમોને વહીવટી નોટિસો પાઠવવામાં આવી હતી. તપાસની કામગીરીમાં ફૂડ સેફ્ટી વાનનો પણ ઉપયોગ કરાયો હતો, જેના દ્વારા 658 એકમોની ચકાસણી કરી 678 નમૂનાઓનું સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લેબોરેટરી પૃથ્થકરણ માટે અલગથી 65 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને અંદાજે 103 કિલો જેટલો શંકાસ્પદ ખાદ્ય જથ્થો બિનઆરોગ્યપ્રદ હોવાના કારણે સ્થળ પર જ નાશ કરાયો હતો. ગ્રાહકોને જાણ કર્યા વગર જ 'એનાલોગ પનીર'નો ઉપયોગ તપાસમાં ખાસ કરીને એ બાબત સામે આવી હતી કે અનેક ખાદ્ય એકમોમાં ગ્રાહકોને જાણ કર્યા વગર જ 'એનાલોગ પનીર'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ પ્રકારની પ્રેક્ટિસ ગ્રાહકોને ભ્રમિત કરતી હોવાનું જણાયું હતું, જેના કારણે તંત્રએ આ બાબતે લાલ આંખ કરી છે. શુદ્ધ પનીરને બદલે સસ્તા વિકલ્પો વાપરતા એકમો વિરુદ્ધ કડક વલણ અપનાવીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીઓને કડક શબ્દોમાં નિયમોનું પાલન કરવાની ચેતવણી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે આગામી સમયમાં પણ આવા અભિયાન સતત ચાલુ રહેશે. વેપારીઓને કડક શબ્દોમાં નિયમોનું પાલન કરવાની ચેતવણી આપવામાં આવી છે, સાથે જ જનતાને પણ ખાદ્ય પદાર્થોની ખરીદી કે વપરાશ સમયે વધુ જાગૃત અને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →