પેટ્રોલ-ડીઝલ બચત મુદ્દે સરકાર પર ઇટાલિયાના પ્રહારો:કહ્યું- સ્ટંટ છોડો, સિસ્ટમ સુધારો તો અબજોનું ઇંધણ બચે; પ્રજાને કચેરીઓના ધક્કાથી છુટકારો આપો

Gujarat5/16/2026, 5:57:45 AM
પેટ્રોલ-ડીઝલ બચત મુદ્દે સરકાર પર ઇટાલિયાના પ્રહારો:કહ્યું- સ્ટંટ છોડો, સિસ્ટમ સુધારો તો અબજોનું ઇંધણ બચે; પ્રજાને કચેરીઓના ધક્કાથી છુટકારો આપો
રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો છે. ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલ બચાવવાના નામે ભાજપના નેતાઓ માત્ર સ્ટંટ કરી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં સિસ્ટમમાં સુધારા કરવામાં આવે તો અબજો રૂપિયાનું ઇંધણ બચાવી શકાય છે. ‘સરકારી કામ માટે ડિજિટલ સુવિધા લાવો, મોટી માત્રામાં ઈંધણ બચશે’ તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી સામાન્ય લોકોને કોઈ ખાસ ફાયદો થવાનો નથી. તેના બદલે સરકારી કચેરીઓમાં લોકો જે ધક્કા ખાય છે તે પ્રક્રિયા બંધ કરીને વોટ્સએપ અથવા મિસકોલ જેવી ડિજિટલ સુવિધા દ્વારા કામ કરવામાં આવે તો લાખો લોકોના પ્રવાસમાં ઘટાડો થઈ શકે અને મોટા પ્રમાણમાં પેટ્રોલ બચી શકે. ‘કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગથી રજૂ કરો’ ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું કે, કોર્ટમાં કેદીઓને રજૂ કરવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતો વાહનવ્યવહાર પણ ડીઝલના મોટા ખર્ચનું કારણ બને છે. જો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેદીઓની હાજરી પુરાવવાની વ્યવસ્થા વધુ વ્યાપક બનાવવામાં આવે તો કરોડો રૂપિયાનું ડીઝલ બચાવી શકાય. ‘ખરાબ રોડના કારણે હજારો લિટર ઇંધણનો બગાડ’ આ સાથે જ તેમણે રાજ્યમાં ચાલી રહેલા હાઈવે અને માર્ગોના કામો મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી. ઇટાલીયાના કહેવા મુજબ, સમયસર માર્ગોના કામ પૂર્ણ ન થવાને કારણે વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિક અને ડાયવર્ઝનનો સામનો કરવો પડે છે, જેના કારણે ઇંધણનો બગાડ વધી રહ્યો છે. અંતમાં ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે, યોગ્ય અને અસરકારક ઉપાયો અપનાવવાની જગ્યાએ ભાજપ સરકારે માત્ર દેખાવના નિર્ણયો લઈને સ્ટંટબાજી શરૂ કરી છે.
Read Original Article →