ગીરમાં સિંહોમાં રોગચાળાની આશંકા વચ્ચે વન વિભાગ એલર્ટ:10 કિ.મી. વિસ્તારમાં સિંહોને આઈસોલેટ કરી વેક્સિનેશન-ટ્રીટમેન્ટ શરૂ
ગીર વિસ્તારમાં સિંહોમાં જોવા મળેલા સંભવિત રોગચાળાને પગલે વન વિભાગે તાત્કાલિક અસરથી રોગ નિયંત્રણ અને સારવાર માટે ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા દિશા-નિર્દેશો બાદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ સિંહોના વેક્સિનેશન, ટ્રીટમેન્ટ અને ડી-ટીકીંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે. વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું
વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગીર સેન્ચ્યુરીની બહાર ગીર સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકા તથા અમરેલી જિલ્લાના બાભરીયા વિસ્તારના અંદાજે 10 કિલોમીટરના વિસ્તારમાં બાળ સિંહોના મોતના સમાચાર મળતા જ વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. મૃત સિંહોના સેમ્પલ લઈને તેને તપાસ માટે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ બાદ મોતના ચોક્કસ કારણો સામે આવશે, પરંતુ હાલ જે લક્ષણો દેખાઈ રહ્યા છે તેના આધારે સારવાર અને જરૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા મુજબ, સંભવિત વાયરસ અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે અસરગ્રસ્ત 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલા સિંહોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. જુનાગઢ વેટરનરી કોલેજના ડોક્ટરો, સ્ટાફ અને વન વિભાગના સિનિયર અધિકારીઓની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. આસપાસના વિસ્તારોમાં ડી-ટીકીંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક લક્ષણો મુજબ આ બેબિસિયા વાયરસ હોવાની આશંકા છે. આ વાયરસ ‘ઈતરડી’ નામની જીવાત મારફતે પશુઓમાં ફેલાતો હોય છે. જેના કારણે ગીર સેન્ચ્યુરી તેમજ આસપાસના વિસ્તારોમાં ડી-ટીકીંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉનાળાની કડક ગરમીમાં સિંહો નબળા ન પડે તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વન મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી છે. વન વિભાગે દાવો કર્યો છે કે, કર્મચારીઓ અને નિષ્ણાતોની ટીમના સંયુક્ત પ્રયાસોથી આ સંભવિત ભય પર કાબૂ મેળવી લેવાશે.
Read Original Article →