ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ કંપનીનું કરોડોનું કૌભાંડ પ્રકરણ:અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત બે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, ઘનિષ્ઠ પૂછપરછનો દોર શરૂ
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી શૂટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ક્લાઉડ ડેટા સ્ટોરેજ સ્પેસ ભાડે આપવાના નામે મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ સહિત છ સંચાલકોએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ પ્રકરણમાં પકડાયેલા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર એવા અરવલ્લી જિલ્લા પ્રમુખ અરુણ વીરચંદભાઈ પટેલ અને ઝોનલ મેનેજર સચિન પટેલની એસઆઈટી ટીમે ધરપકડ કરી કોર્ટમાંથી દસ દિવસના રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ પૂછતાછનો તખ્તો ઘડી કાઢ્યો છે. લોકોના નાણાં ડૂબાડવાના ઈરાદે ગુનાહિત ષડયંત્ર રચ્યું
ગિફ્ટ સિટીમાં કાર્યરત શૂટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા ડેટા સ્ટોરેજ અને ટેરાબાઇટ સ્પેસમાં રોકાણના નામે કરોડોની ઠગાઈ આચરવામાં આવી હોવાની બૂમરાણના પગલે પોલીસે અરજદારોની રજૂઆતોના આધારે તપાસનો દોર હાથ ધર્યો હતો. જેમાં આ કંપનીના સંચાલકોએ કોઈ પણ પ્રકારના યોગ્ય સર્વર કે ડેટા સ્ટોરેજની સુવિધા ઉભી કર્યા વગર લોકોના નાણાં ડૂબાડવાના ઈરાદે એક ગુનાહિત ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવ્યું છે. રોકાણકારોને માસિક અને ચોક્કસ ભાડાની લાલચ આપી
કંપનીએ રોકાણકારોને માસિક અને ચોક્કસ ભાડાની લાલચ આપી હતી અને આ માટે ખોટા દસ્તાવેજો તથા ઇનવોઇસ બનાવી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. રોકાણકારો પાસેથી એકત્રિત કરવામાં આવેલી રકમને કંપનીએ પોતાના અન્ય વ્યવસાયો જેવા કે ક્લાઉડજી ટેકનોલોજી લિમિટેડ અને હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર લિમિટેડમાં ટ્રાન્સફર કરી રોકાણકારોની મૂડી ઉચાપત કરી લીધી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં શૂટસ્પેસ ડિજિટલ પ્રા.લિ.ના ફાઉન્ડર અને ડાયરેક્ટર ઉત્પલ રામાભાઈ પટેલ, ડાયરેક્ટર અરૂણ રમેશચંદ્ર રાય, ક્લાઉડીજી ડિજિટલ પ્રા.લિ.ના બોર્ડ ઓફ ડાયરેક્ટર અરૂણભાઈ વીરચંદભાઈ પટેલ, શૂટસ્પેસ ડિજિટલ પ્રા.લિ.ના ઝોનલ મેનેજર સચિનભાઈ અમૃતભાઈ પટેલ, હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર લીમી. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર ભૂમી ઉત્પલભાઈ પટેલ તથા શૂટસ્પેસ ડિજિટલ પ્રા.લિ.ના એડીશનલ ડાયરેક્ટર અને હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર લિ.ના ડાયરેક્ટર ધ્રુવ જગદીશભાઇ ચૌધરીનો સમાવેશ થાય છે. 13 રોકાણકારો સાથે 5 કરોડથી વધુની છેતરપિંડી
આ મામલે ભાવેશપુરી મહેન્દ્રપુરી બાવાએ નોંધાવેલી ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં ફરિયાદી સહિત તેમના પરિચિતો મળીને 13 જેટલા રોકાણકારોના મળીને કુલ 5 કરોડથી વધુ રૂપિયાની રકમની છેતરપિંડી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. જોકે ઠગાઈનો આંકડો 100 કરોડ હોવાનું પોલીસનું અનુમાન છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલની ધરપકડ
આ ઠગાઈની ગંભીરતાને ધ્યાને લઈ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. એએસપી આયુષ જેની આગેવાનીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગઈકાલે શુક્રવારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ અને સચિન પટેલને ઉઠાવી લીધા હતા. જેઓને આજે કોર્ટમાં રજૂ કરીને પોલીસે દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્રણેય કંપનીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી?
આ અંગે પોલીસ સૂત્રોએ કહ્યું કે, રિમાન્ડ દરમિયાન ઉપરોક્ત ત્રણેય કંપનીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી, ઇન્વેસ્ટરો કેટલા તેમજ કંપનીમાં ફાઇનાન્સ ક્યાંથી આવતું અને કેવી રીતે ઇન્વેસ્ટરોને ભાડા પેટે કમિશન ચૂકવવામાં આવતું હતું તેની માહિતી મેળવવામાં આવશે. આ ઉપરાંત અરવિંદ અને સચિનની બેન્ક એકાઉન્ટ ડિટેલ તેમના મોબાઇલના સીડીઆર અને વોન્ટેડ આરોપીઓનું પગેરું શોધવા પૂછતાછ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને આ સમગ્ર કૌભાંડ અન્ય કેટલા રાજ્યોમાં ફેલાયેલું છે, ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટર ઉભો કરનાર કંપની કઈ તેનો ખર્ચો ઉપરાંત આ સેન્ટર માટે જરૂરી લાયસન્સ લેવામાં આવ્યું છે કે નહીં વિગેરે નાનામાં નાની વિગતો બંને આરોપીઓ પાસેથી મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ધરપકડ થતા જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી ખાતે ગાંધીનગર જિલ્લાના સ્થાનિક કોંગ્રેસ આગેવાનોના પણ આંટા ફેરા વધી જ ગયા છે. આગામી દિવસોમાં એસઆઇટી કયો નવો ધડાકો કરે છે તે જોવું રહ્યું.
Read Original Article →