‘UK જેવી ફીલિંગ આવે છે’:ગિફ્ટ સિટીમાં રહેવા NRIનો વધતો ક્રેઝ, ફ્લેટની માગ આસમાને; દરેક એપાર્ટમેન્ટ ટનલ સિસ્ટમથી જોડાયેલું

Gujarat5/16/2026, 12:30:00 AM
‘UK જેવી ફીલિંગ આવે છે’:ગિફ્ટ સિટીમાં રહેવા NRIનો વધતો ક્રેઝ, ફ્લેટની માગ આસમાને; દરેક એપાર્ટમેન્ટ ટનલ સિસ્ટમથી જોડાયેલું
ગાંધીનગર નજીક વિકસતી દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) ધરાવતી GIFT City હવે માત્ર ફાઇનાન્સિયલ હબ પૂરતી સીમિત રહી નથી. ગિફ્ટ સિટીના ઝડપી વિકાસ સાથે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, ખાણી-પીણી, મનોરંજન અને સર્વિસ સેક્ટરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઓ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓના કારણે દેશ-વિદેશના રોકાણકારો, NRI, યુવા પ્રોફેશનલ્સ અને વૈશ્વિક કંપનીઓ હવે ગુજરાત તરફ આકર્ષાઈ રહી છે. ગિફ્ટ સિટી બન્યુ હાઈ-ઇન્કમ પ્રોફેશનલ્સ માટે નવું ડેસ્ટિનેશન ગિફ્ટ સિટીમાં કાર્યરત રિયલ એસ્ટેટ સલાહકાર રાજ પટેલ જણાવે છે કે, ગિફ્ટ સિટીના વિકાસે સ્થાનિક અર્થતંત્રમાં નવી ઊર્જા ભરી છે. અહીં ભાડે મકાન અને સ્થળાંતર પછીની સેવાઓ માટે અમે ‘અર્બન ગિફ્ટ’ શરૂ કર્યું હતું. શરૂઆત બાદ જ સમજાઈ ગયું કે ગિફ્ટ સિટી માત્ર ઓફિસોનું કેન્દ્ર નહીં, પરંતુ હાઈ-ઇન્કમ પ્રોફેશનલ્સ માટેનું નવું ડેસ્ટિનેશન બની રહ્યું છે. અહીં આવતા લોકોની સરેરાશ આવક મહાનગરો જેવી હોવાથી તેમની ખરીદ શક્તિ પણ ઊંચી છે. તેના કારણે રેસ્ટોરન્ટ, કેફે, રિટેલ અને સર્વિસ સેક્ટર સુધી સીધી અસર જોવા મળી રહી છે. રોકાણકારો માટે ગુજરાત વધુ સુરક્ષિત અને વ્યવસાય માટે અનુકૂળ તેમણે વધુમાં ઉમેર્યું કે, દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોમાં ટ્રાફિક, પ્રદૂષણ અને સુરક્ષા જેવી સમસ્યાઓ વધતાં હવે રોકાણકારો ગુજરાતને વધુ સુરક્ષિત અને વ્યવસાય માટે અનુકૂળ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. ગુજરાતની નીતિઓ સ્થિર છે, કાયદો અને વ્યવસ્થા મજબૂત છે અને બિઝનેસ માટેનો માહોલ અનુકૂળ છે. તેથી અનેક કંપનીઓ અને રોકાણકારો હવે ગુજરાત તરફ વળી રહ્યા છે. ગિફ્ટ સિટી હવે માત્ર ફાઇનાન્સ હબ નહીં, સંપૂર્ણ સ્માર્ટ અર્બન ઈકોસિસ્ટમ ગિફ્ટ સિટીમાં હાલમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો (GCC), IT કંપનીઓ, ફિનટેક હબ, વિમાન અને જહાજ લીઝિંગ સેવાઓ, યુનિવર્સિટીઓ, સોના-ચાંદીના આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય સંસ્થાઓ જેવી અનેક પ્રવૃત્તિઓ વિકસિત થઈ રહી છે. મુંબઈની જાણીતી ‘બાસ્ટિયન’ બ્રાન્ડની ગિફ્ટ સિટીમાં એન્ટ્રી મુંબઈની જાણીતી ‘બાસ્ટિયન’ જેવી બ્રાન્ડ્સે પણ ગિફ્ટ સિટીમાં પ્રવેશની જાહેરાત કરી છે. ઉદ્યોગકારો માને છે કે, આ પ્રકારના બ્રાન્ડ્સ માત્ર ત્યારે જ રોકાણ કરે છે જ્યારે બજારમાં લાંબા ગાળાની મજબૂત સંભાવનાઓ હોય. ‘ગિફ્ટ સિટીના કારણે ગાંધીનગર હવે ઈવેન્ટ હબ બની રહ્યું છે’ ગિફ્ટ સિટી નજીક આવેલા ‘મિસ્ટિક ફૉલ્સ’ પાર્ટી પ્લોટના માલિક દર્શન પટેલ જણાવે છે કે, ગિફ્ટ સિટીના કારણે ગાંધીનગરમાં ઈવેન્ટ અને સામાજિક કાર્યક્રમોનો વ્યાપ વધી ગયો છે. અગાઉ અમદાવાદથી ગાંધીનગર તરફ લોકો ઓછા આવતા, પરંતુ હવે ગિફ્ટ સિટીના કારણે અવરજવર વધી છે. પહેલાં ગ્રાહકો ગાંધીનગર પૂરતા સીમિત હતા, હવે અમદાવાદ સુધી વ્યાપ વધ્યો છે. 20 વર્ષ સુધી કરમુક્તિથી વૈશ્વિક કંપનીઓનો ઝોક કેન્દ્ર સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં રોકાણ કરતી કંપનીઓ માટે 20 વર્ષ સુધી કરમુક્તિ જેવી મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. તેના કારણે વિદેશી કંપનીઓ માટે ગિફ્ટ સિટી હવે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. નિષ્ણાતોના મતે, આગામી વર્ષોમાં તેના કારણે રહેઠાણ, હોટેલ, મનોરંજન અને સર્વિસ સેક્ટરમાં પણ ઝડપી વૃદ્ધિ જોવા મળશે. 5 વર્ષમાં ગિફ્ટ સિટીની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે: એસ.કે. પટેલ કાવ્યરત્ના ગ્રુપના સ્થાપક, CREDAI Gandhinagarના ઉપપ્રમુખ તથા ગિફ્ટ સિટી ડેવલોપર એસોસિયેશનના પ્રમુખ એસ.કે. પટેલ જણાવે છે કે, બજેટમાં આપવામાં આવેલી છૂટછાટ અને સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગિફ્ટ સિટીમાં સેવા પ્રદાતાઓને લાંબા ગાળે મોટો લાભ મળશે. આગામી પાંચ વર્ષમાં ગિફ્ટ સિટીની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. ‘68% કોમર્શિયલ સામે માત્ર 22% રહેણાંક વિસ્તાર’ ગિફ્ટ સિટીમાં ‘સિબાન’ પ્રોજેક્ટ વિકસાવતા ડેવલોપર કેયુર કથીરીયાએ જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં હાલમાં રહેણાંક પ્રોજેક્ટ્સ માટે ભારે માગ છે. ગિફ્ટ સિટીના કુલ વિસ્તારનો 68 ટકા ભાગ કોમર્શિયલ છે જ્યારે માત્ર 22 ટકા વિસ્તાર રહેણાંક માટે રાખવામાં આવ્યો છે. એટલે રહેણાંક માટે સપ્લાય મર્યાદિત છે અને માગ સતત વધી રહી છે. ‘દરેક એપાર્ટમેન્ટ ટનલ સિસ્ટમથી જોડાયેલું છે’ તેમણે ગિફ્ટ સિટીની આધુનિક સુવિધાઓ અંગે જણાવ્યું કે, અહીં સેન્ટ્રલ વોટર ચિલિંગ પ્લાન્ટ, શુદ્ધ પાણી, મજબૂત પાવર સપ્લાય, અદ્યતન વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ ટનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. દરેક એપાર્ટમેન્ટ ટનલ સિસ્ટમથી જોડાયેલું છે જેથી રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જળવાઈ રહે. ‘2030 સુધીમાં માત્ર 30% લોકો રહેવા આવે તો પણ રહેણાંક ફુલ થઈ જશે’ સિબાન ગ્રુપના સેલ્સ માર્કેટિંગ હેડ હર્ષિલ શાહ જણાવે છે કે, ગિફ્ટ સિટીમાં હાલ સ્ટુડિયો એપાર્ટમેન્ટથી લઈને પેન્ટહાઉસ સુધીની મોટી માગ છે. અમારા પ્રોજેક્ટનું 50થી 60 ટકા વેચાણ થઈ ચૂક્યું છે. 2030 સુધી 1 લાખ લોકો માટે રોજગાર સર્જાવાનો અંદાજ છે. તેમાંના માત્ર 30 ટકા લોકો પણ ગિફ્ટ સિટીમાં રહેવાનું પસંદ કરે તો આખો રહેણાંક વિસ્તાર ભરાઈ જશે. ‘NRI બુકિંગ્સમાં નોંધપાત્ર વધારો’ તેમણે ઉમેર્યું કે, NRI બુકિંગ્સમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની સુવિધાઓ અને IFSC માળખું હોવાથી NRIને અહીં વધુ વિશ્વાસ મળે છે. હાલમાં અહીં રહેણાંક ફ્લેટના ભાવ 11 હજારથી 12 હજાર રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ સુધી ચાલી રહ્યા છે. ‘UK જેવી ફીલિંગ આવે છે, હવે પાછા જવાનું મન નથી’ લંડનથી ગુજરાત આવેલા ક્રિષ્નરાજે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, તેઓ હવે ગિફ્ટ સિટીમાં સેટલ થવા ઈચ્છે છે. અમે પહેલા અમદાવાદ અને ગાંધીનગરમાં ઘણી જગ્યાઓ જોઈ, પરંતુ મેન્ટેનન્સ અને સુરક્ષાની સમસ્યાઓ હતી. ગિફ્ટ સિટીમાં મેન્ટેનન્સ ખૂબ સારું છે, સિક્યોરિટી હાઈ લેવલની છે અને આખું વાતાવરણ ક્લીન અને પ્રોફેશનલ લાગે છે. અહીં રહેતાં UK જેવી ફીલિંગ આવે છે. ‘એપ આધારિત સિક્યોરિટી છે, બાળકો માટે સલામત વાતાવરણ છે’ તેમણે ઉમેર્યું કે, અહીં એપ આધારિત સિક્યોરિટી છે, બાળકો માટે સલામત વાતાવરણ છે અને પ્રોફેશનલ લોકો રહેતાં હોવાથી શાંતિપૂર્ણ માહોલ રહે છે. અમે અહીં 50 હજાર રૂપિયા ભાડું ચૂકવીએ છીએ, પરંતુ તેની સામે મળતી સુવિધાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની છે. ગાંધીનગરના અર્થતંત્રને નવી દિશા ગિફ્ટ સિટીના વિકાસ સાથે ગાંધીનગર હવે માત્ર રાજ્યની રાજધાની નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ઉભરતું બિઝનેસ અને અર્બન લિવિંગ હબ બની રહ્યું છે. આગામી વર્ષોમાં અહીં રહેણાંક, હોસ્પિટાલિટી, રિટેલ, મનોરંજન અને સર્વિસ સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકાણ થવાની સંભાવનાઓ છે. નિષ્ણાતોના મતે, ગિફ્ટ સિટીનો પ્રભાવ હવે માત્ર એક વિસ્તાર પૂરતો સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ગાંધીનગર અને આસપાસના આર્થિક માળખાને નવી દિશા આપશે.
Read Original Article →