વન નેશન, વન ઈલેકશન, JPCના સભ્યોની રાજકીય પક્ષો સાથે બેઠક:ગિફ્ટ સિટી ક્લબમાં મુખ્યમંત્રી અને ધારાસભ્યો સાથે મિટિંગ યોજશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વન નેશન, વન ઈલેકશન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે. ત્રણ દિવસ JPCના સભ્યો ગુજરાતમાં છે. આજે એટલે કે બીજા દિવસે મુખ્યમંત્રી અને ધારાસભ્યો સહિત રાજ્યના વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે બેઠક યોજશે. જ્યારે પહેલા દિવસે ગિફ્ટ સિટી ક્લબ ખાતે મિટિંગ યોજી હતી. ગુજરાતના સિનિયર અધિકારીઓ સાથેની બેઠકમાં જેપીસીના અધ્યક્ષે પ્રેઝેન્ટેશનને મોડલરૂપ ગણાવી કહ્યું કે અન્ય રાજ્યોને પણ આ રીતે જ પોઇન્ટ્સ તૈયાર કરવા કહીશું. વન નેશન, વન ઈલેકશન માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના અધ્યક્ષ તરીકે કાયદાવિદ પી.પી. ચૌધરી છે. તે સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદો મળીને કૂલ 39 સભ્યો છે. માહિતી અનુસાર, કાયદાવિદ પી.પી. ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યરત JPCમાં કુલ 39 લોકસભા અને રાજ્યસભાના સાંસદો સામેલ છે. ગુજરાતનું પ્રેઝન્ટેશન મોડલરૂપ છે, અન્ય સરકારોને મોકલીશું: પી.પી.ચૌધરી
આ બેઠક સમિતિના અધ્યક્ષ પી.પી.ચૌધરીએ ગુજરાત સરકારના પ્રેઝન્ટેશનની પ્રશંસા કરતાં કહ્યું કે આવું સંકલિત અને તમામ મુદ્દાઓ આવરી લેતું પ્રેઝન્ટેશન અમે પહેલી વખત જોયું છે.હું ચીફ સેક્રેટરી અને તેની આખી ટીમની પ્રશંસા કરીશ કે પહેલીવાર અમને જે પ્રેઝન્ટેશન મળ્યું તેમાં ઘણાં એવા પોઇન્ટ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જે અમારી સામે પહેલા ક્યારેય નહોતા આવ્યા. પરંતુ હવે અમારે જે ઇનપુટ મળ્યા છે તેમાં અમે કહ્યું તેને વધુ ઇમ્પ્રૂવ કરો. આ એક મોડલના રૂપમાં અમે સમગ્ર દેશની સરકારોને મોકલીશું કે, આ રીતે તમે પોતાના રિપોર્ટ તૈયાર કરો. તમામ રાજકીય પક્ષોને ચર્ચા માટે આમંત્રણ
સમિતિએ 20 મે, 2026ના રોજ તમામ રાજકીય પક્ષોને તેમના અભિપ્રાય રજૂ કરવા આમંત્રિત કર્યા છે. આ મુદ્દે ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત ભાજપ સંપૂર્ણપણે એક રાષ્ટ્ર-એક ચૂંટણીના સમર્થનમાં છે.” જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, “કોંગ્રેસ આ મુદ્દે પોતાનો અભિપ્રાય રજૂ કરશે. આ લોકોના અધિકારો પર અસર કરતો મુદ્દો છે અને અમારી તમામ ચિંતાઓ સમિતિ સમક્ષ મૂકાશે.” એક દેશ, એક ચૂંટણી શું છે?
ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. એક દેશ, એક ચૂંટણીનો મતલબ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી. તેનો અર્થ એ છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે તેમના મત આપશે. આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં, ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. તે પછી ડિસેમ્બર 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ. 'વન નેશન-વન ઈલેક્શન' પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક પેનલની રચના કરવામાં આવી હતી. આ પેનલે હિતધારકો-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અને 191 દિવસના સંશોધન બાદ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. કોવિંદ પેનલનાં 5 સૂચન આગામી લોકસભા ચૂંટણી, એટલે કે 2029 સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવો જોઈએ. ત્રિશંકુ વિધાનસભા (કોઈની પાસે બહુમતી નથી) અને અવિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં બાકીની 5-વર્ષની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે. પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થઈ શકે છે, ત્યાર બાદ બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી થઈ શકે છે. ચૂંટણીપંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદારયાદી અને મતદાર ઓળખકાર્ડ તૈયાર કરશે. કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની ભલામણ કરી છે. સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વ થશે તો 2029માં લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણી સાથે થઈ શકે
અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ ’વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દે 18,626 પાનાનો વિશાળ અહેવાલ તૈયાર કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો હતો. તેના આધારે બંધારણમાં નવી કલમ 82-એ ઉમેરવા માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. જો સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને બંધારણીય સુધારો અમલમાં આવશે, તો વર્ષ 2029થી લોકસભા અને દેશની તમામ વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાઈ શકે છે. 16 મે, 2026ના રોજ કર્ણાટકમાં શું કર્યું?
વન નેશન વન ઇલેક્શનને લઈ 16 મેના રોજ જીપીસીના સભ્યો કર્ણાટક પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ અને ભાજપ-JDSના ગઠબંધને એક સાથે ચૂંટણી કરવાના પ્રસ્તાવિત બંધારણીય સંશોધન અંગે વિચારણા કરી હતી. જો કે આ દરમિયાન શાસક અને વિપક્ષે વિપરિત વલણ અપાવ્યું હતું. કર્ણાટક ભાજપ અને જેડીએસએ એક સાથે ચૂંટણી કરવાની વાતનું સમર્થન કર્યું હતું. બીજી તરફ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમારે કહ્યું કે, આ સંઘીય વ્યવસ્થાને નબળી પાડવાના ઉદ્દેશથી લેવામાં આવેલું રાજનીતિ પ્રેરિત પગલું છે. ગયા વર્ષે JPCએ મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડની મુલાકાત કરી હતી
કમિટિએ ગયા વર્ષે 17-18 મે, 2025ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત કરી હતી. ત્યાંના મુખ્યમંત્રી, રાજકીય પક્ષો, અધિકારીઓ, બેંક, જાહેર ક્ષેત્રના એકમો તેમજ રેગ્યુલેટરી સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી. કમિટિનો હેતુ એ સમજવાનો હતો કે ચૂટંણી કરાવવામાં તંત્રીની કામગીરી તેમજ ખર્ચ પર શું અસર પડી શકે છે. ઉત્તરાખંડમાં શું કર્યું?
કમિટિએ ગયા વર્ષે 19-21 મે 2025 વચ્ચે ઉત્તરખંડની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી પુષ્કર ધામી, અધિકારીઓ તેમજ વિવિધ સંગઠનો સાથે ચર્ચા કરી હતી.
- મુખ્યમંત્રી પુષ્કર ધામી ધામીએ કહ્યું હતું કે વારંવાર ચૂંટણી થવાથી છેલ્લા 3 વર્ષમાં અંદાજે 175 દિવસ આચાર સંહિતા રહી હતી, જેના કારણે સરકારી કામ પ્રભાવિત થયું હતું.
- ધામીએ દાવો કર્યો હતો કે જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે થાય તો 30-35% સુધીનો ખર્ચ બચી શકે છે.
- તેમણે એ પણ કહ્યું હતું કે પહાડી વિસ્તાર ધરાવતા રાજ્યમાં વારંવાર ચૂંટણી કરાવવા મુશ્કેલ હોય છે. કેમ કે ચારધામ યાત્રા, વરસાદ અને કઠીન ભૌગોલિક પરિસ્થિતઓના કારણે ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય છે. JPCનો રિપોર્ટ ક્યારે સબમિટ કરાશે?
JPCએ 2026ના ચોમાસુ સત્રના છેલ્લા સપ્તાહના પહેલા દિવસ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો છે. JPCની રિપોર્ટ પછી સંસંદમાં આગળ ચર્ચા અને વોટિંગ થશે. એક રાષ્ટ્ર-એક ચૂંટણી: અત્યાર સુધી શું શું થયું?
2 સપ્ટેમ્બર 2023: ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી
14 માર્ચ, 2024: રામનાથ કોવિંદ સમિતિએ 18,626 પેજનો વિગતવાર અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો
18 સપ્ટેમ્બર, 2024: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રામનાથ કોવિંદ સમિતિની ભલામણોને સત્તાવાર મંજૂરી આપી
17 ડિસેમ્બર, 2024: કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન મેઘવાલે લોકસભામાં સુધારો સૂચવતુ બિલ રજૂ કર્યું
20 ડિસેમ્બર, 2024: બિલમાં સુધારા માટે બીજેપી સાંસદ પી.પી.ચૌધરીની અધ્યક્ષતામાં 39 સભ્યોની જેપીસીની રચના કરાઈ
17-18 મે, 2025: JPCએ મહારાષ્ટ્ર રાજ્યની મુલાકાત લઈ સીએમ,તમાત પક્ષના નેતા તેમજ અધિકારીઓ સાથે મુલાકાત કરી
19-21 મે 2025: JPCએ ઉત્તરખાંડના સીએમ પુષ્કર ધામી તેમજ અન્ય નેતાઓ સાથે વાતચીત કરી સૂચના માગ્યા
16 મે, 2026: JPCના સભ્યો કર્ણાટક પહોંચ્યા, શાસક-વિપક્ષના નેતાઓને મળી તેમની રજૂઆત સાંભળી
Read Original Article →