ગીર સોમનાથ બાદ ગુજરાતના વધુ 7 સબસ્ટેશનમાં STATCOM લાગશે:ખેડૂતો અને ઉદ્યોગોને મળશે વધુ સ્થિર વીજ પુરવઠો, GETCOની અદ્યતન ટેક્નોલોજીથી ગ્રીડ બનશે સ્માર્ટ
એક સમયે વીજ અછત માટે ઓળખાતું ગુજરાત આજે દેશના ઊર્જા ક્ષેત્રમાં અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. હવે રાજ્ય સરકારે પાવર ગ્રીડને વધુ આધુનિક અને મજબૂત બનાવવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ટીંબડી સબસ્ટેશન ખાતે સફળતાપૂર્વક કાર્યરત કરાયેલા અદ્યતન STATCOM બાદ હવે રાજ્યના વધુ 7 મહત્વપૂર્ણ સબસ્ટેશન ખાતે આ ટેક્નોલોજી સ્થાપિત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ગીર સોમનાથના ટીંબડીમાં મળેલી સફળતા બાદ હવે રાજ્ય સરકારે થરાદ, દિયોદર, સાગપરા, ખેરાલુ, કુકમા, ધ્રાંગધ્રા અને આવનારા 400 kV ધોલેરા-2 સબસ્ટેશન ખાતે ±125 MVAR ક્ષમતાવાળા નવા STATCOM સ્થાપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ - વીજ પુરવઠો જાળવી રાખે
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા અમલમાં મુકાયેલી STATCOM સિસ્ટમને ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ તરીકે ઓળખવામાં આવે છે. આ સિસ્ટમ ગ્રીડમાં થતી વોલ્ટેજની વધઘટને તરત નિયંત્રિત કરીને સતત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો જાળવી રાખે છે. પ્રથમ સબસ્ટેશન ગીર સોમનાથમાં
રાજ્યનું પ્રથમ ±120 MVAR ક્ષમતાવાળું STATCOM 5 માર્ચ 2019ના રોજ ગીર સોમનાથ જિલ્લાના 220 kV ટીંબડી સબસ્ટેશન ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું. તેની સાથે જ GETCO ભારતની STATCOM ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી બની હતી. રિયલ-ટાઇમમાં રિએક્ટિવ પાવરનું સંચાલન કરીને વોલ્ટેજ સંતુલિત રાખે
ગુજરાતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં વીજળીની માંગમાં સતત વધઘટ રહેતી હોવાથી ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા જાળવવી પડકારરૂપ બની રહી હતી. ટીંબડી વિસ્તારમાં સિંગલ સર્કિટ લિંક અને નજીકમાં વીજ ઉત્પાદનના સ્ત્રોત ન હોવાને કારણે વોલ્ટેજમાં ભારે ઉતાર-ચઢાવ થતો હતો. પીક સમય દરમિયાન વોલ્ટેજ 190 kV સુધી ઘટતું હતું જ્યારે ચોમાસામાં માંગ ઓછી થતાં 245 kV સુધી વધી જતું હતું. આવી સ્થિતિમાં STATCOM દ્વારા રિયલ-ટાઇમમાં રિએક્ટિવ પાવરનું સંચાલન કરીને વોલ્ટેજ સંતુલિત રાખવામાં સફળતા મળી છે. આ વિસ્તારોમાં ખેડૂતોને મોટો લાભ
આ ટેક્નોલોજીથી ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ખેડૂતોને મોટો લાભ થયો છે. કૃષિ પંપ, ગ્રામ્ય વિસ્તારો અને ઉદ્યોગોને વધુ વિશ્વસનીય તથા સતત વીજ પુરવઠો મળી રહ્યો છે. સાથે જ ટ્રાન્સમિશન લોસમાં ઘટાડો, ઓવર-વોલ્ટેજ કંટ્રોલ અને સાધનોની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ છે. આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ ગુજરાતનું પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ આધુનિક બનશે અને રાજ્યમાં ગુણવત્તાસભર વીજ પુરવઠાને વધુ મજબૂતી મળશે.
Read Original Article →