જગદીશ વિશ્વકર્માના નિવેદન સામે કોંગ્રેસનો વિરોધ:ગેનીબેન ઠાકોર વિરુદ્ધ ટિપ્પણી મામલે માફીની માંગ સાથે ધરણા પ્રદર્શન, કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલા કથિત નિવેદનના વિરોધમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર નારેબાજી કરાઈ હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે જગદીશ વિશ્વકર્મા જાહેર માફીની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે કોંગ્રેસનો વિરોધ
થોડા દિવસો પૂર્વે એક જાહેર મંચ પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સાંસદ ગેનીબેન ઠાકોરને નિશાન બનાવીને કરેલી ટિપ્પણીથી ઠાકોર સમાજ અને કોંગ્રેસ પક્ષમાં રોષ ફેલાયો છે. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના કાર્યકરો જગદીશ વિશ્વકર્મા માફી માંગે તેવા લખાણ સાથેના બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે એકઠા થયા હતા. 'નિવેદન સ્ત્રી શક્તિનું અપમાન છે'
સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરી રહેલા આગેવાનોએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં ચૂંટાયેલા મહિલા લોકપ્રતિનિધિ વિશે મંત્રી કક્ષાની વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું નિવેદન અશોભનીય છે અને તે સ્ત્રી શક્તિનું અપમાન છે. આ વિરોધ પ્રદર્શનના અંતે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. 'દિલગીરી વ્યક્ત ન કરે તો આંદોલન રાજ્યવ્યાપી બનાવાશે'
કોંગ્રેસ દ્વારા આવેદન પત્રમાં ભાજપ પ્રદેશ પ્રમુખના વર્તનને વખોડી કાઢવામાં આવ્યું છે. અને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી આ બાબતે ગંભીર નોંધ લે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી વિશ્વકર્મા પોતાના નિવેદન બદલ દિલગીરી વ્યક્ત નહીં કરે ત્યાં સુધી આ આંદોલનને રાજ્યવ્યાપી બનાવવામાં આવશે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લામાં પૂતળા દહન અને ઘેરાવના કાર્યક્રમો પણ આપવામાં આવશે.
Read Original Article →