ગાંધીનગરના સેક્ટર-6ની સરકારી શાળામાંથી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો:મહેસાણાનો 27 વર્ષીય યુવાન બહેનના ઘરે રહેતો હતો, પોલીસે FSLની મદદ લીધી

Gujarat6/6/2026, 4:07:00 AM
ગાંધીનગરના સેક્ટર-6ની સરકારી શાળામાંથી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો:મહેસાણાનો 27 વર્ષીય યુવાન બહેનના ઘરે રહેતો હતો, પોલીસે FSLની મદદ લીધી
ગાંધીનગરમાં સેક્ટર-6 વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના પટાંગણમાંથી એક યુવાનનો મૃતદેહ ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અંદાજે 27 વર્ષીય યુવાનની લાશ લટકતી હોવાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની માહિતી મળતાં જ સેક્ટર-7 પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મોતનું રહસ્ય ઉકેલવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહેસાણાના પિલવાઈ ગામનો વતની હતો સ્થાનિક પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ જયદીપ રાજેશભાઈ સોલંકી તરીકે થઈ છે. 27 વર્ષીય જયદીપ મૂળ મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામનો વતની હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી તે ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં પોતાની બહેનના ઘરે રહીને મજૂરી કામ કરતો હતો. આ યુવાન કયા સંજોગોમાં રાત્રિના સમયે શાળાના પરિસરમાં પહોંચ્યો અને કયા કારણોસર તેણે આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. FSLની મદદથી પુરાવા એકત્ર કરાયા, પરિવારને જાણ કરાઈ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેક્ટર-7 પોલીસ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમની મદદ લેવામાં આવી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. યુવાનના પરિવારજનોને આ દુખદ ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે, જેમના આવ્યા બાદ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા પછી જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
Read Original Article →