ગાંધીનગરમાં આઈવા ટ્રકચાલકની ઠંડા કલેજે હત્યા:ખેતરમાંથી લોહી અને ઈજાના નિશાન સાથે લાશ મળી, પોલીસે 3 શકમંદને ઉઠાવ્યા; 3 સંતાને પિતાની છત્રછાયા ગુમાવી
ગાંધીનગર નજીક આવેલા રાંધેજા ગામમાં એક આઈવા ટ્રક ડ્રાઈવરની ગળું દબાવીને ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. રાંધેજા ગામના રેલવે ફાટક પાસે આવેલા એક પડતર બાવળ વાળા ખેતરમાંથી 36 વર્ષીય ટ્રકચાલક મગનજી ઉર્ફે મનોજ પ્રહલાદજી ઠાકોરનો લોહીલુહાણ દેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગળું દબાવીને આ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતાં પેથાપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટિફિન લઈને નોકરીએ નીકળ્યા અને સાંજે મૃતદેહ મળ્યો
મૃતક મગનજી ઠાકોરના પિતરાઈ ભાઈ રાહુલ ઠાકોરે પેથાપુર પોલીસ મથકે નોંધાવેલી સત્તાવાર ફરિયાદ મુજબ, મગનજી ઠાકોર આઈવા ટ્રક ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 3 જૂનના રોજ સવારે આશરે 8:00 વાગ્યે તેઓ રોજની જેમ ઘરેથી ટિફિન લઈને નોકરી પર જવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ સાંજના સમયે રાહુલને તેના ભાણા આઝાદસિંહ પરમારે ફોન પર આઘાતજનક જાણ કરી હતી કે, મગનજી ઠાકોર રાંધેજા ગામના રેલવે ફાટક પાસે આવેલા હુસેનભાઈ મનસુરીના ખેતરમાં મૃત હાલતમાં પડ્યા છે. રાહુલ સહિત પરિવારના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં મગનજી જમીન પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા હતા, તેમના મોઢામાંથી લોહી નીકળતું હતું અને ગળાની ડાબી બાજુએ લોહી જામી જવાથી કાળો લીસોટો પડી ગયો હતો. ઘટનાસ્થળેથી જ તેમનું ટિફિન અને ચપ્પલ પણ મળી આવ્યા હતા. પરિવાર પર આભ તૂટ્યું, ત્રણ સંતાને પિતા ગુમાવ્યાં
હત્યાની માહિતી મળતાં જ પેથાપુર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ કરુણ ઘટનાને કારણે મગનજીના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના પરિવારમાં પત્ની પાયલ, 2 દીકરા અને 1 દીકરી એમ ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પોલીસ દ્વારા 3 શકમંદોની અટકાયત
પોલીસ કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટૂંકા ગાળામાં જ તપાસનો ધમધમાટ શરૂ કરીને પોલીસે આ કેસમાં 3 શકમંદોની અટકાયત કરી તેમની આકરી પૂછપરછ શરૂ કરી દીધી છે. પકડાયેલા ત્રણેય શકમંદો પણ મૃતકની જેમ જ ટ્રક ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેથી વ્યવસાયિક અદાવત કે અન્ય કોઈ કારણસર હત્યા કરાઈ છે તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.
Read Original Article →