સેક્ટર-13માં છાપરામાં રહેતો રીઢો ચોર ઝડપાયો:રિક્ષા અને 93 હજારનો મુદ્દામાલ જપ્ત, આરોપી સામે અગાઉ 4 ગુના નોંધાયેલા
ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનની હદમાં બનતા ચોરીના બનાવને અટકાવવા અને અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સર્વેલન્સ સ્ક્વોર્ડ ધ્વારા પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે સેકટર 13 છાપરામાં રહી ચોરીના ગુનાને અંજામ આપનાર ચોરને 93 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બે ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. બાતમીના આધારે શખસને રિક્ષા સાથે ઝડપ્યો
ગાંધીનગર સેક્ટર 7 પોલીસની સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,એક શખ્સ ચોરીના સામાન સાથે શંકાસ્પદ રીતે ફરી રહ્યો છે.જેના પગલે પોલીસે સેક્ટર-13 બી નાની શોપિંગ તરફ જવાના રોડ પરથી શેખર ઉર્ફે શાહરૂખ દંતાણીને શંકાસ્પદ હાલતમાં રિક્ષા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. ચોરીના બે ગુનાને અંજામ આપ્યાની કબૂલાત
બાદમાં 24 વર્ષીય શેખર ઉર્ફે શાહરૂખની પૂછતાછ કરતાં તેની પાસેથી 40 હજારની કિંમતના બે મોબાઇલ, એક ગેસનો બાટલો અને 17 નંગ લોખંડની એંગલો મળી આવી હતી. જે બાબતે ક્રોસ વેરિફિકેશન કરતા સેકટર 7 પોલીસ મથકની હદ વિસ્તારમાં તેણે ચોરીના બે ગુનાને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત તેનો ગુનાહિત ઈતિહાસ તપાસતા તેના વિરુદ્ધ સેક્ટર-7, ઇન્ફોસીટી અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ચોરી તથા અન્ય કલમો હેઠળ કુલ 4 ગુના દાખલ થયા હોવાનો પણ ડેટા મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે રીઢા ચોર શેખર ઉર્ફે શાહરૂખની કુલ રૂ.93,500 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →