નિવૃત્તિના કાઉન્ટડાઉન વચ્ચે DDOનો બદલી બોમ્બ:જિલ્લામાં 27 પૈકી 19 તલાટીઓની 13 દિવસમાં બીજી વાર બદલીથી વહીવટી તંત્રમાં ખળભળાટ, ચર્ચાઓનું બજાર ગરમ

Gujarat5/26/2026, 5:04:22 PM
નિવૃત્તિના કાઉન્ટડાઉન વચ્ચે DDOનો બદલી બોમ્બ:જિલ્લામાં 27 પૈકી 19 તલાટીઓની 13 દિવસમાં બીજી વાર બદલીથી વહીવટી તંત્રમાં ખળભળાટ, ચર્ચાઓનું બજાર ગરમ
ગાંધીનગર જિલ્લાના વહીવટી તંત્રમાં હાલ બદલીઓના મામલે ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ નિવૃત્તિના આરે ઉભેલા જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ દ્વારા કરવામાં આવેલી અણધારી બદલીઓએ કર્મચારીઓમાં આશ્ચર્ય સાથે ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ સર્જ્યો છે. તાજેતરમાં 27 તલાટીઓની કરવામાં આવેલી બદલીના આ આદેશોએ કર્મચારી આલમમાં ચર્ચાનું કેન્દ્ર જમાવ્યું છે. કારણ કે આ યાદીમાં સમાવિષ્ટ 19 તલાટીઓ એવા છે જેમને માત્ર 13 દિવસ પૂર્વે જ અન્યત્ર બદલી કરવામાં આવી હતી. ફરીથી 27 તલાટીઓની બદલીનો નિર્ણય આ સમગ્ર મામલાની વાત કરીએ 12 મેના રોજ 85 જેટલા તલાટીઓની આંતરિક બદલીઓના આદેશો છૂટ્યા હતા. તે સમયે જેમને પોતાની ઈચ્છા મુજબના સ્થળ મળ્યા હતા તેઓ ખુશ હતા. પરંતુ અચાનક આવેલી આ નવી યાદીએ અનેક તલાટીઓમાં આંતરિક રોષ પણ જન્માવ્યો છે. આ બદલીને લઈને મળેલી વિવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારીએ ગઈકાલે ફરીથી 27 તલાટીઓની બદલીનો નિર્ણય લેતા જૂની યાદીના 19 કર્મચારીઓ ફરી એકવાર સ્થળાંતરના આદેશો હેઠળ આવી ગયા છે. 11 જેટલા મદદનીશ ઈજનેરો અને અધિક મદદનીશ ઈજનેરોની પણ બદલી આ નિર્ણયો ખાસ કરીને એટલા માટે ચર્ચામાં છે કારણ કે જિલ્લા વિકાસ અધિકારી પોતે આગામી ચાર જ દિવસમાં નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિના ટૂંકા ગાળા પૂર્વે લેવાયેલા આ નિર્ણયોએ કર્મચારી વર્ગમાં અનેક તર્કવિતર્કો સર્જ્યા છે. તલાટીઓ ઉપરાંત થોડા દિવસો પહેલા 11 જેટલા મદદનીશ ઈજનેરો અને અધિક મદદનીશ ઈજનેરોની પણ બદલી કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર તાલુકાના પાંચ ઈજનેરોની તાલુકાની અંદર જ આંતરિક ફેરબદલી કરવામાં આવી હતી. જ્યારે અન્ય 6 એન્જિનિયરોને એક તાલુકામાંથી બીજા તાલુકામાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર એક જ જગ્યાએ વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને નવી કાર્યક્ષમતા અને વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે.
Read Original Article →