ગાંધીનગરમાં ઇન્ફોસિટી બાદ હવે SOG કચેરી બનશે સ્માર્ટ:સોલાર સિસ્ટમ, કમ્પ્યુટર-ઇન્વેસ્ટિગેશન રૂમ અને ડાઇનિંગ એરિયાથી સજ્જ થશે નવી કચેરી, 50 લાખના ખર્ચે અપાશે કોર્પોરેટ લૂક
ગુજરાતના પાટનગર ગાંધીનગરની પોલીસના ચહેરા અને મોહરા હવે ઝડપથી બદલાઈ રહ્યા છે. દાયકાઓ જૂની સરકારી ઈમારતોમાં ધૂળ ખાતી ફાઈલો અને અવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા વચ્ચે કામ કરતા પોલીસ તંત્રને હવે આધુનિકતાનો સ્પર્શ મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના નેતૃત્વમાં પોલીસની કાર્યશૈલીમાં એક મોટો પોઝિટિવ બદલાવ આવ્યો છે. માત્ર ખાખીનો દબદબો જ નહીં પણ પોલીસ મથકોને સ્માર્ટ અને હાઈટેક બનાવવાની દિશામાં શરૂ થયેલા આ મિશનમાં હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની કચેરીનો પણ વનવાસ પૂર્ણ થવા જઈ રહ્યો છે. SOG માટે આશરે 50 લાખ રૂપિયાના ખર્ચે કોર્પોરેટ લુક ધરાવતા હાઇટેક પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરંપરાગત ઢબ છોડી કોર્પોરેટ કલ્ચર તરફ પ્રયાણ
ગાંધીનગર પોલીસમાં હાલ એક નવી અને સકારાત્મક લહેર જોવા મળી રહી છે. જિલ્લા પોલીસ વડાએ પદભાર સંભાળ્યા બાદ જે રીતે પોલીસ મથકોના આધુનિકીકરણ પર ભાર મૂક્યો છે તે જોતા સ્પષ્ટ થાય છે કે ગાંધીનગર પોલીસ હવે પરંપરાગત પદ્ધતિઓ છોડીને કોર્પોરેટ કલ્ચર તરફ ગતિ કરી રહી છે. રાજ્યના પ્રથમ 12 માળના હાઈરાઈઝ સ્માર્ટ મોડલ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સીના ભૂમિ પૂજન બાદ હવે ગાંધીનગરનું પોલીસ તંત્ર વધુ એક આધુનિક સિદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. સેક્ટર-30 ખાતે આશરે બે દાયકાથી જૂની કોર્ટ પાસેના જર્જરિત સરકારી આવાસમાં કાર્યરત SOGની કચેરી હવે ટૂંક સમયમાં અદ્યતન કોર્પોરેટ શૈલીની ઓફિસમાં ફેરવાઈ જશે. લોકભાગીદારીના સહયોગથી યુદ્ધના ધોરણે કામગીરી
છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યાએ કાર્યરત SOG માટે આ ફેરફાર એક પ્રકારનો વનવાસ પૂર્ણ થવા સમાન છે. હાલમાં સેક્ટર-30 પોસ્ટ ઓફિસની સામે આવેલી જૂની પોલીસ ચોકીનું મેક ઓવર કરી તેને અત્યાધુનિક પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે. અંદાજિત 50 લાખ રૂપિયાથી વધુના ખર્ચે લોકભાગીદારીના સહયોગથી આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. નવા આર્કિટેક્ચરલ લે-આઉટ પ્લાન મુજબ આ કચેરીને માત્ર સુવિધાસભર જ નહીં પણ ગુપ્તતા અને કાર્યક્ષમતાના માપદંડોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોર્પોરેટ લે-આઉટ
નવીન બિલ્ડિંગમાં પ્રવેશતા જ મુલાકાતીઓ માટે 17'8" x 11'4" ફૂટની વિશાળ અને સુવ્યવસ્થિત એન્ટ્રન્સ લોબી તૈયાર કરવામાં આવશે. બે પોલીસ ઈન્સ્પેક્ટરો (PI) માટે અત્યાધુનિક બે કેબિન તૈયાર થશે, જેમાં સોફા સેટ સહિતની સુવિધાઓ હશે. આ ઉપરાંત 16'1" x 16'7" ફૂટના બે વિશાળ સેન્ટ્રલ કેબિન પણ બનાવાશે, જેમાં એક વિશેષ ફિલ્ડ ઓફિસર કેબિન હશે જે ફિલ્ડ સોર્સ અને ઇન્વેસ્ટિગેશનના મોનિટરિંગ માટે મુખ્ય કેન્દ્ર બનશે. સ્ટાફના કામકાજ માટે મલ્ટિપલ વર્કિંગ ટેબલ્સ એવી રીતે ગોઠવવામાં આવશે જેથી ડિજિટલ કામગીરી અને ફાઈલ વર્ક ઝડપી બને. આ પ્લાનમાં ગુપ્ત ઓપરેશન્સ અને વહીવટી કામકાજ વચ્ચે યોગ્ય સંતુલન જળવાય તેવું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવીન પોલીસ સ્ટેશનની મુખ્ય વિશેષતાઓ: પોલીસ જવાનોના મનોબળમાં થશે વધારો
આગામી બે મહિનામાં જ્યારે આ હાઈટેક ઓફિસ તૈયાર થઈ જશે ત્યારે તે ગાંધીનગર પોલીસ માટે એક નવું સીમાચિહ્ન સાબિત થશે. આધુનિક ઓફિસનું વાતાવરણ પોલીસ કર્મીઓની કાર્યક્ષમતામાં ચોક્કસપણે વધારો કરશે. જિલ્લા પોલીસ વડાના આ વિઝનને કારણે ગુનાખોરી પર અંકુશ મેળવવાની સાથે સાથે પોલીસ તંત્રની છબી પણ વધુ સજ્જ અને સ્માર્ટ બનશે. આમ, ગાંધીનગર પોલીસના આ સ્માર્ટ ટ્રાન્સફોર્મેશનથી પોલીસ જવાનોના મનોબળમાં પણ વધારો થયો છે અને નવી પેઢીના પોલીસ સ્ટેશનો હવે રાજ્યભરમાં એક મોડેલ તરીકે ઉભરી રહ્યા છે.
Read Original Article →