હેરીયર કાર અને દીવાલ વચ્ચે દબાઈ જતા કારીગરનું મોત:ગાંધીનગરના સર્વિસ સેન્ટરમાં કંપારી છોડાવી દેનારો અકસ્માત સર્જાયો

Gujarat5/21/2026, 3:06:44 PM
હેરીયર કાર અને દીવાલ વચ્ચે દબાઈ જતા કારીગરનું મોત:ગાંધીનગરના સર્વિસ સેન્ટરમાં કંપારી છોડાવી દેનારો અકસ્માત સર્જાયો
ગાંધીનગરના સેક્ટર- 28 GIDCમાં આવેલી ટાટા મોટર્સના હરસોલિયા સર્વિસ સેન્ટર ખાતે આજે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં 19 વર્ષીય યુવાન કારીગરનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સર્વિસ સેન્ટરમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં પોલીસે મૃતકના પોસ્ટમોટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. રેમ્પ પરથી કાર ઉતારતી સમયે અકસ્માત સર્જાયો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર , મહુદ્રા ગામનો વતની 19 વર્ષીય સાહિલ મનીષજી ઠાકોર અહીંના સર્વિસ સેન્ટરમાં કારીગર તરીકે ફરજ બજાવતો હતો. આજે સર્વિસ સેન્ટરમાં ટાટા હેરિયર કાર સર્વિસ માટે આવી હતી.ત્યારે તેને રેમ્પ પર ચઢાવીને રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સાહિલ રેમ્પની સામેની બાજુએ બેસીને કામ કરી રહ્યો હતો. તે સમયે જ બીજા એક કારીગરે રેમ્પ પર રહેલી હેરિયર કાર નીચે ઉતારી હતી. એ સમયે કારીગરે અચાનક કોઈ કારણસર કાર પૂરઝડપે હંકારી મૂકતા સાહિલ જે દીવાલ પાસે બેસીને કામ કરી રહ્યો હતો તે દીવાલ અને કારની વચ્ચે સાહિલ આવી ગયો હતો. કારની ગતિ એટલી તેજ હતી કે સાહિલને સંભાળવાનો પણ મોકો મળ્યો નહોતો અને તે કાર અને દીવાલ વચ્ચે જોરદાર રીતે કચડાઈ ગયો હતો. દીવાલ અને કાર વચ્ચે ફસાઈ જતા મોત આ ઘટના બનતાની સાથે જ સર્વિસ સેન્ટરમાં કામ કરતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાહિલને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને સર્વિસ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અને સંચાલકોની બેદરકારી અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ અંગેની જાણ સેકટર 21 પોલીસ મથકના એએસઆઈ હરેન્દ્રસિંહ સહિતની ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાનની અકાળે વિદાયથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, કાર હંકારી રહેલા કારીગરની પૂછપરછ અને સર્વિસ સેન્ટરના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Read Original Article →