ગાંધીનગર RTOનો નવો ફિયાસ્કો:અત્યાધુનિક ટુવ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ટેક્નિકલ ખામીથી ત્રણ દિવસ માટે ઠપ્પ, ફોર વ્હીલર ટેસ્ટ ચાલુ રહેશે

Gujarat6/3/2026, 3:04:08 PM
ગાંધીનગર RTOનો નવો ફિયાસ્કો:અત્યાધુનિક ટુવ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ટેક્નિકલ ખામીથી ત્રણ દિવસ માટે ઠપ્પ, ફોર વ્હીલર ટેસ્ટ ચાલુ રહેશે
ગાંધીનગર સ્થિત આરટીઓ (RTO) કચેરી ફરી એકવાર વહીવટી નિષ્ફળતા અને અણઘડ આયોજનને કારણે વિવાદોના વમળમાં ફસાઈ છે. ડિજિટલાઇઝેશન અને આધુનિકીકરણના મોટા-મોટા દાવાઓ વચ્ચે RTO ખાતે ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ લેવા માટે બનાવવામાં આવેલો અત્યાધુનિક સેન્સર આધારિત ઓટોમેટેડ ટેસ્ટિંગ ટ્રેક અચાનક ટેકનિકલ સમસ્યા સામે ઘૂંટણિયે પડી ગયો છે. આ આકસ્મિક ખામીને પગલે તંત્ર દ્વારા ટ્રેકને સત્વરે કાર્યરત કરવા મેન્ટેનન્સના નામે આગામી ત્રણ દિવસ સુધી ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેને કારણે લાયસન્સ કઢાવવા માંગતા સેંકડો અરજદારો અટવાયા છે. રોજ આશરે 75 અરજદારોને ‘ધરમનો ધક્કો’ અત્યાધુનિક ગણાતા આ સેન્સર ટ્રેકમાં સર્જાયેલી ખામીને કારણે દરરોજ કચેરીએ આવતા સેંકડો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ આકસ્મિક વહીવટી ખોરંભે ચડવાના કારણે દૈનિક અંદાજે 75 જેટલા અરજદારોને ધરમનો ધક્કો ખાવો પડ્યો છે. તંત્રની કથિત નિષ્ક્રિયતાને કારણે હવે મેન્ટેનન્સના બહાને આગામી શનિવાર, 6 જૂન સુધી આ ટ્રેક સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે, જેને પગલે દૂર-દૂરથી આવેલા અરજદારોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. એપોઇન્ટમેન્ટ રીશેડ્યૂલ કરવી પડશે, લોકોનો સમય વેડફાશે આ ટેકનિકલ ખામીની સૌથી મોટી આડઅસર એવા અરજદારો પર પડી છે જેમણે અગાઉથી મહિનાઓ સુધી રાહ જોયા બાદ આ દિવસોની કિંમતી એપોઈન્ટમેન્ટ મેળવી હતી. જોકે, RTO પ્રશાસને આ એપોઈન્ટમેન્ટને આગામી અઠવાડિયામાં રીશેડ્યૂલ (નવી તારીખ આપવાનું) કરવાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ આ સરકારી પ્રક્રિયામાં પણ સામાન્ય નાગરિકોનો કિંમતી સમય અને મજૂરી વેડફાશે તે નક્કી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ પ્રકારની ટેકનિકલ ખામીઓ વારંવાર સામે આવતી હોવા છતાં તંત્ર દ્વારા તેનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. સોમવારે ટ્રેક શરૂ થવા સામે પણ અનિશ્ચિતતા રાહતની વાત માત્ર એટલી છે કે RTO કચેરીના ફોર-વ્હીલર (ચાર પૈડા વાળા વાહનો) માટેના ટેસ્ટ ટ્રેક રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા છે. પરંતુ ટુ-વ્હીલર વિભાગમાં સર્જાયેલી આ અરાજકતાએ RTOની કાર્યક્ષમતા અને કરોડોના ખર્ચે બનેલી ટેકનોલોજીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શનિવાર સુધી ટ્રેક બંધ રહ્યા બાદ રવિવારની સત્તાવાર રજા આવશે, જેથી સોમવારે પણ આ ટ્રેક નિયમિત શરૂ થશે કે કેમ તે બાબતે વહીવટી તંત્ર મૌન હોવાથી ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. હાલ તો અગવડતાના ભોગ બનેલા લાચાર અરજદારો પાસે તંત્રની આ લાપરવાહી સહન કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.
Read Original Article →