ગાંધીનગર મનપાની આવતીકાલે સામાન્ય સભા મળશે:સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 અને ફાયર ઓફિસરના નિયમો બદલાશે, પબ્લિસિટી પોલિસી સુધારા સહિતના મહત્વના નિર્ણયો લેવાશે
ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય સભાની મીટિંગ આવતીકાલે બુધવારના રોજ બપોરે 12 કલાકે સેકટર-17 સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવનના ચોથા માળે આવેલા સભાખંડમાં યોજાશે. આ સભામાં શહેરના વિકાસ અને વહીવટી પ્રક્રિયાને વેગ આપતા કુલ 7 મહત્વના પ્રસ્તાવો પર ચર્ચા-વિચારણા કરીને આખરી નિર્ણય લેવામાં આવશે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તબક્કા-3ની કામગીરી પર મહોર
ગાંધીનગર મહાનગરપાલિકાની આવતીકાલે મળનારી સભાની કાર્યસૂચિમાં મુખ્યત્વે શહેરના ટાઉન પ્લાનિંગ પ્રોજેક્ટ્સ છવાયેલા રહેશે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ મુસદ્દારૂપ નગર રચના યોજના નં. 20 કોબા સંદર્ભે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તબક્કા-3 થી આગળની કામગીરી પર મહોર વાગી શકે છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા તૈયાર કરાયેલા આયોજનને ધ્યાને રાખીને કામચલાઉ પુન:રચનાની દરખાસ્ત અંગે કમિશનર તરફથી મળેલી ભલામણને મંજૂરી આપવામાં આવશે. જેને ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ સમિતિએ ગત 4 એપ્રિલના રોજ મંજૂર કરી હતી. ટીપી સ્કીમમાં ફેરફાર કરવાની દરખાસ્તોને સભા મંજૂર કરાશે
આ ઉપરાંત ટીપી સ્કીમ નં. 28 સરગાસણ-પોર-કુડાસણની પ્રારંભિક યોજનાના નિર્ણયો જાહેર કરતા પહેલાં નગર રચના અધિકારી દ્વારા રજૂ કરાયેલી 26 મે 2025 વાળી ફેર દરખાસ્ત પર પરામર્શ આપવાની કમિશનરની ભલામણને મંજૂર કરાશે. સાથોસાથ મુસદ્દારૂપ ટીપી સ્કીમ નં. 41 પેથાપુરની કામચલાઉ પુન:રચનાની દરખાસ્તમાં રોડ તેમજ સત્તામંડળને હસ્તગત થતાં જાહેર હેતુના અંતિમખંડો પરત્વે કમિશનરની ભલામણ અને ટીપી સ્કીમ નં. 61 ખોરજ-ખોડીયારની આખરી યોજનામાં ફાઈનલ પ્લોટ નંબર 50, 103 અને 105 માં ફેરફાર કરવાની દરખાસ્તોને પણ સભા સમક્ષ મંજૂરી અર્થે મુકવામાં આવશે. પબ્લિસિટી પોલિસી સુધારા સહિતના મહત્વના નિર્ણયો લેવાશે
આ સિવાય વહીવટી અને નીતિગત નિર્ણયોની વાત કરીએ તો હાઈકોર્ટના સૂચન અન્વયે મનપાની આઉટડોર પબ્લિસિટી પોલીસી-2024 માં કરવાના થતા સુધારા અંગે કમિશનર તરફથી આવેલી ભલામણ પર આ સામાન્ય સભામાં આખરી મંજૂરીની મહોર મારવામાં આવશે. આ દરખાસ્તને સ્થાયી સમિતિ દ્વારા ગત 13 માર્ચના રોજ ઠરાવથી સ્વીકારવામાં આવી હતી. બીજા એક મહત્વના નિર્ણયમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ફાયર ઓફીસર, વર્ગ-2 સંવર્ગની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવા અંગે કમિશનર તરફથી આવેલી ભલામણને પણ બહાલી આપવામાં આવશે. સભાની શરૂઆતમાં સર્વપ્રથમ ગત તા. 17 માર્ચના રોજ મળેલી સભાના પ્રોસીડીંગ્સને મંજૂરી આપીને આગળની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read Original Article →