તસ્કરોની ઢસડી-ઢસડી ને માર્યા, અધમૂઆ થઈ ગયાં, VIDEO:ગાંધીનગરમાં રામદેવપીર મંદિરમાં ત્રાટકેલી રાજસ્થાનની ગેંગને લોકોએ રંગેહાથ દબોચી; ભગવાનના આભૂષણો-રોકડ જપ્ત
ગાંધીનગરના ઝુંડાલ ગામમાં સ્થાનિક યુવાનો અને ગ્રામજનોની સતર્કતાને કારણે એક મોટી ચોરીનો ગુનો બનતા અટકી ગયો છે. ગામના તળાવ કિનારે આવેલા ઐતિહાસિક રામદેવપીર મંદિરમાં મોડી રાત્રે ત્રાટકેલી ત્રણ સભ્યોની શાતિર તસ્કર ગેંગને સ્થાનિકોએ ચોરીનો મુદ્દામાલ સમેટીને નાસી છૂટે તે પહેલાં જ રંગેહાથ દબોચી લીધી હતી. પકડાયેલા ચોરોએ ભાગવા માટે હુમલો કરવાનો પ્રયાસ કરતાં એકઠા થયેલા ગ્રામજનોએ તેમને બરોબરનો મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ તસ્કર ગેંગ રાજસ્થાનના ઉદયપુર તરફની હોવાનું બહાર આવ્યું છે. આરતી બાદ પૂજારી ઘરે ગયા અને તસ્કરો ત્રાટક્યા
મંદિરમાં છેલ્લા 22 વર્ષથી સેવા-પૂજા કરતા શૈલેષભાઇ કનુભાઇ દવે દ્વારા આ મામલે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર, ગત તારીખ 22 મેના રોજ રાત્રે 08:00 વાગ્યે નિત્યક્રમ મુજબ આરતી-પૂજા પૂર્ણ કરીને તેઓ મંદિરના મુખ્ય દરવાજાને લોક મારીને પોતાના ઘરે ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રે ત્રણ તસ્કરો મંદિરના દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ ગર્ભગૃહમાં જઈને મૂર્તિ પર ચઢાવેલો આશરે 100 ગ્રામ વજનનો અને સોનાનો ઢોળ ચઢાવેલો ચાંદીનો મુગટ (અંદાજિત કિંમત ₹25,000), બગસરાનો હાર, ગીલેટનું કડું તેમજ અન્ય પરચૂરણ માલસામાન ચોરીને પોતાના થેલામાં ભરી લીધો હતો. દાનપેટી તોડવાનો અવાજ આવતાં તળાવ કિનારે બેઠેલા યુવાનો દોડ્યા
આભૂષણોની ચોરી કર્યા બાદ તસ્કરોએ મંદિરમાં રાખેલી લોખંડની દાનપેટી તોડવા માટે સાધનો વડે પ્રહારો શરૂ કર્યા હતા. તે સમયે મંદિરની નજીક આવેલા તળાવ કિનારે ગામના કેટલાક સ્થાનિક યુવાનો બેઠા હતા. રાત્રિના નીરવ શાંતિના માહોલમાં મંદિરમાંથી દાનપેટી તોડવાનો શંકાસ્પદ અવાજ આવતાં જ યુવાનો સતર્ક થઈ ગયા હતા. તેઓ બિલ્લીપગે મંદિર નજીક પહોંચ્યા અને બારીમાંથી જોતાં ત્રણ ચોરો દાનપેટી તોડતા નજરે પડ્યા હતા. બહાદુર યુવાનોએ તાત્કાલિક અંદર ધસી જઈને ત્રણેય ચોરોને ચારેય તરફથી ઘેરીને દબોચી લીધા હતા. ગામમાં વાત વાયુવેગે પ્રસરતાં લોકટોળું ઉમટ્યું, LCB દ્વારા તપાસ શરૂ
પકડાઈ ગયેલા ત્રણેય તસ્કરોએ યુવાનો પર હુમલો કરી ત્યાંથી નાસી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેના પગલે યુવાનોએ તેમને કાબૂમાં લીધા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે આખા ગામમાં પ્રસરી જતાં મોટી સંખ્યામાં ગ્રામજનો લાકડીઓ સાથે મંદિર ખાતે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તસ્કરોની તલાશી લેતાં તેમના થેલામાંથી ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. હાલ એલસીબીની ટીમે પકડાયેલા રાજસ્થાનના તસ્કરોની સઘન પૂછપરછ શરૂ કરી છે કે તેઓ અગાઉ અન્ય કેટલા ગુનામાં સંડોવાયેલા છે.
Read Original Article →