અડાલજ, કલોલ અને ટ્રાફિક શાખામાં નવા પોલીસ ઈન્સ્પેકટરોની નિમણૂક:ઇન્ફોસિટી PI તરીકે વિશાલ શાહને મૂકાયા, સીઆઈડી ક્રાઈમમાં એસ.જી. દેસાઈને અડાલજની જવાબદારી સોંપાઈ
ગુજરાતના પાટનગર અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી ગાંધીનગર પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મોડી રાતે મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં બદલી થઈને આવેલા જેટલા બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોને વિવિધ પોલીસ મથકો અને ટ્રાફિક જેવી મહત્વની શાખાઓમાં તાત્કાલિક અસરથી નિમણૂંક આપી દેવામાં આવી છે. આ ફેરબદલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પાટનગરના વધતા જતા વિસ્તાર અને ટ્રાફિકની સમસ્યાઓ સામે પોલીસિંગને વધુ સઘન બનાવવાનો છે. દેસાઈની અડાલજ અને વિશાલ શાહની ઇન્ફોસિટીમાં નિમણૂક
ગાંધીનગર પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી ધ્વારા જિલ્લા પોલીસ મથકોમાં નવા પોલીસ ઈન્સ્પેકટરોની નિમણૂક કરી દેવામાં આવી છે. ગાંધીનગરના આઈટી હબ ગણાતા ઈન્ફોસિટી વિસ્તાર અને અમદાવાદ-ગાંધીનગરને જોડતા અડાલજ પટ્ટા પર સુરક્ષા વધારવા માટે અનુભવી અધિકારીઓની પસંદગી કરાઈ છે. જે અન્વયે સીઆઈડી ક્રાઈમમાંથી આવેલા એસ.જી. દેસાઈને અડાલજ પોલીસ સ્ટેશનમાં અને વી.એ. શાહને ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં જવાબદારી સોંપાઈ છે. આ વિસ્તારોમાં વ્યાપારી પ્રવૃત્તિઓ અને અવરજવર વધુ હોવાથી અહીં નવા અધિકારીઓની નિમણૂંક સુરક્ષાના દ્રષ્ટિકોણથી ઘણી મહત્વની માનવામાં આવે છે. એન.એમ. ચૌધરી અને વી.પી. પરમારને ટ્રાફિક શાખામાં
એજ રીતે શહેરમાં વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિક વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બે નવા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરાથી એન.એમ. ચૌધરી અને પોરબંદરથી બદલી થઈને આવેલા વી.પી. પરમાર હવે પાટનગરના ટ્રાફિક નિયમનની જવાબદારી સંભાળશે. તો બોટાદથી બદલી થઈને આવેલા પીઆઇ એ. જી. સોલંકીને સેકટર 7 પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. એમ.આર. તબિયારને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકાયા
બીજી તરફ મહિલાઓની સુરક્ષા અને સંવેદનશીલ મુદ્દાઓના નિકાલ માટે મહિલા પીઆઇ એમ.આર. તબિયારને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે જે દર્શાવે છે કે પોલીસ વિભાગ મહિલા સુરક્ષાને અગ્રતા આપી રહ્યું છે. જ્યારે રાજ્યનું શાસન જ્યાંથી ચાલે છે તેવા સચિવાલય સંકુલની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે કચ્છ ભુજથી એચ.એસ. ત્રિવેદી અને ઇન્ટેલિન્જસથી બદલી થઈને આવેલા એન.જી. બારોટ જેવા અધિકારીઓને ત્યાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
કલોલ તાલુકા પીઆઇ તરીકે જે. જે.ગઢવી
આ ઉપરાંત અમદાવાદથી આવેલા પોલીસ ઇન્સ્પેકટર એચ.એન.પટેલ અને કરાઈથી બદલી થઈને આવેલા આર.જે.બોડાટની કલોલ શહેર અને સુરત થી આવેલા પીઆઇ એ.એસ.ચૌહાણને મૂકવામાં આવ્યા છે. તો કલોલ તાલુકા પીઆઇ તરીકે જે. જે.ગઢવીને મૂકવામાં આવ્યા છે. જ્યારે રખિયાલ પોલીસ મથકમાં રામજીભાઈ ગોયલને પીઆઇ તરીકે નિમણુંક અપાઈ છે. એજ રીતે પેથાપર પોલીસ મથકમાં અમરેલીથી આવેલા પીઆઇ એ. એમ. દેસાઇની નિમણૂક કરાઈ છે. આ તમામ અધિકારીઓ અગાઉ રાજ્યના વિવિધ એકમો જેવા કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એન્ટી કરપ્શન બ્યુરો, સીઆઈડી ક્રાઈમ અને ઈન્ટેલિજન્સ બ્યુરોમાં કાર્યરત હતા. તેમના બહોળા અનુભવનો લાભ હવે ગાંધીનગર જિલ્લાના સ્થાનિક પોલીસિંગમાં મળશે. આ નવા અધિકારીઓ આવતા પાટનગરની શાંતિ અને સલામતી જાળવવામાં પોલીસ તંત્રને નવી ગતિ મળશે તેવું જણાય છે.
Read Original Article →