Live Updates

રાજસ્થાનથી ગુજરાતમાં હથિયારો સપ્લાય કરવાનું નેટવર્ક ઝડપાયું:લકઝરી બસમાંથી 29 જીવતા કારતૂસ સાથે બે દબોચાયા, ચિલોડામાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Gujarat5/3/2026, 4:55:24 AM
રાજસ્થાનથી ગુજરાતમાં હથિયારો સપ્લાય કરવાનું નેટવર્ક ઝડપાયું:લકઝરી બસમાંથી 29 જીવતા કારતૂસ સાથે બે દબોચાયા, ચિલોડામાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ગુજરાતમાં હથિયારો ઘુસાડવાના નેટવર્કનો ગાંધીનગર ચિલોડા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે શનિવારે મોડી રાત્રે નેશનલ હાઈવે 8 ચંદ્રાલા નાકા પોઇન્ટ પર વાહન ચેકીંગ દરમિયાન ઓપરેશન પાર પાડીને ખાનગી લક્ઝરી બસમાંથી બે શખ્સોને બે પિસ્ટલ, એક તમંચો અને 29 જીવતા કારતુસ મળીને અંદાજિત કુલ રૂ. 90 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. આ શખ્સો ઘાતક હથિયારો રાજસ્થાનથી લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા ચિલોડા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બે શખસના થેલાની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી ગાંધીનગર ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ. જે. ચૌહાણની ટીમ ગઈકાલે ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ પાસે હિંમતનગર તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહી હતી. ત્યારે હિંમતનગર તરફથી આવતી દિલ્હી - અમદાવાદ રૂટની રવીના ટ્રાવેલ્સની બસને રોકવામાં આવી હતી. બાદમાં બસના ડ્રાઈવર કંડકટરને સાથે રાખી એક પછી એક મુસાફરોના સામાનનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બસમાં સ્લીપિંગ સીટ નંબર EF પર મુસાફરી કરી રહેલા બે શખ્સો પોલીસને જોઈને ગભરાઈ ગયા હતા. જેના પગલે તેમની પાસે રહેલા ગ્રે અને કાળા કલરના થેલાની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બે પિસ્ટલ, એક દેશી તમંચો અને 29 નંગ જીવતા કારતુસ મળ્યા પોલીસને કપડાંની વચ્ચે પ્લાસ્ટિકની થેલીમાં સંતાડેલી બે નંગ હાથબનાવટની પિસ્ટલ, એક દેશી તમંચો અને 29 નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા. આ અંગે પીઆઈ એસ. જે. ચૌહાણે કહ્યું કે, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી અત્રેના નાકા પોઇન્ટ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. પોલીસે હથિયારોના જથ્થા સાથે બેને દબોચ્યા જેના પગલે 28 વર્ષીય રવિન્દ્રસિંગ દેશરાજસિંગ જાટ (હાલ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, કડોદરા, સુરત; મુળ રહે. ધોલપુર, રાજસ્થાન) અને 19 વર્ષીય યુવરાજસિંગ સોવરનસિંગ જાટ (રહે. ધોલપુર, રાજસ્થાન) હથિયારોના જથ્થા સાથે ઝડપાઈ ગયો છે. જેમની પાસેથી પિસ્ટલ, તમંચો, મેગેઝીન, કારતુસ, 3 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 89,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ આ હથિયારો ગુજરાતમાં કયા હેતુ માટે લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે અંગે આરોપીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. આ મામલે આર્મ્સ એક્ટની ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. જેની વધુ તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવશે.
Read Original Article →