9 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં ત્રીજી વખત ભાવવધારો:ગાંધીનગરમાં પેટ્રોલના રૂ. 99.07 તો ડિઝલના 94.99 થયા, જનતા પર દૈનિક આર્થિક ભારણ રૂ. 10 લાખને પાર

Gujarat5/23/2026, 4:46:48 AM
9 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં ત્રીજી વખત ભાવવધારો:ગાંધીનગરમાં પેટ્રોલના રૂ. 99.07 તો ડિઝલના 94.99 થયા, જનતા પર દૈનિક આર્થિક ભારણ રૂ. 10 લાખને પાર
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધઘટ અને વૈશ્વિક તણાવની સીધી આકરી અસર સ્થાનિક સ્તરે અટકવાનું નામ નથી લઈ રહી. ગાંધીનગરના નાગરિકો હજુ ગત સપ્તાહના બે મોટા આંચકામાંથી બહાર આવ્યા નહોતા. ત્યાં આજે 23 મેના રોજ વધુ એક વખત ઈંધણના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ગત 15 મેના રોજ 3 રૂપિયા અને ત્યારબાદ 19 મેના રોજ 80 પૈસાનો ભાવવધારો આવ્યા બાદ આજે ફરી એકવાર પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો ધરખમ વધારો ઝીંકાતા મધ્યમવર્ગીય પરિવારોની કમર ભાંગી ગઈ છે. પેટ્રોલના 99.07 તો ડિઝલના 94.99 રૂપિયા થયા આજ(23મે)ના આ ભાવવધારા સાથે જ ગાંધીનગર જિલ્લામાં પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લીટર 99.07 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. જે હવે સદી ફટકારવાની બિલકુલ નજીક છે. જ્યારે ડીઝલનો નવો ભાવ વધીને પ્રતિ લીટર 94.99 રૂપિયા થઈ ચૂક્યો છે. આ સાથે જ છેલ્લા ગણતરીના 10 દિવસમાં ઈંધણના ભાવમાં આશરે સાડા ચાર રૂપિયાથી વધુનો કુલ વધારો થઈ ચૂક્યો છે જે ગ્રાહકો માટે અસહ્ય સાબિત થઈ રહ્યો છે. જનતા પર દૈનિક આર્થિક ભારણ રૂ. 10 લાખને પાર જિલ્લાના નાગરિકો પર પડનારા આર્થિક બોજની નવી ગણતરી કરીએ તો સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ગાંધીનગર શહેરના 17 અને જિલ્લાના કુલ 120 જેટલા પેટ્રોલ પંપ પરથી રોજનો અંદાજિત બેથી સવા બે લાખ લીટર પેટ્રોલ-ડીઝલનો વપરાશ થાય છે. માત્ર આજના એક દિવસના વધારાને કારણે જનતા પર દૈનિક અંદાજે 2 લાખ રૂપિયાનું નવું ભારણ વધ્યું છે. જો ગત 15 મેથી શરૂ થયેલા ત્રણેય ભાવવધારાનો સામૂહિક હિસાબ માંડવામાં આવે તો ગાંધીનગર જિલ્લાની જનતા પર હવે રોજનું અંદાજે 10 લાખ 40 હજાર રૂપિયાથી વધુનું જંગી નાણાકીય ભારણ આવી પડ્યું છે. ઈંધણ પુરાવવા આવતા વાહનચાલકોમાં આક્રોશ આ હિસાબે જિલ્લાના નાગરિકોએ દર મહિને અંદાજે 3 કરોડ 12 લાખ રૂપિયાથી વધુની રકમ માત્ર વધેલા ભાવ પેટે ખર્ચવી પડશે. જોવા જઈએ તો ગાંધીનગરના 55, માણસાના 23, કલોલના 23 અને દહેગામ તાલુકાના 17 પેટ્રોલ પંપો પર આજે સવારથી જ આ નવા લાગુ થયેલા ભાવો સાથે ઈંધણનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. પેટ્રોલ પંપ પર ઈંધણ પુરાવવા આવતા વાહનચાલકોમાં આ અવિરત ભાવવધારાને લઈને ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે. બજારમાં દૈનિક વપરાશની સામગ્રીઓ વધુ મોંઘી થાય તેવી સંભાવના જાણકારોના મતે આ ત્રીજા ભાવવધારાની પ્રત્યક્ષ અસર વાહનચાલકોના ખિસ્સા પર તો પડી જ છે પરંતુ તેની વ્યાપક અસરો આગામી દિવસોમાં વધુ રોવડાવશે. સતત વધી રહેલા ડીઝલના ભાવને કારણે શાકભાજી, અનાજ અને અન્ય કરિયાણા જેવી જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનશે. ગુડ્સ ટ્રાન્સપોર્ટના ભાડા વધવાના કારણે આગામી દિવસોમાં બજારમાં દૈનિક વપરાશની સામગ્રીઓ વધુ મોંઘી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે જેનાથી સામાન્ય પરિવારોના ઘરનું બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ જશે.
Read Original Article →