લુખ્ખા ગેંગનો આતંક:ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ સામે સિગારેટના પૈસા માગતા પાન પાર્લરના ત્રણ ભાઈઓ પર જીવલેણ હુમલો કરી ફરાર
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવતી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. કુડાસણ વિસ્તારમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ (DA-IICT) ની સામે ઝાડી વિસ્તારમાં આવેલા ‘સ્ટેટ ઓફ રામાધણી પાન પાર્લર’ અને ચાની કિટલીના સંચાલક ત્રણ સગા ભાઈઓ પર મફતમાં સિગારેટ લેવાની બાબતે એક માથાભારે શખ્સે પોતાના સાગરીતો સાથે મળીને ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મફત સિગારેટ આપવાનો ઇનકાર કરતાં વિવાદ થયો
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગાંધીનગરના સેક્ટર-24માં રહેતા પ્રવીણસિંહ સોલંકી અને તેમના બે મોટા ભાઈઓ વિક્રમસિંહ તથા પ્રહલાદસિંહ કુડાસણ ચોકી પાસે પાન પાર્લર ચલાવે છે. ગત રાત્રિએ ધોળાકુવા ગામનો એક ભરવાડ યુવક ત્યાં આવ્યો હતો, જે અગાઉ પણ વિસ્તારમાં દાદાગીરીની શેખી મારીને પૈસા આપ્યા વગર સિગારેટ લઈ જતો હતો. ચાલુ વર્ષે આ વખતે જ્યારે પ્રહલાદસિંહે તેની પાસે સિગારેટના પૈસા માંગ્યા, તો તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ બોલાચાલી વધતા આરોપીએ ફોન કરીને હથિયારોથી સજ્જ પોતાના સાગરીતોને બોલાવી લીધા હતા. કાર અને બાઇક પર હથિયારો સાથે ત્રાટક્યું ટોળું
ફોન કર્યાની થોડી જ વારમાં ઘટનાસ્થળે નંબર પ્લેટ વગરની સફેદ સ્વીફ્ટ કાર, બાઈક અને એક્ટિવા પર સવાર થઈને આશરે અડધો ડઝનથી વધુ હુમલાખોરો ધસી આવ્યા હતા. જેમાં સેક્ટર-2માં રહેતા રાફીલ સહિતના અજાણ્યા શખ્સો હાથમાં લાકડાના ધોકા, લોખંડની પાઇપ અને ધારિયાં જેવા ઘાતક હથિયારો લઈને વાહનોમાંથી નીચે ઉતર્યા હતા. "આજે ત્રણેયને પાડી દેવાના છે..."
હુમલાખોરોએ ઘટનાસ્થળે પહોંચતા જ આતંક મચાવ્યો હતો અને "આજે આ ત્રણેયને પાડી દેવાના છે" એવી ચીમકી ઉચ્ચારીને ત્રણેય સગા ભાઈઓ પર આડેધડ ઘાતકી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પ્રવીણસિંહ, વિક્રમસિંહ અને પ્રહલાદસિંહને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાત્રિના સમયે બૂમાબૂમ થતાં આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા, જેને પગલે હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને વાહનો સાથે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં ત્રણેય ભાઈઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી હુમલાખોરની ઓળખ થઈ
આ ગંભીર ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હુમલો કરનાર મુખ્ય આરોપી સોશિયલ મીડિયા પર સક્રિય છે અને તેનું ઇન્સ્ટાગ્રામ આઈડી '5-star-kanudo-1026' હોવાનું ખૂલ્યું છે. આ શખ્સ અગાઉ પણ વિસ્તારના વેપારીઓ અને લોકોને ડરાવીને દાદાગીરી કરતો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ઇન્ફોસિટી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને તમામ હુમલાખોરોની અટકાયત કરવા માટે અલગ-અલગ ટીમો રવાના કરી છે.
Read Original Article →