મિત્રની પત્નીના એક તરફી પ્રેમમાં ખૂની ખેલ ખેલ્યો:ચાલતી કારમાં ગળું દબાવી યુવકનું કાસળ કાઢ્યું, લાશ ખેતરમાં ફેંકી; ગાંધીનગર મનપાના માળી સહિત ત્રણની ધરપકડ
ગાંધીનગર નજીક આવેલા રાંધેજા ગામની સીમમાં એક પડતર ખેતરમાંથી મળી આવેલી 36 વર્ષીય ટ્રકચાલકની હત્યાના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પેથાપુર પોલીસે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મૃતકની પત્નીના એકતરફી પ્રેમમાં પાગલ ગાંધીનગર મહાનગરપાલિકાના માળીએ કાવતરું રચ્યું હતું. તેણે પોતાના બે મિત્રો સાથે મળીને દારૂ પાર્ટીના બહાને ટ્રકચાલકને કારમાં બેસાડ્યો હતો અને ચાલતી ગાડીમાં જ ગળું દબાવીને ઠંડા કલેજે તેની હત્યા કરી નાખી હતી. 3 જૂનના રોજ ખેતરમાંથી લાશ મળી હતી
મૃતક મગનજી ઉર્ફે મનોજ પ્રહલાદજી ઠાકોર આઈવા ટ્રક ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પત્ની પાયલ, બે દીકરા અને એક દીકરી છે. ગત 3 જૂનના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં તેઓ ઘરેથી ટિફિન લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. જોકે, સાંજના સમયે તેમના પિતરાઈ ભાઈ રાહુલ ઠાકોરને ભાણા આઝાદસિંહ પરમારે ફોન કરીને જાણ કરી હતી કે, મગનજી રાંધેજા ગામના રેલવે ફાટક પાસે આવેલા હુસેનભાઈ મનસુરીના ખેતરમાં મૃત હાલતમાં પડ્યા છે. પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો
ઘટનાની જાણ થતાં જ રાહુલ સહિતના પરિચિતો અને પેથાપુર પોલીસ મથકના પીઆઈ અંકુર દેસાઈ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. મગનજી જમીન પર ચત્તી હાલતમાં પડેલા હતા, તેમના મોઢામાંથી લોહી નીકળતું હતું અને ગળા પર કાળો લીસોટો પડી ગયો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તેમનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું હતું. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. એકતરફી પ્રેમમાં મિત્ર જ બન્યો કસાઈ
પોલીસે શંકાના આધારે ત્રણ શકમંદોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ કરતાં જ સમગ્ર હત્યાકાંડ પરથી પડદો ઊંચકાયો હતો. પોલીસ તપાસ મુજબ, રાંધેજા ગામનો લાલા ગાભાજી ઠાકોર (ગાંધીનગર મનપામાં માળી) મૃતક મગનજીનો મિત્ર હોવાથી અવારનવાર તેના ઘરે જતો હતો. આ દરમિયાન તે મગનની પત્ની પાયલના એકતરફી પ્રેમમાં પડી ગયો હતો. પાયલને પામવા માટે લાલાએ પોતાના બે મિત્રો સુરેશ ડાભી (રહે. ચરેડી) અને દિગ્વિજય ઉર્ફે પિન્ટુ પોપટજી ચૌહાણ (રહે. રાંધેજા) સાથે મળીને મગનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ચિલોડાથી દુપટ્ટો ખરીદી ચાલુ કારમાં ટૂંપો આપ્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 જૂનના રોજ મગન નોકરી પર જવા નીકળ્યો ત્યારે શેઠે ફેરો ન હોવાનું કહેતા તે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પ્લાન મુજબ લાલાએ તેને ફોન કરીને મંદિરે દર્શન કરવા અને બાદમાં દારૂની પાર્ટી કરવા જવાના બહાને બોલાવ્યો હતો. મગન વિશ્વાસ રાખીને લાલાને મળવા પહોંચ્યો ત્યારે ત્યાં અગાઉથી અમદાવાદથી 24 કલાક માટે ભાડે રાખેલી કાર સાથે સુરેશ અને દિગ્વિજય પણ હાજર હતા. મગન કારમાં બેસતાં જ ત્રણેય આરોપીઓ તેને લઈને ગાંધીનગરના માર્ગો પર નીકળ્યા હતા. આ હત્યાકાંડને અંજામ આપવા માટે મુખ્ય સૂત્રધાર લાલાએ ચિલોડાથી એક દુપટ્ટો ખરીદ્યો હતો. મગનજીને કારની આગળની સીટમાં બેસાડવામાં આવ્યા હતા. કાર જ્યારે દહેગામ-ચિલોડા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળની સીટ પર બેઠેલા શખ્સોએ ચાલુ કારમાં જ મગનજીના ગળે દુપટ્ટો લપેટીને પાછળથી જોરથી ખેંચીને ટૂંપો આપી દીધો હતો અને ઠંડા કલેજે તેમની હત્યા કરી નાખી હતી. બાદમાં લાશનો નિકાલ કરવા માટે તેઓ રાંધેજાની સીમમાં બાવળવાળા પડતર ખેતરમાં મૃતદેહ ફેંકીને ફરાર થઈ ગયા હતા. પત્નીની ભૂમિકા શંકાના દાયરામાં, આજે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાશે
હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ક્રૂર હત્યાકાંડમાં મૃતકની પત્ની પાયલની ભૂમિકા પણ શંકાસ્પદ જણાતી હોવાથી તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. જો તપાસમાં પાયલની સંડોવણી બહાર આવશે તો તેની સામે પણ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત, પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી રિમાન્ડ દરમિયાન આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે ક્રાઇમ સીનનું રિ-કન્સ્ટ્રક્શન સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
Read Original Article →