બદલીની મિનિટોમાં જ સર્જાયો અજીબ જોગાનુજોગ:ગાંધીનગર મનપામાં કમિશનરની બદલી ટાણે જ કચેરીના પોપડા ઉખડ્યા, નવા કમિશનર જે.એસ.પ્રજાપતિ સામે પોલમપોલ ડામવાનો પડકાર

Gujarat5/13/2026, 7:59:16 AM
બદલીની મિનિટોમાં જ સર્જાયો અજીબ જોગાનુજોગ:ગાંધીનગર મનપામાં કમિશનરની બદલી ટાણે જ કચેરીના પોપડા ઉખડ્યા, નવા કમિશનર જે.એસ.પ્રજાપતિ સામે પોલમપોલ ડામવાનો પડકાર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાની ગીર-સોમનાથના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને વાવ-થરાદના કલેક્ટર જે.એસ. પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે. જોકે આ બદલીના આદેશોની સાથે જ મહાનગરપાલિકા કચેરીમાં એક અજીબ જોગાનુજોગ સર્જાયો હતો. આજે કમિશનરની બદલીના સમાચાર વહેતા થયાની ગણતરીની મિનિટોમાં જ તેમની વૈભવી ઓફિસની સિલીંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ ઘટનાએ મનપાના સ્ટાફમાં ભારે ચર્ચા જગાવી છે. ઓફિસની સિલિંગનો એકબાજુનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો ગાંધીનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલાનો કાર્યકાળ પૂરો થતાની સાથે જ તેમની જ ઓફિસની સિલીંગનો એક બાજુનો ભાગ તૂટી પડવાની ઘટના વહીવટી વર્તુળોમાં કૌતુકનો વિષય બની છે. મનપાના સ્ટાફમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે નવા કમિશનર જે.એસ. પ્રજાપતિના આગમન પહેલા જ તંત્રની પોલમપોલ આપોઆપ ખુલ્લી પડી ગઈ છે. કેમકે મ્યુનિસિપલ કમિશનર જેવી મહત્વની વ્યક્તિની ઓફિસમાં જ જો બાંધકામની આ સ્થિતિ હોય તો શહેરના અન્ય વિકાસકામોની ગુણવત્તા કેવી હશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. જે નવ નિયુક્ત કમિશનર માટે પડકારજનક બની રહેવાની છે. ગાંધીનગરના નવનિયુક્ત કમિશનર જે.એસ.પ્રજાપતિ 2014 બેચના આઈએએસ અધિકારી હોવાની સાથે સિવિલ એન્જિનિયરિંગની પદવી પણ ધરાવે છે. તેઓ અગાઉ જિલ્લા વિકાસ અધિકારી અને વાવ-થરાદના કલેક્ટર તરીકે સફળ કામગીરી કરી ચૂક્યા છે. એક એન્જિનિયર તરીકેની તેમની સૂઝબૂઝ ગાંધીનગરના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને મહાનગરપાલિકાના બાંધકામમાં ચાલતી ગેરરીતિઓને અટકાવવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મનપાના વર્તુળોમાં એવી પણ રમૂજ ચાલી રહી છે કે કમિશનર તરીકે જે.એસ.પ્રજાપતિ ચાર્જ સંભાળતાની સાથે જ બાંધકામ શાખાની કડક પરીક્ષા લેશે. ગાંધીનગર મનપા કમિશનર સહિત 72 IAS અધિકારીઓની બદલી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કુલ 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.જેમાં અમદાવાદ, સુરત, જામનગર અને જૂનાગઢ જેવા મહાનગરોમાં પણ ફેરફાર કરાયા છે. ગીર-સોમનાથ જિલ્લાના કલેક્ટર તરીકે જઈ રહેલા જે.એન. વાઘેલાના સ્થાને હવે જે.એસ. પ્રજાપતિ ગાંધીનગરના વહીવટી તંત્રની લગામ સંભાળશે. આગામી સમયમાં નવા કમિશનર ગાંધીનગરના વિકાસ કાર્યોમાં ગુણવત્તા અને પારદર્શિતા લાવવા માટે કેવા કડક પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.
Read Original Article →