રિવરફ્રન્ટ ફેઝ-3, સરગાસણ-પેથાપુર ટીપી સ્કીમોને લીલીઝંડી:ટાઉન પ્લાનિંગ અને વિકાસ કાર્યોને વેગ આપવા 7 પ્રસ્તાવો મંજૂર, ગાંધીનગર મનપાની સામાન્ય સભા યોજાઈ

Gujarat5/20/2026, 10:50:17 AM
રિવરફ્રન્ટ ફેઝ-3, સરગાસણ-પેથાપુર ટીપી સ્કીમોને લીલીઝંડી:ટાઉન પ્લાનિંગ અને વિકાસ કાર્યોને વેગ આપવા 7 પ્રસ્તાવો મંજૂર, ગાંધીનગર મનપાની સામાન્ય સભા યોજાઈ
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે બુધવારના રોજ સેકટર-17 સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવનના ચોથા માળે આવેલા સભાખંડમાં યોજાઈ હતી. મેયરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક અગાઉ સંકલનની બેઠક પણ યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં શહેરના વિકાસ અને વહીવટી પ્રક્રિયાને વેગ આપતા કુલ 7 મહત્વના પ્રસ્તાવો રજૂ કરાયા હતા. જેને વિપક્ષ કે અન્ય કોઈ વિરોધ વિના ગણતરીની મિનિટોમાં જ સર્વાનુમતે મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી હતી. પરિણામે આજની સામાન્ય સભા માત્ર એક ઔપચારિકતા બનીને પૂર્ણ થઈ હતી. રિવરફ્રન્ટ ફેઝ-3ની આગળની કામગીરી મંજૂર આ સભામાં પાટનગરના વિકાસને લગતા ટાઉન પ્લાનિંગના મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ મુસદ્દારૂપ નગર રચના યોજના નં. 20 કોબા અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ-3ની આગળની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા તૈયાર કરાયેલા આયોજનને ધ્યાને રાખીને કામચલાઉ પુન:રચનાની દરખાસ્ત અંગે કમિશનર તરફથી મળેલી ભલામણને પણ મંજૂર કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ દરખાસ્તને ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ સમિતિએ ગત 4 એપ્રિલના રોજ જ મંજૂરી આપી દીધી હતી. નગર રચના અધિકારીની ફેર દરખાસ્ત ગૃહમાં સ્વીકારાઈ બીજી તરફ, ટીપી સ્કીમ નં. 28 સરગાસણ-પોર-કુડાસણની પ્રારંભિક યોજનાના નિર્ણયો જાહેર કરતા પહેલાં નગર રચના અધિકારી દ્વારા રજૂ કરાયેલી તારીખ 26 મે, 2025 વાળી ફેર દરખાસ્ત પર પરામર્શ આપવાની કમિશનરની ભલામણને પણ ગૃહમાં સ્વીકારી લેવામાં આવી હતી. આ ઉપરાંત મુસદ્દારૂપ ટીપી સ્કીમ નં. 41 પેથાપુરની કામચલાઉ પુન:રચનાની દરખાસ્તમાં રોડ તેમજ સત્તામંડળને હસ્તગત થતાં જાહેર હેતુના ફાઈનલ પ્લોટ પરત્વે કમિશનરની ભલામણને મંજૂરી અપાઈ હતી. તેમજ ટીપી સ્કીમ નં. 61 ખોરજ-ખોડીયારની આખરી યોજનામાં ફાઈનલ પ્લોટ નંબર 50, 103 અને 105 માં ફેરફાર કરવાની દરખાસ્તોને પણ સભાએ બહાલી આપી દીધી હતી. આઉટડોર પબ્લિસિટી પોલીસી-2024માં ફેરફાર જ્યારે શહેરમાં હોર્ડિંગ્સ અને જાહેરાતોને લઈને હાઈકોર્ટના સૂચન અન્વયે મનપાની આઉટડોર પબ્લિસિટી પોલીસી-2024માં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સુધારા અંગે કમિશનર તરફથી આવેલી ભલામણ પર સામાન્ય સભામાં આખરી મંજુરીની મહોર મારવામાં આવી હતી. આ અગાઉ ગત 13 માર્ચના રોજ સ્થાયી સમિતિ દ્વારા ઠરાવ કરીને આ દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો વહીવટી સુધારાના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ફાયર ઓફીસર વર્ગ-2 સંવર્ગની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવા અંગે કમિશનર તરફથી મહત્વની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ ભલામણને પણ સામાન્ય સભાએ મંજૂરી આપી દીધી છે જેથી આગામી સમયમાં ફાયર ઓફિસરની ભરતી કે પ્રમોશનના નિયમોમાં મોટો બદલાવ જોવા મળશે.
Read Original Article →