શ્વેતક્રાંતિના નવા અધ્યાયનો 17 મેના રોજ પ્રારંભ થશે:ગાંધીનગરના દશેલામાં 128 કરોડના ખર્ચે મધુર ડેરીનો અત્યાધુનિક પ્લાન્ટ સજ્જ, અમિત શાહના હસ્તે લોકાર્પણ
ગાંધીનગર જિલ્લાના પશુપાલકો અને સહકારી ક્ષેત્ર માટે આગામી 17 મેનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. જિલ્લાના દશેલા ગામ ખાતે ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (મધુર ડેરી) દ્વારા રૂપિયા 128 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ નવનિર્મિત પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત ભાઈ શાહના વરદ હસ્તે રવિવારના રોજ સંપન્ન થશે. આ ભવ્ય લોકાર્પણ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટ જનતાને સમર્પિત કરવામાં આવશે. દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 2.5 લાખ લિટર
અંદાજિત 128 કરોડના ખર્ચે નિર્મિત આ પ્લાન્ટ અત્યાધુનિક ઓટોમેશન ટેકનોલોજીથી સજ્જ છે. આ પ્લાન્ટની પ્રારંભિક દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 2.5 લાખ લિટર છે. જે ભવિષ્યની જરૂરિયાત મુજબ વધારીને 5 લાખ લિટર પ્રતિ દિવસ સુધી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નવા એકમની શરૂઆત સાથે જ મધુર ડેરીની કુલ ક્ષમતા 5 લાખ લિટર પ્રતિ દિવસ થઈ જશે. જે તેને ગાંધીનગર જિલ્લાના સૌથી મોટા સહકારી દૂધ સંઘ તરીકે સ્થાપિત કરશે. દૂધની પ્રોડક્ટ્સ બનાવવાની ક્ષમતામાં વધારો
આ નવા પ્લાન્ટના કાર્યરત થવાથી જિલ્લાના હજારો દૂધ ઉત્પાદકોનું તમામ દૂધ સ્થાનિક સ્તરે જ પ્રોસેસ થઈ શકશે. જેના પરિણામે પશુપાલકોને તેમના દૂધના વધુ પોષણક્ષમ ભાવ મળી રહેશે. બીજી તરફ ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દૂધ અને તેની વિવિધ બનાવટો ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટથી અમુલ ફેડરેશનની નવી દૂધની પ્રોડક્ટ્સ બનાવવાની ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થશે. મધુર ડેરીનું ટર્ન ઓવર હાલમાં 628 કરોડ
મધુર ડેરીની વિકાસયાત્રા વાત કરીએ તો 6 ફેબ્રુઆરી 1971ના રોજ માત્ર 4 દૂધ મંડળીઓ અને દૈનિક માત્ર 6,433 લિટર દૂધ સંપાદન સાથે શરૂ થયેલી આ ડેરી આજે વટવૃક્ષ બની છે. વર્ષ 2025-26ના આંકડા મુજબ ડેરીનું દૈનિક દૂધ સંપાદન 2,76,000 લિટર સુધી પહોંચ્યું છે. શરૂઆતના વર્ષોમાં જેનું વાર્ષિક ટર્નઓવર માત્ર 7 લાખ હતું.તે આજે આશરે 628 કરોડના આંકડાને સ્પર્શી ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડેરીએ અનેક માળખાકીય પ્રોજેક્ટ્સ હાથ ધરીને જિલ્લાના ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી આપી છે. આ નવો પ્લાન્ટ આગામી સમયમાં ગાંધીનગર જિલ્લાના પશુપાલકોના જીવનમાં આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે તેમ મનાઈ રહ્યું છે.
Read Original Article →