કોંગ્રેસના સુપડા સાફ થવાની દહેશત:ગાંધીનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગમાં વહીવટી ખામીઓ અને કાયદાકીય ગૂંચમાં 177 ફોર્મ રદ, હવે મેદાનમાં માત્ર 476 ઉમેદવારો

Gujarat4/13/2026, 4:14:27 PM
કોંગ્રેસના સુપડા સાફ થવાની દહેશત:ગાંધીનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગમાં વહીવટી ખામીઓ અને કાયદાકીય ગૂંચમાં 177 ફોર્મ રદ, હવે મેદાનમાં માત્ર 476 ઉમેદવારો
ગાંધીનગર જિલ્લા પંચાયત તેમજ કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો જંગ હવે રસપ્રદ વળાંક પર આવી પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મની ચકાસણીના અંતે જે ચિત્ર સામે આવ્યું છે તે કોંગ્રેસ માટે આંચકાજનક અને શાસક પક્ષ ભાજપ માટે વોક ઓવર એટલે કે આગળ વધો જેવી સ્થિતિ સર્જનારું સાબિત થયું છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં કુલ 177 જેટલા ફોર્મ રદ થતા અનેક દિગ્ગજોના રાજકીય સપનાઓ રોળાયા છે. મેદાનમાં માત્ર 476 ઉમેદવારો બાકી રહ્યા છે ગાંધીનગર જિલ્લાની કુલ 176 બેઠકો માટે ભરાયેલા 653 ફોર્મમાંથી 177 ફોર્મ ટેકનિકલ ખામીઓ, મેન્ડેટના અભાવ કે અયોગ્યતાને કારણે રદ કરવામાં આવ્યા છે. હવે મેદાનમાં માત્ર 476 ઉમેદવારો બાકી રહ્યા છે. આ આંકડાકીય ફેરફાર આગામી પરિણામો પર સીધી અસર પાડનારું રાજકીય પરિબળ છે. ખાસ કરીને મહત્વની બેઠકો પર કોંગ્રેસના મુખ્ય ઉમેદવારોના ફોર્મ રદ થતા વિપક્ષી છાવણીમાં સોપો પડી ગયો છે. ઉમેદવારની ખરાઈ કર્યા વગર જ ટિકિટ આપતા પક્ષની શિસ્ત પર સવાલો ઉઠ્યા કારણ કે, ગાંધીનગર જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠાભરી ગણાતી માણસાની સમૌ બેઠક પર કોંગ્રેસના યશવંતભાઈ ચૌધરીનું ફોર્મ ત્રણ સંતાન હોવાના કારણે રદ થયું છે. આમ, જિલ્લા નેતૃત્વ પર આંધળો વિશ્વાસ રાખી કોંગ્રેસ પક્ષે ઉમેદવારની ખરાઈ કર્યા વગર જ ટિકિટ આપતા પક્ષની શિસ્ત પર સવાલો ઉઠ્યા છે. અહીં કોંગ્રેસના ઉમેદવારને ત્રણ સંતાનો હોવાનું સાબિત થતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આમ ગાંધીનગર કોંગ્રેસ હજી પણ આંતરિક ખેંચતાણમાં વ્યસ્ત રહી ચૂંટણી નિયમોના પાઠ ભણી નહીં હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ચરાડા-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારે જાણે અજાણે કરેલી ભૂલ પક્ષને ભારે પડી ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કાયદા મુજબ બેથી વધુ સંતાનો ધરાવતા વ્યક્તિ ચૂંટણી લડી શકતા નથી. આ કાયદાકીય જોગવાઈએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. હવે આ બેઠક પર ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષો વચ્ચે જ સ્પર્ધા બાકી રહી છે. જેનો સીધો ફાયદો ભાજપને મળવાની શક્યતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. એ જ રીતે માણસા તાલુકા પંચાયતની ચરાડા-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારે જાણે અજાણે કરેલી ભૂલ પક્ષને ભારે પડી છે. આ બેઠક માટે ટેકેદાર તરીકે સહી કરનાર મતદાર અન્ય વિભાગના હોવાનું સામે આવતા ફોર્મ અમાન્ય ઠર્યું છે. આ નાટ્યાત્મક ઘટના સ્થાનિક કોંગ્રેસ પક્ષના આંતરિક સંકલન અને ફોર્મ ભરવાની ગંભીરતા પર સવાલો ઉભા કરે છે. કોંગ્રેસ ચૂંટણી જંગ શરૂ થાય તે પહેલા જ અનેક મોરચે પાછળ ધકેલાઈ ગઈ બીજી તરફ દહેગામની ખાનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અગાઉના એક ગુનામાં કોર્ટ દ્વારા સજા પામેલા હોવાથી તેમની ઉમેદવારી રદ થઈ છે. એક તરફ ભાજપ મજબૂત સંગઠન સાથે મેદાનમાં છે ત્યારે કોંગ્રેસના મજબૂત ગણાતા ઉમેદવારોના ફોર્મ રદ થવા તે પક્ષ માટે નામુશી સમાન છે. અનેક બેઠકો પર હવે મુખ્ય લડત ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે મર્યાદિત બની ગઈ છે. જોકે, ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ બાદ ખરું ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ, હાલના તબક્કે તો કોંગ્રેસ ચૂંટણી જંગ શરૂ થાય તે પહેલા જ અનેક મોરચે પાછળ ધકેલાઈ ગઈ હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. ચૂંટણી તંત્રની આ કડક કાર્યવાહીએ તમામ પક્ષોને કાયદાકીય સજ્જતાના પાઠ ભણાવ્યા હોવાનું કહી શકાય. ઉમેદવારી પત્રો ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે. ભાજપ દ્વારા હવે એ બેઠકો પર જોર લગાવવામાં આવી રહ્યું છે જ્યાં માત્ર બે જ ઉમેદવારો સામસામે છે. આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડશે કે હજુ કેટલી બેઠકો બિનહરીફ થાય છે. હવે ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે હવે કુલ 84 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તમામ 28 બેઠકો પર ભાજપના ઉમેદવારો મેદાનમાં છે જ્યારે કોંગ્રેસના 27 ઉમેદવારો રહ્યા છે. આમ આદમી પાર્ટીના 17 ઉમેદવારો મેદાનમાં છે.
Read Original Article →