રક્તપિત્ત નિર્મૂલન અભિયાન હેઠળ ગાંધીનગરના 56 ગામોમાં ઘરે-ઘરે સર્વેનો પ્રારંભ:શંકાસ્પદ કેસ મળ્યે નિ:શુલ્ક સારવારની ખાતરી, 350 ટીમ તપાસ કરી રહી છે

Gujarat6/9/2026, 12:11:52 PM
રક્તપિત્ત નિર્મૂલન અભિયાન હેઠળ ગાંધીનગરના 56 ગામોમાં ઘરે-ઘરે સર્વેનો પ્રારંભ:શંકાસ્પદ કેસ મળ્યે નિ:શુલ્ક સારવારની ખાતરી, 350 ટીમ તપાસ કરી રહી છે
રાજ્ય સરકારના રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ સમગ્ર જિલ્લામાં 18 જૂન સુધી વિશેષ લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતગર્ત આરોગ્ય તંત્રની 350 ટીમો ધ્વારા જિલ્લાના 56 ગામોમાં ઘરે-ઘરે જઈને રક્તપિત્તના સંભવિત કેસોને શોધી અને તેની નિશુલ્ક સારવાર માટે સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. 56 ગામો અને શહેરી વિસ્તારોની ઓળખ કરાઈ ગાંધીનગર જિલ્લો હાલમાં લઘુત્તમ કેસ ધરાવતો જિલ્લો છે તેમ છતાં આ રોગને જડમૂળથી નાબૂદ કરવા માટે છેલ્લા 10 વર્ષમાં રક્તપિત્તના કેસ નોંધાયા હોય તેવા 56 ગામો અને શહેરી વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. જેમાં કલોલ, માણસા અને દહેગામના નિયત વિસ્તારો ઉપરાંત ઉવારસદ, અડાલજ, પ્રાંતિયા, ચીલોડા, છાલા, રૂપાલ, ડભોડા, લેકાવાડા, પીપળજ, સાંપા, લવાડ, સાણોદા, કરોલી, બહિયલ, નવાનગર, બારડોલી, કડજોડરા, ઇટાદરા, અનોડિયા, વેડા, દેલવાડ, વરસોડા, લીંબોદરા, આજોલ, છત્રાલ, પાનસર, શેરીસા, હાજીપુર, મોટીભોયણ, સૈજ, ખાતરાજ, રાંચરડા, રકનપુર, સાંતેજ, ધાનજ અને નારદીપુર સહિતના વિસ્તારોમાં ટીમો દ્વારા સઘન સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. 350 ટીમો ઘરે-ઘરે ફરીને તપાસ કરી રહી છે આ મહાઅભિયાનમાં આરોગ્ય કાર્યકરો, આશા બહેનો અને સ્વયંસેવકોની બનેલી 350 ટીમો ઘરે-ઘરે ફરીને તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન જો કોઈ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણો જણાશે તો મેડિકલ ઓફિસર દ્વારા તેની આખરી તપાસ કરવામાં આવશે. રક્તપિત્તએ આ જીવાણુથી થતો ચેપી રોગ છે નિષ્ણાતોના મતે રક્તપિત્તએ માયકો બેક્ટેરિયમ લેપરી નામના જીવાણુથી થતો ખૂબ જ ધીમો ચેપી રોગ છે. આ રોગ મોટે ભાગે ચેપગ્રસ્ત વ્યક્તિના ઉધરસ અને છીક દ્વારા હવામાં ફેલાય છે અને તે મુખ્યત્વે ચામડી તથા ચેતાતંત્રને અસર કરે છે. આ રોગની ખાસિયત એ છે કે તેમાં દર્દીને દુખાવો થતો નથી પરિણામે નિદાનમાં વિલંબ થાય છે. આ રોગના પ્રાથમિક લક્ષણો છે આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે કે શરીરના કોઈપણ ભાગ પર આછું, ઝાંખું કે રતાશ પડતું સંવેદના વગરનું ચાઠું હોવું, હાથ-પગમાં ગરમ ઠંડા કે દુખાવાની સંવેદનાનો અભાવ, ચહેરા કે કાન પર ગાંઠ થવી કે ભ્રમરના વાળ ખરી જવા એ આ રોગના પ્રાથમિક લક્ષણો છે. શંકાસ્પદ કેસ મળ્યે નિ:શુલ્ક સારવારની ખાતરી જો કોઈ વ્યક્તિમાં રક્તપિત્તનું નિદાન થાય તો સરકાર દ્વારા તેમની સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. આ ઉપરાંત જે દર્દીઓને પગમાં સંવેદનહીનતાની તકલીફ હોય તેમને સરકાર તરફથી દર વર્ષે બે જોડી વિશિષ્ટ માઇક્રો સેલ્યુલર રબર પગરખાં આજીવન વિનામૂલ્યે આપવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે જ્યારે આરોગ્યની ટીમ સર્વે માટે આવે ત્યારે તેમને પૂરતો સહકાર આપે. ઘરના તમામ સભ્યોની તપાસ કરાવીને લક્ષણો છુપાવ્યા વિના વહેલા નિદાન અને સારવારનો લાભ લેવા અનુરોધ છે.
Read Original Article →