કરાઈ પોલીસ એકેડમીમાં 5 LRD તાલીમાર્થીના બેગમાંથી ચોરી:મેસના કર્મચારીનું કારસ્તાન ખૂલ્યું, બેરેકમાં જવાની પરમિશન નહીં છતાં ઘૂસ્યો

Gujarat6/3/2026, 4:49:00 AM
કરાઈ પોલીસ એકેડમીમાં 5 LRD તાલીમાર્થીના બેગમાંથી ચોરી:મેસના કર્મચારીનું કારસ્તાન ખૂલ્યું, બેરેકમાં જવાની પરમિશન નહીં છતાં ઘૂસ્યો
ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતેની નવી મેલ બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલી બેરેકમાં તાલીમ લઈ રહેલા LRD તાલીમાર્થીઓના રૂમમાં ઘૂસીને ચોરી થતાં ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર મામલે તપાસ કરતા ચોરી કરનાર કોઈ બહારનો વ્યક્તિ નહીં પણ સેન્ટ્રલ ડાઇનિંગ હોલની જનરલ મેસમાં કામ કરતો કર્મચારી હોવાનું બહાર આવતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લો કલાસમાં ગયા ને પાછળથી રૂપિયા ચોરાયા ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ એકેડમી, કરાઈ ખાતે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એકેડેમીની નવી મેલ બેરેક ઇન્ચાર્જ પ્રદીપભાઈ રમેશભાઈ ગોહેલ દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ છે. બિલ્ડીંગના છઠ્ઠા માળે બેરેકમાં કુલ-23 બેડ આવેલા છે. જેમાં કુલ 23 LRD તાલીમાર્થીઓ રહે છે. ગત તા.1 જૂનના રોજ બપોરના સમયે તાલીમાર્થીઓ લો કલાસમાં ગયા હતાં. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે રૂમમાં ઘૂસીને પાંચ તાલીમાર્થીઓની બેગમાંથી કુલ રૂ.9600 ચોરી લીધાની બુમરાણ મચી હતી. જેના પગલે કરાઈ એકેડમીના અધિકારીઓ દોડી આવ્યા હતા. મેસના કર્મચારીનું કારસ્તાન ખૂલ્યું બાદમાં બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા એકેડમીના સેન્ટ્રલ ડાઈનિંગ હોલમાં કામ કરતો અશોક કોયજીભાઈ રાઠવા નામના કર્મચારીની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તેને બેરેકમાં જવાની કોઈ પરવાનગી નહોતી. જેના પગલે અશોક રાઠવા(રહે.છોટા ઉદેપુર) ને બોલાવીને પૂછપરછ કરતા તેણે તાલીમાર્થીઓની બેગમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્યારે પોલીસ એકેડમી જેવા સુરક્ષિત ગણાતા સ્થળે તાલીમાર્થીઓના જ પૈસા ચોરાતા હાલ ભારે ચર્ચા જાગી છે.
Read Original Article →