ગાંધીનગરમાં આપણા વોર્ડમાં આપણું જેસીબી:અમિત શાહે કરેલા લોકાર્પણ બાદ તંત્ર એક્શનમાં, કચેરીના ધક્કા ખાધા વિના ફરિયાદોનો ઓન ધ સ્પોટ નિકાલ થશે
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાટનગરમાં નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ કરવા માટે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કરેલા લોકાર્પણ પછી શહેરના તમામ વોર્ડમાં નવા ખરીદવામાં આવેલા આધુનિક બેક હો લોડર એટલે કે જેસીબી મશીનોની વિધિવત ફાળવણી કરી દેવામાં આવી છે. આ નવી વ્યવસ્થા અમલી બનતા જ હવે સ્થાનિક સ્તરે સફાઈ અને માળખાગત પ્રશ્નોના ઉકેલમાં વહીવટી વિલંબ નહિ થાય અને વોર્ડ કક્ષાએ જ પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવી શકાશે. આધુનિક જેસીબી મશીનોનું ઈલોકાર્પણ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મહાનગરપાલિકા દ્વારા ખરીદવામાં આવેલા આધુનિક જેસીબી મશીનોનું ઈલોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી દ્વારા ડિજિટલ માધ્યમથી કરાયેલા લોકાર્પણ બાદ આજરોજ મહાનગર પાલિકા દ્વારા જરૂરી તમામ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આ મશીનોને પ્રત્યેક વોર્ડ કક્ષાએ સફાઈ અને અન્ય નાગરિક સુવિધાઓના કામ માટે સત્તાવાર રીતે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. કાઉન્સિલરઓની હાજરીમાં સાધનો વોર્ડના જવાબદારોને સોંપાયા
મહાનગરપાલિકા ભવન ખાતે આયોજિત આ મશીનોની ફાળવણીના કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ મ્યુનિસિપલ કમિશનર જે. એસ. પ્રજાપતિ તથા વિવિધ વોર્ડના કાઉન્સિલરઓની હાજરીમાં આ સાધનો જેતે વોર્ડના જવાબદારોને સોંપાયા હતા. શહેરી વિસ્તારમાં દૈનિક ધોરણે ઊભી થતી સફાઈ અને પાયાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દરેક વોર્ડને પોતાનું અલાયદું મશીન ફાળવવાનો આ નિર્ણય નાગરિકો માટે ફાયદાકારક રહેવાનો છે. સફાઈ અને દબાણ હટાવવાની કામગીરી ઝડપી બનશે
અત્યાર સુધી એવી સ્થિતિ સર્જાતી હતી કે કોઈ એક વોર્ડમાં જેસીબી મશીનની જરૂર હોય તો મધ્યસ્થ કચેરીથી મશીનરી મંગાવવી પડતી હતી. જેમાં સમયનો વેડફાટ થતો હતો. પરંતુ હવે આ નવી વ્યવસ્થાથી દરેક વોર્ડમાં સ્વતંત્ર રીતે સફાઈ અને દબાણ હટાવવાની કામગીરી ઝડપી બનશે અને રોજિંદા કામકાજમાં આવતી મશીનરીની અછતનો કાયમી ઉકેલ આવશે. હવે પ્રત્યેક વોર્ડમાં પોતાનું અલાયદું બેક હો લોડર ઉપલબ્ધ થવાથી જનહિતની ફરિયાદોનો સત્વરે સ્થળ પર જ નિકાલ લાવી શકાશે. આગામી ચોમાસાની ઋતુ પૂર્વે આ મશીનો ફાળવાતા પ્રીમોન્સૂન કામગીરીને પણ મોટો વેગ મળશે. ખાસ કરીને વોર્ડમાં સઘન સફાઈ કામગીરી, કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન એટલે કે સી.એન.ડી. વેસ્ટ ઉઠાવવાની કામગીરી, જાહેર માર્ગો પર એકઠા થતા કચરાના મોટા ઢગલાઓનો નિકાલ તેમજ રોડની આસપાસ ઉગી નીકળતું બિનજરૂરી ઘાસ અને ઝાડી-ઝાંખરા દૂર કરવા જેવી કામગીરી ઝડપથી પૂર્ણ થશે.
Read Original Article →