લોદરા-સરગાસણથી બે શખસ IPL મેચ પર સટ્ટો રમતા ઝડપાયા:53 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, ક્રાઈમ બ્રાન્ચે સંકળાયેલાની શોધખોળ શરૂ કરી
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની બે અલગ-અલગ ટીમોએ આઈપીએલ ક્રિકેટ મેચો દરમિયાન ચાલતી સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી છે. જે અન્વયે લોદરા અને સરગાસણ વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ક્રાઈમ બ્રાન્ચે બે સટોડિયાને કુલ રૂ.53 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઇ માણસા અને અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોદરા ગામમાંથી 15 હજારથી વધુના મુદ્દામાલ સાથે સટોડિયો ઝડપાયો
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના એલ.સ ડી.બી. વાળાની સૂચનાથી પેટ્રોલીંગમાં રહેલી ટીમે માણસા તાલુકાના લોદરા ગામમાં દરોડો પાડ્યો હતો. શેઠીયાપુરા વિસ્તારમાં પોતાના ઘરની બહાર બેસીને મોબાઈલ પર હાર-જીતનો જુગાર રમી રહેલા સુનિલભાઈ રતિલાલ પટેલને પોલીસે દબોચી લીધો હતો. આરોપી પાસેથી 13,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન, 2770 રૂપિયાની રોકડ તેમજ સટ્ટાના આંકડા લખેલી ડાયરીઓ સહિત કુલ 15,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે. સરગાસણના શોપિંગ સેન્ટર પાસે ઓનલાઈન સટ્ટો રમતો શખસ પકડાયો
બીજી તરફ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ 2ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. પરમારની ટીમને બાતમી મળી હતી કે સરગાસણના પ્રમુખ પેસીફીક શોપિંગ પાસે એક શખ્સ જાહેરમાં મોબાઈલ ફોન પર આઈપીએલ મેચનો ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી જૈમિન પ્રકાશભાઈ પ્રજાપતિ (રહે. મોટેરા, અમદાવાદ)ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એક શખ્સ વોન્ટેડ
પોલીસની તપાસમાં તેની પાસેથી 35,000 રૂપિયાની કિંમતનો આઈફોન અને 3,000 રૂપિયાની રોકડ મળી આવી હતી. આ કેસમાં પોલીસે સંદીપ પટેલ નામના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી અડાલજ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે આઈપીએલની સીઝન શરૂ થતાની સાથે જ સટ્ટાબજાર સક્રિય થયા હોવાથી પોલીસે બાતમીદારોને પણ એક્ટિવ કરવામાં આવ્યા છે.
Read Original Article →